________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
[ નિયમસાર પ્રવચન કોણ થતું? કોણ પરિણમતું?
આત્મતત્ત્વ અર્થાત્ ભગવાન આત્મા આ રીતે પરિણમે છે. જુઓ, અંદર એ જ કહે છે કે એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્વ...' અહાહા...! અંદર જે એક ચૈતન્ય.ચૈતન્ય..ચૈતન્ય એવું ચૈતન્યસામાન્યસ્વરૂપ, જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનસ્વરૂપ નિજ આત્મતત્ત્વ છે તે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપે પરિણમે છે. થાય છે એમ કહે છે.
શું કહ્યું આ? સમજાણું કે નહિ? બાપુ! ચોપડામાં નામાં બારીકાઈથી જુઓ છો તો, અંદર શાસ્ત્રના શબ્દો તો જુઓ! અહા ! એને ધૂળના (-પૈસાનાં) ચક્રવર્તી લાજ કાઢવાં હોય તો નવરાશ મળે છે, પણ આ શાસ્ત્રો જોવાની-સમજવાની નવરાશ નથી !
અહીં કહે છે–ભગવાન આત્મા આનંદનું ધામ પ્રભુ પૂર્ણ શુદ્ધ છે. તેનો અંતર નિર્વિકલ્પ અનુભવ કરવો, ને તેની શ્રદ્ધા કરવી તે સમકિત છે. તેનું આનંદના વેદનવાળું સમ્યજ્ઞાન તે જ્ઞાન છે, અને સ્વરૂપમાં ઉગ્ર રમણતા-લીનતા કરવી તેનું નામ ચારિત્ર છે. અહાહા..! જેમાં પ્રચુર આનંદનું સંવેદન થાય તે ચારિત્ર છે.-આ દશાઓ વિશેષરૂપ છે, એટલે કે પર્યાયરૂપ છે. તો, તે વિશેષ રૂપ કોણ થાય છે તે અહીં કહે છે. તો, કહે છે–એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ છે તે પર્યાયરૂપ થાય છે. અહા! એ દશાઓ કાંઈ નિમિત્તને લઈને થતી નથી, પણ ચિત્સામાન્યરૂપ આત્મા પોતે તે ત્રણ દશારૂપે થાય છે એમ કહે છે. અહા ! જુઓ તો ખરા ! શું શૈલી છે!
અહા! અહીં ઉપયોગનું વર્ણન છે ને? અને રત્નત્રયમાં દર્શન ને જ્ઞાન પહેલાં છે. તેથી કહે છે જ્ઞાન-દર્શનનો ઉપયોગ કે જે ત્રિકાળ ચિત્સામાન્યસ્વરૂપ છે, અર્થાત્ સામાન્ય ચૈતન્યતત્ત્વસ્થિત જ્ઞાનદર્શનનો જે ત્રિકાળ ધ્રુવ ઉપયોગ છે તે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપણે થાય છે એટલે કે પરિણમે છે. બીજી રીતે કહીએ તો સામાન્ય, પર્યાયમાં વિશેષપણે થાય છે. આવી ઝીણી વાત!
પ્રશ્ન: શું સામાન્ય વિશેષરૂપ થાય છે?
સમાધાનઃ હા, સામાન્ય વિશેષરૂપ પરિણમે છે એમ અહીં કહે છે; કેમકે પર્યાય અપેક્ષાએ તે સામાન્ય વિશેષરૂપે પરિણમ્યું છે. જુઓને, અહીં શું કહ્યું છે? કે દશિ-શક્તિ-વૃત્તિસ્વરૂપ થતું એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ છે તે..અહા ! સામાન્ય તો સામાન્ય જ છે; પણ તે (પર્યાયની અપેક્ષાએ) પરિણમે છે ને? જુઓ, એ જ શબ્દો આમાં (કળશમાં) છે. અહા! એમાં ખૂબી એ છે કે ત્રિકાળી સામાન્યસ્વભાવ છે તે પર્યાયપણે પરિણમે છે એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે દર્શન–જ્ઞાન ને આનંદમય એવા વિશેષરૂપે તે (સામાન્ય) થયું છે, કોઈ અન્ય વસ્તુ નહિ. આવી બધી ભાષા ગૂઢ રહસ્યમય છે! સમજાણું કાંઈ...?
અહા! કહે છે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ એવું જે મોક્ષમાર્ગનું પરિણામ છે, પર્યાય છે, તે વિશેષપણે (પર્યાય અપેક્ષાએ) પોતે સામાન્ય પરિણમે છે. એટલે કે જે ત્રિકાળી જ્ઞાન-દર્શનના સ્વભાવવાળું ચિત્સામાન્યસ્વરૂપ આત્મતત્ત્વ છે, અહાહા ! જાણવા દેખવાના ધ્રુવ સ્વભાવવાળું જે આત્મતત્ત્વ છે, તે પોતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વિશેષપણે પરિણમે છે; પણ રાગની ક્રિયાથી તે નિર્મળ રત્નત્રયરૂપે-મોક્ષમાર્ગરૂપે પરિણમે છે એમ નથી. તેમ જ શરીરના નિમિત્તથી કે ઈન્દ્રિયોની સહાયથી તે મોક્ષમાર્ગપણે પરિણમે છે એમ નથી. અહીં આ બતાવવું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com