________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦
નિયમસાર પ્રવચન પૂજનીય પરમપરિણામિકભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.'
જુઓ, છે તો બેય પર્યાય, પરંતુ કારણશુદ્ધપર્યાય ત્રિકાળ ધ્રુવપર્યાય છે, જ્યારે આ કાર્યશુદ્ધપર્યાય વર્તમાન પ્રગટ પર્યાય છે. અહા! વસ્તુ-આત્મામાં અનંત-અનંત સામાન્ય અને વિશેષ ગુણો છે, અને તેની અનંતી એકરૂપ ધ્રુવ કારણપર્યાય છે, તેમ જ એ ગુણોની પ્રગટ પર્યાય પણ છે. દરેક જીવને પ્રગટ પર્યાય તો હોય જ ને? સર્વજ્ઞને પૂર્ણ પ્રગટ પર્યાય હોય છે, જ્યારે નિગોદના જીવને પણ જ્ઞાન, દર્શન ને વીર્ય ક્ષયોપશમભાવે છે કે નહીં? છે. તો નિગોદના જીવને દ્રવ્ય, ગુણ ને કારણશુદ્ધપર્યાય પરિણામિકભાવે છે, જ્યારે આ પ્રગટ પર્યાય ( જ્ઞાન, દર્શન ને વીર્યની પર્યાય) ક્ષયોપશમભાવે છે, ને રાગાદિ ઉદયભાવે છે.-આમ તેને ઉદયભાવ, ક્ષયોપશમભાવ ને પરિણામિકભાવ-એ ત્રણ ભાવો હોય છે. ભગવાન સિદ્ધને ક્ષાયિકભાવ ને પારિણામિકભાવ-એ બે જ ભાવ હોય છે. તેમની કેવળજ્ઞાનાદિ પર્યાય ક્ષાયિકભાવે છે, અને દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય પારિણામિકભાવે છે. જ્યારે ભગવાન કેવળીને ઉદયભાવ, ક્ષાયિકભાવ, ને પારિણામિકભાવ-એ ત્રણ ભાવો હોય છે. તેમને અરિહંતપદ છે ને? એટલે હજુ યોગનું કંપન છે કે જે ઉદયભાવે છે, ને કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે છે, અને દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાય પારિણામિકભાવે છે. અહા ! આવી વાત છે.
ઓહો! એ કેવડો મોટો છે! ને એની માન્યતામાં પણ કેટલી મોટપ છે! પણ અરે! અજ્ઞાનીને એની કિંમત નથી! વ્રત પાળો, ને દયા પાળો એટલે ધર્મ થઈ જશે-એમ અજ્ઞાની કહે છે. પણ બાપુ! સમ્યગ્દર્શન વિના એ બધાં તારા વ્રત ને તપ બાળવ્રત ને બાળપ છે. અહા! સંપ્રદાયમાં તો સમ્યગ્દર્શનની વાત ને ગંધેય નથી. આપણે જૈનમાં જન્મ્યા છીએ ને ભગવાનને માનીએ છીએ એટલે સમ્યગ્દષ્ટિ તો છીએ જ અને તેથી હવે ચારિત્ર-માનેલાં વ્રત, તપ-પાળો. લ્યો, સંપ્રદાયમાં તો એવી વાત ચાલે છે. પણ બાપુ! એમાંથી શું તને સત્ય મળશે? બહારના ત્યાગનો અને રાગની મંદતાનો કોઈ શુભભાવ હોય તોપણ એમાંથી શું તને સત્યની પ્રાપ્તિ થશે? તેમાંથી તો ચાર ગતિ જ મળશે. કદાચિત્ કોઈ શુભભાવ હોય તો સ્વર્ગ ગતિ મળે, પણ તેથી શું? એ પણ કષાયની અગ્નિ છે. જેમાથી શાંતિવીતરાગી શાંતિ હોં-ન આવે એનાથી શું લાભ? અરે ભાઈ ! કષાયની મંદતામાં શાન્તિ જેવું દેખાય છે, પણ એ કાંઈ શાન્તિ નથી, એય કષાયરૂપ અગ્નિ જ છે.
અજ્ઞાની કહે છે-આપણને શુભભાવમાં આટલી (થોડીય) શાંતિ તો મળી ? અત્યારે એ બસ છે, કેમકે વીતરાગી શાંતિ અત્યારે મુશ્કેલ છે.
તેને કહીએ કે ભાઈ ! વીતરાગી શાન્તિ જ શાન્તિ છે. તીવ્ર કષાયમાંથી શુભભાવરૂપ મંદ કષાયમાં આવતાં તને શાન્તિ જેવું લાગે, પણ એ શાન્તિ જ નથી. એવું તો અનંતકાળમાં અનંતવાર થયું. પણ એથી શું? એ કાંઈ ઉપાય નથી. અહા! અંદર શુદ્ધ ચિત્માત્ર સ્વરૂપ ભગવાન આત્મા છે તેનાં દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયનો આશ્રય કરીને તેમાં જ લીન થતાં તેનાં શ્રદ્ધા-જ્ઞાન ને શાન્તિ પ્રગટે છે, ને તે સાચી શાન્તિ છે. એની પૂર્ણ દશા થતાં પૂર્ણ વીતરાગી શાન્તિ પ્રગટે છે. આવો મારગ છે બાપુ! –આમ આ કાર્યશુદ્ધપર્યાયની વાત થઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com