________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
| નિયમસાર પ્રવચન તેં તારા ત્રિકાળી કારણજીવનો અનાદર કર્યો છે, અને એનો અનાદર કર્યો એ જ હિંસા છે. અહીં તો આ વાત છે બાપા!
પ્રશ્ન: પણ આમાં તો હિંસા પણ જગતથી જુદી જાતની છે?
ઉત્તર: ભાઈ, વસ્તુ (કારણશુદ્ધ જીવ) છે એનો નકાર કર્યો એનું નામ જ હિંસા છે, બીજું શું? અહા ! જગતને (-જગતના જીવોને) પોતે કોણ છે? કેવડો છે?-ઇત્યાદિ કાંઈ ખબર નથી. અહા ! વસ્તુ કારણપણે તો વિદ્યમાન છે, પણ હું આવો છું એમ એને ભાન નથી એટલે ક્યાંક બીજે જ એણે પોતાનું અસ્તિત્વ માન્યું છે. ને તેથી જ, હું વાણિયો છું, ક્ષત્રિય છું, ગરીબ છું, પૈસાદાર છું, દેવ છું, મનુષ્ય છું ને નારકી છું, મૂર્ખ છું ને પંડિત છું-એમ અનેક પ્રકારે તે પોતાને માને છે. પણ બાપુ! આવું માનનારા બધાય (જગત આખું) પોતાના આત્માના હણનારા છે. ખરેખર તો, હું મુનિ છું, શ્રાવક છું ને સમકિતી છું એમ જે પોતાને પર્યાય જેટલો જ માને છે તેય પોતાને હણે છે, કેમકે તેણે નિજ કારણશુદ્ધ જીવને માન્યો જ નથી. અહા ! તું ક્યાં મુનિ છો ? કેમકે મુનિની અવસ્થા તો એક સમયની છે, ને તું તો ભગવાન! ત્રિકાળી કારણશુદ્ધ જીવ-કારણભગવાન છો.
પ્રશ્નઃ હું દીકરા-દીકરીનો પિતા તો છું ને?
ઉત્તર: અહા! કોના દીકરા ને કોની દીકરી? એ તો કોઈકની ચીજ-કોઈક બીજું જ દ્રવ્ય છે. અરે! પણ અભિમાને જગતને મારી નાખ્યા છે!
પ્રશ્ન: દીકરાને પૈસા મળે તો પિતા ખુશી તો થાય છે?
ઉત્તરઃ પણ કોઈ દીકરો જ નથી ને? પછી તેને પૈસા મળે ને પિતા ખુશી થાય એ ક્યાંથી લાવ્યો?
અહીં કહે છે-કારણશુદ્ધ જીવ સહજશક્તિરૂપે ત્રિકાળ પૂર્ણ ભર્યો પડ્યો છે, ને તેમાંથી પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય છે. પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થયે તેને કાર્યશુદ્ધ જીવ વા કાર્યપરમાત્મા કહે છે. જીવનું કાર્ય પૂરું થયું ને ? તો તેને કાર્યશુદ્ધ જીવ કહે છે. આ જીવ (કારણજીવ ને કાર્યજીવ) સંબંધી મૂળ મુદ્દાની વાત છે.
હવે કહે છે-“આ (જીવ) ચેતન છે; આના (-જીવના) ચેતન ગુણો છે.' અહાહા...! ભગવાન આત્મા ચેતન છે, જાણનાર...જાણનાર...જાણનાર-એવો એ ચૈતન્યસૂર્ય છે. અહાહા..! ચૈતન્યની ઝળહળતી
જ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે અને તેના ગુણો પણ ચેતન જ હોય, અચેતન ન હોય. અહા ! જીવના બધા ગુણો ચૈતન્યના સંબંધથી ચેતન હોય છે.
વળી, કહે છે-“આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે.”
અહા! ભગવાન આત્મા અમૂર્ત છે, અરૂપી છે અમૂર્ત નામ સ્પર્શ, રસ, ગંધ, ને રંગ વિનાની એ અરૂપી ચીજ-વસ્તુ છે. એના અનાદિ ગુણો પણ અમૂર્ત ને અરૂપી છે. આમ સ્પર્શારિરહિત ચેતનની બધા પ્રકારે ઓળખાણ આપે છે. પણ એને ક્યાં પડી છે?
વળી કહે છે-“આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે.” જુઓ, શું કહે છે? કે આ અર્થાત્ જીવ શુદ્ધ છે. પહેલાં કારણશુદ્ધ જીવ કહ્યો હતો ને? તો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com