________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
| નિયમસાર પ્રવચન ભાન નથી, તેનો જેને આશ્રય વર્તતો નથી તે જીવ ચૈતન્યની નિર્વિકલ્પ અભેદ પરિણતિથી રહિત એવો મોહી-ભ્રાન્ત છે એમ કહે છે. સમજાણું કાંઈ...? વળી,
તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો...'
લ્યો, આ કહેવું છે કે નિજ જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માની નિર્મળ અંતરપરિણતિ જેને નથી તે મોહી–ભ્રાંત જીવ, પુણ્ય-પાપના અનેક પ્રકારના વિકારી પરિણામને કરે છે. અહા ! સ્વ-આશ્રયે જેને અંતરમાં નિર્મળ પરિણતિ નથી તે બ્રાન્ત-મોહી જીવ અજ્ઞાનભાવે કર્તા થઈને પુણ્યપાપના વિકારી પરિણામને કરે છે.
અહા! એ સમ્યજ્ઞાનથી રહિત છે ને? તેથી એને ભગવાન આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ નથી. તો એને શુદ્ધ ચૈતન્યની પરિણતિનો-સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને રમણતાના ભાવનો-અભાવ છે. અહા ! આવો એ મૂઢ-પર્યાયમૂઢ છે. તો મૂઢ એવો તે અનેક પ્રકારના શુભાશુભ વિકારી પરિણામને કરે છે. તો, કહે છે
“તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી.'
અહા! અજ્ઞાની જીવ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી; કેમકે તે રાગના કર્તાપણામાં રોકાયેલો છે. એમ કે અત્યારે ભક્તિ-પૂજા-જાત્રા આદિ શુભભાવ જ હોય, માટે આપણે શુભભાવ કરવો જોઈએ. અત્યારે બીજું શું થઈ શકે?—આમ માનીને બિચારો એ ઠગાઈ ગયો છે. અહા ! નિજ ઘરમાં વિકલ્પ નામની ચીજ જ નથી છતાં એવા આત્માનું જ્ઞાન ને ભાન નહિ હોવાથી એ અજ્ઞાની આવા બધા વિકલ્પનો-રાગનો કર્તા થાય છે, ને રાગના કર્તાપણાના આડે એને હું આત્મા છું એ એવું વિસરાઈ ગયું છે કે એને બીજું કાંઈ સૂઝતું જ નથી.
અહા! શુભભાવ કરીએ તો આપણને લાભ થશે, આપણો પરંપરાએ મોક્ષ થશે એમ અજ્ઞાની માને છે. તે કહે છે–શાસ્ત્રમાં પણ એવી વાત આવે છે, માટે આપણે શુભભાવ કરીએ એમાં ખોટું શું છે? અહા! શાસ્ત્રમાં એ કોના સંબંધે અને કઈ પદ્ધતિએ કથન છે એ એને કાંઈ ખબર નથી, માત્ર આંધળેબહેરું કૂટે રાખે છે. પણ બાપુ! (તું શુભરાગનો કર્તા થા છો ) એ ઝેરના પ્યાલા તું પીએ છે હીં, કારણ કે શુભભાવ પણ રાગ-ઝેર છે, ને જ્ઞાની સંત એ ઝેર પીવાનું કેમ કહે? બાપુ! આ દેહ છોડવાનો કાળ તને આવશે ત્યારે તું ઘેરાઈ જઈશ-મુંઝાઈ જઈશ. કેમ કે એક તો રાગનો કર્તા થઈને ત્યાં રોકાઈ ગયો છો, ને પાછો એનાથી લાભ-મોક્ષ થવાનું માને છે. એથી તું મરણ ટાણે મુંઝાઈ જઈશ, અટકી જઈશ. અહા ! તારાં એ મરણ અસમાધિમરણ થશે. અહા! આમ રાગના કર્તાપણાના ભાવવાળો અજ્ઞાની મૂઢ જીવ રાગરહિત એવો જે મોક્ષમાર્ગ છે તેને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નહિ હોવાથી ચતુર્ગતિ પરિભ્રમણ કરે છે. સમજાણું કાંઈ?
જુઓ, અજ્ઞાની મોક્ષમાર્ગને લેશમાત્ર પણ કરતો નથી એ તો છે, તથા તે મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછતો નથી એમ પણ છે. તે ઉપરાંત અહીં કહે છે-તે અજ્ઞાની મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી. ગજબ વાત છે ને? કેમકે તે એમ માને છે કે જે આ શુભભાવ કરીએ છીએ તે સારું જ કામ છે, ને તેમાંથી જ-શુભભાવ કરતાં કરતાં જ-મોક્ષ થઈ જશે. અહા ! આવી ભ્રાન્તિમાં પડેલો તે અજ્ઞાની મોક્ષમાર્ગને લેશમાત્ર વાંછવાનું જાણતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com