________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
[નિયમસાર પ્રવચન અમૃત કહ્યાં છે. શ્રીમદે પણ કહ્યું છે ને કે
“વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.' અહો ! પરમ શાંતરસથી ભરપૂર એવી વીતરાગની વાણી અમૃત છે. અહા! ભવરોગનું ઔષધ છે. પણ અરે! એ વાણી કાયરને-વીર્યહીન પુરુષોને-હીજડાઓને-રુચતી નથી, બેસતી નથી. અહા ! વીરની વાણી વીર્યને જગાડનારી છે. જાગ રે જાગ પ્રભુ ! તું તો આનંદનો નાથ છો, ચૈતન્ય મહાપ્રભુ છો; છતાં આનંદને તું ક્યાં ગોતવા ગયો? આ શું થયું છે તને ? અહા ! આવી ચેતનવંતી ભગવાનની વાણી ભવ્યજીવોએ કર્ણરૂપી અંજલિથી-ખોબાથી (ભરીભરીને) પીવાયોગ્ય અમૃત છે.
તો આપ એક કોર કહો છો-ભગવાનની વાણી સાંભળવામાં રાગ થાય છે ને તે દુઃખ છે તે કેવી રીતે?
હા, સોગાનીજીમાં (દ્રવ્યદષ્ટિ ભાગ ૩માં) એમ આવે છે. સોગાનીજી કલકત્તાના રહેવાસી હતા. મોટા લાખોપતિ ગૃહસ્થ હતા. છતાં અહીં (સોનગઢમાં) સં. ૨૦૦૨ની સાલમાં આત્મજ્ઞાન પામ્યા હતા. એમનું લખાણ (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ) બહુ ઝીણું છે. તેઓ કહે છે–વીતરાગની વાણી અને ગુરુની વાણી સાંભળતાં રાગ થાય છે, અને રાગ છે તે દુઃખ છે, દોષનું કારણ છે. જ્યારે અહીં કહે છે–વીતરાગની વાણી પીવાયોગ્ય અમૃત છે. બંને વાત બરાબર છે.
એ કેવી રીતે? કઈ અપેક્ષાએ?
જુઓ, વાણી તરફ લક્ષ છે ત્યાં સુખી વિકલ્પ-રાગ છે. તો એ અપેક્ષાએ વાણી સાંભળતા દુઃખ થાય છે એવી સોગાનીજીની વાત બરાબર છે. બાકી, વાણીમાં ઉપાદેય શું કહેવા માગે છે એ ધ્યાનમાં લઈ પોતાના લક્ષે સમજવાની દરકાર હોય તો એ સુખરૂપ છે. અર્થાત્ વાણી ને રાગને ગૌણ કરી પોતાના લક્ષે સાંભળે તો તેને એ અમૃત જેવું ફળ આપે છે એમ અહીં કહે છે. સમજાણું કાંઈ...? અહા ! અજ્ઞાનીને તો અપેક્ષા સમજ્યા વિના મુંઝવણ જ મુંઝવણ છે. ભાઈ, જ્યાં જે અપેક્ષાથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ.
અહાહા...! કહે છે પરમાગમ-ભગવાનની વાણી કર્ણરૂપી ખોબા વડે પીવાયોગ્ય અમૃત છે. પણ માળો એના વેપારના ચોપડા જોવા આડે નવરો થાય ત્યારે ને? જિનવાણી સાંભળવામાં એને નવરાશ નથી. મગજના ફાટેલા કહે છે-હુમણાં તો વ્યવસાયમાં એવા ગુંચાઈ–ગુંથાઈ ગયા છીએ કે મરવાનીય ફુરસદ નથી. ઠીક ભાઈ ! હવે મરી જઈશ ત્યારે આ બધુંય પડયું રહેશે. એમાં છે શું? એ ઝેરના પ્યાલા પ્રભુ! હવે ઝેર પીવે છે તો આ અમૃત પી ને?
જુઓ, ત્રણ જ્ઞાનના ધારી એકાવતારી ઇન્દ્રો પણ વાણી સાંભળવા ભગવાન પાસે આવે છે. સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર શક્રેન્દ્ર છે ને? તે ૩ર લાખ વિમાનનો સ્વામી છે, અને કેટલાક વિમાનમાં તો અસંખ્ય દેવ છે. અહા! તે ઇન્દ્ર અને ઇન્દ્રાણી શચી-કે જેઓ બંને એકાવતારી છે, એક મનુષ્યનો ભવ કરીને તે ભવે મોક્ષ જવાનાં છે-તેઓ પણ ભગવાનની વાણી સાંભળે છે. અહા ! સૌધર્મ દેવલોક છે હોં. એ લોજિકથી-ન્યાયથી સિદ્ધ થાય એવી વાત છે, કાંઈ એમ ને એમ માની લેવું એમ વાત નથી. પણ અહીં ચાલતા વિષયમાં તેની સિદ્ધિ કરવા જાય તો વિષય આગળ ચાલે નહિ. અહા ! તો એ સૌધર્મ સ્વર્ગનો ઇન્દ્ર કે જેને ત્રણ જ્ઞાન છે ને એકાવતારીપણું છે તે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com