________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
[ નિયમસાર પ્રવચન એણે વિતાવ્યો છે. પશુયોનિનું તો પૂછવું જ શું? અનંત-અનંતકાળ એનો પશુયોનિમાં વીત્યો છે. અહા ! એના દુ:ખને કોણ કહે? નિજ જ્ઞાનાનંદસ્વભાવના ભાન વિના પુણ્ય-પાપના ભાવ કરી-કરીને તે અનંતા દુઃખના દરિયામાં ડૂબેલો રહ્યો છે. તેને અહીં સુખનો માર્ગ કેમ પ્રાપ્ત થાય તે બતાવે છે.
અહા ! પરનું તો એ કાંઈ કરી શકતો જ નથી; કેમકે પર પદાર્થ પણ સ્વતઃ સ્વતંત્ર સત્ છે. તેમાંસ્વતંત્ર સમાં-બીજાનો કોઈ અધિકાર જ નથી.
એ શું કીધું?
જરા ચોખ્ખું કરીએ. કે આ શરીરની, મન-વાણી-ઈન્દ્રિયની, દેશની, કુટુંબની ને બહારમાં રળવાકમાવાની આ બધી ક્રિયાઓ જે થાય છે તેને આત્મા કરી શકતો નથી, પરંતુ હું આમ કરું છું ને તેમ કરું છું-એવા પાપના ભાવ એ કરે છે. અહા ! જીવ અજ્ઞાનવશ પોતાની મર્યાદામાં મિથ્યા ભ્રાન્તિ ને પુણ્યપાપના ભાવ કરે છે, પણ પોતાની સત્તાની મર્યાદાની બહાર પર વસ્તુનું એ કાંઈ કરી શક્તો નથી. અહા ! જીવ પૈસા-ધૂળ કમાઈ શકે, કે તેને રાખી શકે, તેને વાપરી શકે ઇત્યાદિ એ કાર્ય ત્રણ કાળ ત્રણ લોકમાં કાંઈ કરી શકતો નથી. પણ એની એને ખબર નથી. તેથી ભ્રાન્તિવશ મૂઢ થઈને પુણ્યા-પાપ ઉપજાવીને અનંતકાળથી એ દુ:ખના દરિયામાં ગરકાવ થઈ ગયો છે.
પ્રશ્ન: પણ આ બધા પૈસાવાળા તો સુખી છે? લોકો તેમને સુખી કહે છે?
ઉત્તરઃ પૈસાવાળા ધૂળેય સુખી નથી સાંભળને ? અને એ તો બધા (પૈસાવાળાને સુખી કહેનારા) ગાંડા-પાગલ છે. ભાઈ, તું પૈસાવાળા..પૈસાવાળા કરે છે પણ એ પૈસાવાળા નથી, મમતાવાળા છે. કેમકે પૈસા ક્યાં એની પાસે આવે છે? એ તો પૈસા મારા છે એવો મમતાનો ભાવ એની પાસે આવે છે. અને તે દુઃખનો ભાવ છે, ને ભવિષ્યમાં પણ તેનું ફળ દુઃખ છે, અર્થાત્ તે દુઃખને પામશે.
ભાઈ, સુખનો પ્રવાહ જ્યાંથી આવે છે તે ત્રિકાળી દ્રવ્ય પોતે છે એને ભૂલીને, અનાદિકાળથી પરપદાર્થને હું રાખી શકું છું, ને તેની વ્યવસ્થા કરી શકું છું ને પૈસા રળી શકું છું એવું એ માને છે, પણ એ બધી નરી મૂઢતા છે, પાગલપણું છે, મિથ્યાત્વનું મહાપાપ છે; કારણ કે પૈસા ક્યાં એના છે? તે ક્યાં એનામાં આવ્યા છે? એ તો જડમાં છે, ને જડ થઈને જડમાં રહ્યા છે. તેવી રીતે શરીર પણ જડ-અજીવ થઈને રહ્યું છે. શું આ શરીર આત્માનું થઈ રહ્યું છે? શું તે આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે? ના; તેવી જ રીતે સ્ત્રી-કુટુંબ, દેશ ઇત્યાદિ સર્વ પરવસ્તુ પરની સત્તામાં રહેલી છે. તેમ છતાં, એ બધાં મારી સત્તામાં મારી સંભાળથી રહે છે એમ માનવું તે એની મૂઢતા છે. અહા ! એ મૂઢતાના ભાવમાં નરકનિગોદના અને અનંતા ભવ થયા છે.
અરે! પોતે કોણ છે, ને પોતાનામાં શું શું ભર્યું છે એની એને ખબર નથી ! ખબર વિના જ બિચારો ભિખારો થઈને રાગ-દ્વેષની કલ્પનાઓ વડે અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. ભાઈ, આ બધી પર ચીજ તો જગતની ચીજ છે, તે કાંઈ સ્વયં દુઃખરૂપ નથી; તેમજ વસ્તુ-આત્મા છે તેમાં પણ દુ:ખ નથી. પરંતુ બધી ઊભી કરેલી સંકલ્પ-વિકલ્પની જાળ મહાદુઃખરૂપ છે, અને તે વડે જ સંસારી જીવો દુઃખના સમુદ્રમાં ડૂબેલા છે. અરે ! એ બેખબરો થઈને સંસારમાં રઝળે છે.
પ્રશ્નઃ બેખબરો એટલે શું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com