________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ર૬૫ કદાચ કોઈ વખત માતાને માતા પણ કહે છતાં તે સાચો નથી. દિગમ્બર નામ ધરાવે પણ આ વાતને સમજે નહિ તો તે સાચા દિગમ્બર કહેવાતા નથી. કેમકે જે પ્રમાણે તે શાસ્ત્રને ભણે છે, તે પ્રમાણે અંતરંગમાં ભાવનું ભાસન થયું નથી. જેમ બીજાને બીજાથી જુદો બતાવે તેમ તે શરીરાદિથી આત્મા ભિન્ન છે. એમ કહે પણ તેનો અંતરમાં, ભિન્નપણાનો ભાવ ભાસતો નથી. તેથી તેને જીવ-અજીવનાં જાદાપણાની યથાર્થ શ્રદ્ધા નથી. ૯૫૭.
આત્માનું હિત મોક્ષ જ છે. સંસાર અવસ્થામાં દુઃખ છે, ત્યાં ઘણું કે થોડું દુઃખ જ છે. પણ સુખ બિલકુલ નથી. ચારે ગતિમાં દુઃખ છે. આકુળતા તે દુઃખ છે. સ્વર્ગની ઇચ્છાથી પુણ્ય કરે કે નરક-તિર્યંચના દુઃખથી ડરીને પાપ ન કરે તેમાં કલ્યાણ નથી. તેમાં આકુળતા છે. પણ શાન્તિ નથી. આકુળતા તે દુ:ખ છે ને નિરાકુળતા તે સુખ છે એમ નિર્ણય કર્યા વિના મોક્ષમાર્ગમાં આવી શકે નહીં. ૯૫૮.
પ્રશ્ન:- ઉપવાસાદિ કરવા કે ન કરવા?
ઉત્તર:- આહાર જે ક્ષણે મળવાનો નથી તેને તું મેળવ એમ કહેવામાં આવતું નથી. અને જે ક્ષણે રાગની મંદતા થવાની છે તે ન કરવી એમ પણ કહેવાતું નથી. વળી રાગ તીવ્ર હો કે મંદ હો પણ તે ધર્મ નથી. જે સમયે જે રાગ આવે તેની ના પાડી શકાય નહિ અને જે આહાર મળવાનો નથી. તેને મેળવવાનું કહી શકાય નહિ. હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવી છું, રાગની મંદતા કરનારો નથી. એવી રુચિ જ્ઞાન અને રમણતાનો પુરુષાર્થ કરે છે તેને વિકલ્પ અને નિમિત્ત હોય છે. પણ રાગ કે નિમિત્ત માટે પ્રયત્ન કરવો પડતો નથી. મોક્ષનો ઉપાય કરવો એ ઉપદેશનું તાત્પર્ય છે. નિમિત્ત મેળવવો કે રાગ કરવો વગેરે ઉપદેશમાં છે જ નહિ. ૯૫૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com