________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯]
૧૩૯ તો, કહે છે-“સ્વભાવગતિક્રિયારૂપે....' અહા ! તેની વ્યાખ્યા જુઓ, નીચે ફૂટનોટમાં છે:
ચૌદમાં ગુણસ્થાનના અંતે જીવ ઊર્ધ્વગમનસ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે.' અહાહા...! આત્માનું ભાન થઈને કેવળજ્ઞાન થયા પછી અયોગી દશા-અવસ્થા પ્રગટે તે ચૌદમું ગુણસ્થાન છે; અને તેને અંતે જીવ દેહથી છૂટો પડી સિદ્ધદશા પ્રાપ્ત કરે છે ત્યારે અહીંથી પોતાના કારણે તે આમ ઊર્ધ્વ લોકાંતે જાય છે. તો ઊર્ધ્વગમનસ્વભાવથી જીવ આમ લોકાંતે જાય તે જીવની સ્વભાવગતિક્રિયા છે. અહા ! આત્મા જ્યારે પૂર્ણ અયોગી દશા પ્રાપ્ત કરે છે ત્યારે શુદ્ધતાની છેલ્લી-પૂર્ણ દશા થતાં દેહ છૂટી જાય છે, અને આત્મા, જેમ ધુમાડો હવામાં ઊંચે જાય તેમ, ઊર્ધ્વગમન કરે છે તે જીવની સ્વભાવગતિક્રિયા છે.
અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાગતિક્રિયા છે. કર્મ તો નિમિત્તમાત્ર જ છે હોં, બાકી જીવ પોતે પોતાની યોગ્યતાથી જ ગમન કરે છે. આ શરીર આમ ચાલે તો આત્મા પણ-આત્માના પ્રદેશો પણ-એમ ચાલે છે, ગતિ કરે છે ને તે વિભાવગતિક્રિયા છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તે જીવની પોતાની વિભાવગતિક્રિયા છે, ને તેમાં ધર્માસ્તિકાયનું નિમિત્તપણું છે. સિદ્ધદશા થાય ત્યારે સ્વભાવગતિક્રિયા છે, ને જીવ સંસારમાં ગતિ-ગમન કરે તે વિભાવગતિક્રિયા છે. ભાઈ, આ તો સર્વજ્ઞ પરમાત્માએ જાણ્યું ને કહ્યું છે, અને તે અનુભવમાં આવવાલાયક છે. બહુ ઝીણી વાત પ્રભુ!
વળી, “એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુદ્ગલની સ્વભાવગતિક્રિયા છે અને પુદ્ગલસ્કંધ ગમન કરે તે પુદ્ગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વિભાવગતિક્રિયા છે.'
જુઓ, આ આંગળી છે ને? એ કાંઈ વસ્તુ નથી, પણ એ તો ઘણા પરમાણુઓનું દળ છે. તેના કટકા-વિભાગ કરો તો થઈ શકે છે. તો, તેના વિભાગ થતાં થતાં છેલ્લો-નાનામાં નાનો-અવિભાગી પોઈન્ટ (અંશ) એટલે કે એક રજકણમાત્ર રહે તે પરમાણુ છે. પરમાણુ = પરમ + અણુ; છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ-સૂક્ષ્મ ભાગ તે પરમાણુ છે. આવો એક છૂટો પરમાણુ ગતિ કરે તે પુદગલની સ્વભાવગતિક્રિયા છે. તેમાં વિભાવગતિક્રિયા નથી; કેમકે બીજા પરમાણુનો ત્યારે સંબંધ નથી તેથી તેને સ્વભાવગતિક્રિયા કહે છે. એટલે કે છૂટો રજકણ-પરમાણુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે તેની મેળાએ જાય એવો એનો સ્વભાવ છે, અર્થાત્ સ્વભાવગતિક્રિયારૂપે પરિણમન એ એનો (છૂટા પરમાણુનો) સ્વભાવ છે. જુઓ, ઉપર ટીકામાં પણ કહ્યું છે ને કે-“સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદગલોને...” એટલે કે
જીવ-પુદ્ગલોને જે સ્વભાવગતિનું કે વિભાવગતિનું પરિણમન છે તે પોતાનું છે, અને તેમાં ધર્મદ્રવ્ય નિમિત્ત છે.
લ્યો, આ શરીર ને ધ્વનિતરંગો વગેરે છે તે ઘણા રજકણોનું દળ છે, એટલે તે વિભાવિક વસ્તુ છે. માટે, તે આમ જે ગતિ કરે છે તે વિભાવગતિક્રિયા છે.
પ્રશ્ન: આખું દળ (સ્કંધ) ગતિ કરે છે ત્યારે તેમાંના એક-એક પરમાણુની કઈ ગતિક્રિયા છે?
ઉત્તર: એક-એક પરમાણુની ત્યારે વિભાવગતિક્રિયા છે; કેમકે તે દરેક પરમાણુ ત્યારે સ્કંધમાં રહેલા બીજા પરમાણુના સંબંધમાં રહેલો છે. ગતિ કરતી વખતે તેને બીજા પરમાણુનો સંબંધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com