________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
| નિયમસાર પ્રવચન સમાધાનઃ ભાઈ ! નિજ દ્રવ્યમાં એકાગ્ર થાય એ જ તેનું ભજવું છે. બાકી તો બધા વિકલ્પ છે, પરભાવ છે, ને હેય છે. મારગ બહુ ઝીણો બાપુ! પણ મારગ તો આ જ છે હોં. અહા! બહારનું હો... અહીં એ જ કહ્યું છે ને કે-પરભાવ હોવા છતાં...' અર્થાત્ બહારનું ભલે પડયું હોય-રાગાદિ પણ ભલે હો, ને ગુણ-પર્યાય પણ ભલે હો, (ગુણ-પર્યાયની વાત પછીના કળશમાં લેશે) પણ જો તારે સુખી થવું હોય ને દુઃખ ટાળવું હોય તો...અહા ! દુઃખ ટાળવું શું? એ તો ટળી જાય છે. તો, જો તારે સુખી થવું હોય ને સુખ જોઈતું હોય તો એક જ્ઞાનમય શુદ્ધ આત્માનું ભજન કર, તેમાં અંતર-એકાગ્ર થઈ જા; કેમકે સુખનો માર્ગ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-અંતરની એકાગ્રતાથી જ પ્રગટ થાય છે.
અહીં તો પરમેશ્વર બેય વાત સિદ્ધ કરે છે. અહા ! પરવસ્તુ તો પરપણે રહી છે. તેની સાથે તારે કાંઈ કામ–પ્રયોજન નથી. પણ તારામાં થતા પુણ્ય-પાપના વિભાવભાવ છે તો હો, પરંતુ તેનાથી તને શું છે? તું તો અંદર ત્રિકાળ આનંદકંદ, અહાહા..! જેમાં અતીન્દ્રિય આનંદનો રસ ઠસોઠસ ભરપૂર ભર્યો છે એવો, ભગવાન આત્મા છો. તો, દષ્ટિને ત્યાં જોડ, ને ઉપયોગને ત્યાં લગાવ, ત્યાં જ એકાગ્ર-લીન થા. આનું નામ નિયમસાર નામ મોક્ષનો માર્ગ છે.
પ્રશ્ન: આવો સોનગઢનો મોક્ષમાર્ગ બહુ આકરો છે. એ મોંઘો કરી દીધો છે.
સમાધાનઃ ભાઈ ! આ સોનગઢનો મોક્ષમાર્ગ છે કે ભગવાનનો કહેલો છે? અનંતા તીર્થકરોએ કહેલો આ માર્ગ છે, ને આ જ માર્ગ છે. તે કોઈ દિ' સાંભળ્યો નથી તેથી શું? ભાઈ, પરોપકારમાં ને દયા-દાનમાં ધર્મ થશે એમ તે સાંભળ્યું છે, ને અજ્ઞાનીઓએ એમ સસ્તામાં ધર્મ બતાવી દીધો છે, પણ એમાં ધૂળેય ધર્મ નથી. તું એમ સસ્તામાં ધર્મ કરવા જઈશ તો ભવસાગરમાં ક્યાંય ડૂબી જઈશ, હણાઈ જઈશ; કેમકે એ બધા રાગ તો મોટું છિદ્ર–કાણું-આસ્રવ છે, અને તેનાથી બંધન જ થાય છે. અહા ! અનંતકાળમાં બધા અજ્ઞાનીઓને આવું થયું છે હોં. તેઓ સોળે (કલ્પેલા સસ્તા) માર્ગે ચડી ગયા છે, પણ તેથી તો બાપુ ! બધી જિંદગી વેડફાઈ જશે. અહા ! આત્મા શું ચીજ છે, તેને કેમ પમાય ને પામવાનો મારગ-તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતાં શું છે-તેના નિશ્ચય વિના ધર્મ તો થશે નહિ, પણ જિંદગી વેડફાઈ જશે.
પ્રશ્ન: જિનમંદિરમાં દાન આપે તો ધર્મ થાય ને?
સમાધાન: પૈસા ક્યાં તારા છે? ને કદાચ તે કાળે રાગની મંદતા કરી હોય તો પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. પુષ્યભાવ હો, પણ ધર્મ તો એક શુદ્ધ આત્માના આશ્રયે જ થાય છે. અરે ! તારી જ્ઞાનપર્યાયની ક્ષયોપશમ દશા જે તારા કારણે વર્તમાન પ્રગટ છે તેના આશ્રયે પણ ધર્મ ન થાય, તો પછી દાનના વિકલ્પથી ધર્મ ક્યાંથી થાય? એ તો બંધભાવ છે, એનાથી બંધન થાય, ધર્મ ન થાય. ગજબ વાત છે ને! અરે ! અનાદિથી ભ્રમણામાં ને ભ્રમણામાં અજ્ઞાની હણાઈ રહ્યો છે!
અહીં કહે છે-અંદર પોતાની વસ્તુ-ચીજ એક શુદ્ધ ચૈતન્યનું બિંબ છે તેના ઉપર જેણે તીક્ષ્ણ બુદ્ધિ મૂકી છે ને જેણે તેની દૃષ્ટિ કરી છે, અને જે તે એકને જ ભજે છે તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com