________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯]
૧૩૧ શક્તિપણે ભર્યાં પડ્યાં છે, તો તેને “કારણશુદ્ધ જીવ’ કહીએ; ને સમ્યક શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્ર દ્વારા તેમાં જ એકાગ્ર-લીન થઈ રહેતાં શક્તિ છે તે પ્રગટ થઈ કેવળજ્ઞાનાદિ સહિત તેની પૂર્ણ દશા પ્રગટ થાય છે; અહા! તો તેને “કાર્યશુદ્ધ જીવ’ કહીએ. અહા! આવી વાત ! પણ એને પોતાના ઘરની ખબર નથી, ને પારકી માંડે છે. બહારમાં હોંશિયારી કરે, પણ પોતે કોણ છે?—એની કાંઈ ખબર ન મળે! એ તો જેમ દીવા નીચે અંધારું”—એમ પોતે ચૈતન્યના પ્રકાશરૂપ હોવા છતાં મૂઢ અજ્ઞાની અંધારે છે, એને કાંઈ ખબર નથી.
જુઓ ભગવાનના આગમમાં નવ તત્ત્વ કહ્યાં છે. તેમાં આ જીવતત્ત્વનું વર્ણન છે. તો કહે છે–અંદર આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે પરથી તદ્દન ભિન્ન છે, ને અંદર નિજ શક્તિથી અભિન્ન છે. અહાહા...! પોતાની જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિ જે સહજ શક્તિ-ગુણો છે તેનાથી તે અભિન્ન છે. અહા ! એવા આત્મસ્વરૂપને અહીં “કારણશુદ્ધ જીવ' કહ્યો છે, એની એકાગ્રતા કરતાં તેને અંતર્દષ્ટિ વડે સ્વીકારીને તેમાં લીન થતાં-કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ ઇત્યાદિરૂપ જે કાર્યદશા પ્રગટ થાય છે તેને અહીં “કાર્યશુદ્ધ જીવ' કહ્યો છે.
અહાહા...! તે કોનાં કાર્ય કરવા જાય? શું પરનાં કાર્ય કરે? પરનાં કાર્ય તે (આત્મા) કરી શકતો જ નથી. શું તે રાગનાં કાર્ય કરે? રાગેય એનું કર્તવ્ય નથી. અહીં તો એમ કહે છે કે આત્મ પરનું ને રાગનું કાર્ય કરે છે એમ જે માને છે તે વાસ્તવમાં જીવ ને માનતો જ નથી.
તો જીવ શું (-કોણ) છે?
અહાહા...! અંદર ભગવાન આત્મા જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત અનંત ગુણ-શક્તિરૂપ છે તે કારણશુદ્ધ જીવ છે. તેનો નિજ જ્ઞાન-શ્રદ્ધાનમાં સ્વીકાર કરીને તેમાં જ જે એકાગ્ર-લીન-સ્થિર થાય છે તેને પર્યાયમાં કાર્યશુદ્ધતા પ્રગટ થાય છે. (નિજ સ્વભાવમાં એકાગ્રતા-લીનતા તે ચારિત્ર છે.) આમ કેવળજ્ઞાનાદિ સહિત પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે તેને અહીં કાર્યશુદ્ધ જીવ કહ્યો છે. સાતમી ગાથામાં તેને જ કાર્યપરમાત્મા કહ્યો હતો, ને અહીં તેને કાર્યશુદ્ધ જીવ કહ્યો છે. લ્યો આ જીવની વ્યાખ્યા છે. અહો ! આચાર્યદવ અલૌકિક વ્યાખ્યા કરી છે.
પ્રશ્નઃ જીવમાંય કારણજીવ ને કાર્યજીવ-આ શું?
ઉત્તર: ભાઈ, અંદર ત્રિકાળી શક્તિ કારણપણે વિદ્યમાન છે તેથી તે કારણશુદ્ધ જીવ છે. અહા ! આત્મા વસ્તુ-પદાર્થ છે કે નહિ? અસ્તિ છે કે નહિ? છે ને. તે અતિ-હોવાપણે છે તો તેની જ્ઞાન, આનંદ આદિ ગુણો-શક્તિઓ પણ હોવાપણે ત્રિકાળ છે. અહા ! આવી શક્તિરૂપ કારણપરમાત્મા અથવા કારણશુદ્ધ જીવ છે. અને આ નિયમસાર છે ને? તેથી મોક્ષનો માર્ગ જેણે પ્રગટ કરવો હોય તેણે આ કારણશુદ્ધ જીવમાં એકાગ્ર થવું એમ કહે છે. અહા ! પોતે જ કારણપરમાત્મા અર્થાત્ કારણશુદ્ધ જીવ (છે તેમાં એકાગ્ર-લીન થતાં જે પૂર્ણ દશા પ્રગટ-પ્રાપ્ત થાય છે તે કાર્યશુદ્ધ જીવ) છે. અહાહા...! કેવળજ્ઞાનાદિ સહિત છે તે કાર્યશુદ્ધ જીવ છે. અહો ! આ અલૌકિક વાત છે! આવી વાત બીજે ક્યાંય-શ્વેતાંબરમાંય નથી.
હવે કહે છે-“શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણશુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com