________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર
| નિયમસાર પ્રવચન વર્તમાન કેવળજ્ઞાન પણ અપેક્ષાએ અવિનાશી, અમૂર્ત, અવ્યાબાધ ને અતીન્દ્રિય છે. (કેવળજ્ઞાન પ્રગટયા પછી કેવળજ્ઞાન.કેવળજ્ઞાન....કેવળજ્ઞાન એમ અનંતકાળ કેવળજ્ઞાન જ રહે છે.) હવે કહે છે
તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે (અર્થાત્ સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે; કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન ).'
અહાહા...! શું કીધું? કે આ સ્વાભાવિક જ્ઞાન પણ બે પ્રકારનું છે. એક કાર્યસ્વભાવજ્ઞાન અર્થાત્ કાર્યરૂપ-પર્યાયરૂપ જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, અને બીજું કારણસ્વભાવજ્ઞાન જે ત્રિકાળી ગુણરૂપ સ્વભાવજ્ઞાન છે તે.
પ્રશ્ન:- આમાં કેટલા ભેદો સમજવા? આ તો યાદ રાખવુંય કઠણ છે. ઉત્તર- (હવે વેપારની હજાર વાતો યાદ રાખે છે તો) આમાં શું યાદ રાખવાનું છે? આ તો સહેલું
લ્યો, આટલી વાત આવી: ૧. આત્મા ત્રિકાળી વસ્તુ છે. ૨. જ્ઞાન-દર્શન તેના ત્રિકાળી ગુણ છે ૩. તેને અનુસરીને થતો-વર્તતો પરિણામ તે ઉપયોગ છે. તે ઉપયોગના બાર પ્રકાર છે. ૪. આ ઉપયોગના પહેલાં બે સાધારણ ભેદ કહ્યાઃ ૧. જ્ઞાન ૨. દર્શન. ૫. પછી જ્ઞાનોપયોગના બે ભેદ કહ્યા: ૧. સ્વભાવજ્ઞાન, ૨. વિભાવજ્ઞાન.
૬. અને પછી સ્વભાવજ્ઞાનના બે ભેદ કીધા: ૧. કાર્યસ્વભાવજ્ઞાન ને ૨. કારણસ્વભાવજ્ઞાન. હવે કહે છે-“કાર્ય તો સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન છે.”
અહાહા..! આત્મામાં એક સેકન્ડના અસંખ્યમા ભાગમાં કાર્યપણે જે કેવળજ્ઞાન થાય છે તે સર્વતઃ નિર્મળ છે, અને તે યુગપત્ ત્રણ કાળ-ત્રણ લોકને સાક્ષાત્-પ્રત્યક્ષ જાણે છે. અહા ! આવા જે કેવળજ્ઞાનરૂપી પરિણામ છે તે અંતરંગ ગુણને અનુસરીને થતા પરિણામ છે, અને તેને કાર્યસ્વભાવજ્ઞાન કહે છે. કેમ? કેમકે તે કાર્ય-પર્યાય છે ને? તેથી તેને કાર્યસ્વભાવજ્ઞાન કહેવામાં આવે છે. આ તો ધીમે, ધીમે હળવે-હળવે લઈએ છીએ. પણ બહારનાં થોથાં ( ક્રિયાકાંડ) માં એ પડ્યો છે, ને અંતરની ચીજના અભ્યાસમાં કોઈ દિ' આવ્યો જ નથી ત્યાં શું થાય ?
અહા! આત્મા અસ્તિ તરીકે, સત્તા તરીકે ત્રિકાળ વસ્તુ છે, ને તેના જ્ઞાન-દર્શન ગુણ શક્તિરૂપે ત્રિકાળ-કાયમી છે; અને તેને અનુસરીને થતો વર્તમાન-વર્તમાન વર્તતો પ્રગટ પરિણામ તે ઉપયોગ છે. અહા! આ ઉપયોગ બે પ્રકારે છેઃ જ્ઞાન ને દર્શન, અર્થાત્ જાણવું ને દેખવું-એમ બે પ્રકારે ઉપયોગ છે. તેમાં જાણવું એવું જે જ્ઞાન છે તેના બે પ્રકાર છે. એક સ્વાભાવિક જ્ઞાન ને બીજું વિભાવિક જ્ઞાન. તે સ્વાભાવિક જ્ઞાનના પણ બે પ્રકાર છે: ૧. કાર્યસ્વભાવજ્ઞાન ને ૨. કારણસ્વભાવજ્ઞાન. હવે આ નિયમસાર તો ઘરે પડયું હશે, પણ નવરાશ લે ત્યારે ને?
અહાહા...! ભગવાન આત્માનો જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવ શક્તિરૂપ છે તેને કારણપણે હવામાં આવતાં વર્તમાન એક સમયમાં જે કેવળજ્ઞાનરૂપ પરિણામ પ્રગટ થાય તે કાર્યસ્વભાવજ્ઞાન છે. અહા ! કેવળજ્ઞાનના પરિણામ નામ પર્યાય છે તે ગુણનું કાર્ય છે અને તેથી તેને કાર્યસ્વભાવજ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com