________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[ પરમાગમસાર ધર્મી જીવ સંસારના સ્વરૂપનો વિચાર કરે છે, સંસાર રહિત સ્વભાવની દષ્ટિ જેને પ્રગટી નથી તેને સંસારના સ્વરૂપનો યથાર્થ વિચાર હોતો નથી. ૭૪૮.
સ્વભાવનું ભાન અને ભાવના હોય તે જ જીવો સુખી છે, જેને સ્વભાવનું ભાન અને ભાવના ન હોય તે બહારના વિષયોની ભાવના કરે. ક્યાંક તો ભાવના કરશે જ. અજ્ઞાની જીવ પોતાના સ્વભાવની ભાવના છોડીને સંયોગની ભાવના કરે છે તે વિષયોની તૃષ્ણાથી દુઃખી જ છે. ૭૪૯.
ચૈતન્યસ્વભાવ સુખથી ભરેલો છે. તેનો વિશ્વાસ કરીને તેની જેટલી ભાવના કરે તેટલું સુખ પ્રગટે સંયોગમાં ગમે તેટલી ભાવના કરે તો તેમાંથી કદી સુખ આવવાનું નથી, પણ તે તૃષ્ણાથી દુઃખ જ છે. ૭૫૦.
અજ્ઞાન અને રાગ-દ્વેષથી આત્માને દુઃખ થાય છે, તેને ચૈતન્યસ્વભાવનું ભાન અને વીતરાગતા કરીને બચાવવો તેનું નામ આત્માની દયા છે. આત્મામાં રાગાદિભાવો થાય તે હિંસા છે, ને રાગાદિભાવો ઉત્પન્ન ન થાય તેનું નામ દયા છે. અહો ! શાંતિમૂર્તિ આત્મા છે એનું ભાન કરીને તેમાં ઠરવું તેનું નામ આત્માની દયા છે. ૭પ૧.
તપ વડે નિર્જરા થાય છે. પણ જે તપ જ્ઞાનસહિત હોય તે તપ વડે જ નિર્જરા થાય છે. જ્ઞાનસ્વભાવનું ભાન કરીને તેમાં ઉગ્રપણે સ્થિર થતાં આહારાદિની ઇચ્છા છૂટી ગઈ, તેનું નામ તપ છે ને તેનાથી નિર્જરા થાય છે. બહારમાં હઠ કરીને આહારાદિ છોડ ને અંદરમાં શાંતિનું ભાન ન હોય તે તો અજ્ઞાનતપ છે. અજ્ઞાનીને બાળતામાં તો મિથ્યાત્વાદિ પોષાય છે ને હિંસા થાય છે, તેવા તપથી તો કર્મ બંધાય છે. ૭૫૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com