________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૨૧૭ પ્રશ્નઃ પણ હવે આમાં કેટલું સમજવું ને કેટલું યાદ રાખવું ?
સમાધાન: અરે ભાઈ ! સંસારમાં તો હજારો વાત સમજીને યાદ રાખે છે. દુકાનમાં કેટલી વાતનું ધ્યાન રાખે છે? ત્યાં તો બધી વાત મગજમાં તરવરે છે. નજર કરે ને બધી ખબર પડી જાય છે; કેમકે સંસારની રુચિ છે ને? પાપની વૃત્તિ છે ને?
અહીં કહે છે-ભગવાન આત્મા મોટું (અનંતુ ) ગોદામ છે. અહા! અનંત-દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ ને અનંત શાન્તિનું એ મોટું ગોદામ છે. એ ગોદામમાંથી ધર્મીએ માલ બહાર કાઢયો છે. અહા ! આ ન્યાલ થવાનો મારગ પ્રભુ ! હોં. બાકી બધા તો હેરાન-પરેશાન થવાના રસ્તા છે.
પણ એ પૈસે-ટકે સુખી છે ને?
ધૂળેય સુખી નથી સાંભળને? એ ધૂળમાં (પૈસામાં) શું છે? એમાં સુખ ક્યાં છે? અરે! બુદ્ધિના બારદાન હોય ને? એય મહિને દસ-વીસ લાખ પેદા કરી લે છે, જ્યારે બુદ્ધિમાં બળિયા ગણાતા હોય એને મહિને હજાર કમાતો પરસેવો ઉતરી જાય છે. એમાં શું? એ ક્યાં તારી ચીજ છે? એ તો પૂર્વનાં પુણ્ય બળે ત્યારે પૈસા થાય છે (દેખાય છે). પણ એને ભાન ક્યાં છે? અહા ! પૂર્વે શાતાના રજકણો જે બાંધેલા પડ્યા હોય તે જ્યારે ખરે છે ને બળે છે ત્યારે ઓલી (પૈસા આદિ) ચીજો દેખાય છે. એ તો દેખાવમાત્ર બાપા! એમાં તને શું આવ્યું? કાંઈ જ નહિ. એ તો અજ્ઞાની, મેં હોંશિયારીથી કામ કર્યું એમ (મિથ્યા) માને છે. મૂઢ છે મોટો !
અહા ! અહીં તો અંદરની ચૈતન્યલક્ષ્મીની વાત છે. અહા! ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે-ભગવાન! તારા ગોદામમાં તો અનંત જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણલક્ષ્મી ભરી છે. તેમાં જેટલી એકાગ્રતા-લીનતા થાય તેટલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહા! અંતર-એકાગ્રતા એ માલ બહાર કાઢવાની રીત છે અને તને ખબર પણ પડશે હોં કે મેં આટલો માલ કાઢયો. લ્યો, મોક્ષ પર્યટનો માલ કાઢવાની આ રીત ને આ માર્ગ છે. એ જ કહે છે
એવું (શુદ્ધ રત્નત્રયરૂપે પરિણમેલું) જે એક જ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વ છે તે મોક્ષેચ્છુઓને પ્રસિદ્ધ માર્ગ છે....' ધર્મના જિજ્ઞાસુઓને આ અંતરનો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય એવો માર્ગ જ પ્રસિદ્ધ માર્ગ છે. અહા! ત્રિકાળી દ્રવ્યના આશ્રયે તેની અંતર–લીનતાથી પ્રગટ થયેલ શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ જ વીતરાગના શાસનમાં પ્રસિદ્ધ માર્ગ છે.
આ માર્ગ વિના મોક્ષ નથી.”
અહા! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવના માર્ગમાં અંતરના દ્રવ્યસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા ને મોક્ષ પ્રગટ થાય છે. મોક્ષેચ્છુઓને આ એક જ માર્ગ પ્રસિદ્ધ છે, બાકી બીજો મોક્ષનો માર્ગ ભગવાનના માર્ગમાં શાસનમાં નથી. આવી આ સ્પષ્ટ વાત છે. છતાં અજ્ઞાનીઓ કોઈ બીજો માર્ગ કલ્યું તો તે તેના (અજ્ઞાનીના) ઘરનો છે, તેથી કાંઈ મોક્ષ થાય નહિ. અહા ! કળશ બહુ સારો આવ્યો હોં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com