________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“હું વર્તમાનમાં જ પરમાત્મા છું” – એ વાત મૂળ છે અને મારે પરમાત્મા થવું છે એ વાત બીજી છે. પરમાત્મા થવાની વાત વ્યવહારનયના વિષયમાં જાય છે જેને આત્માનું હિત કરવું છે તેણે નિશ્ચયનયના વિષય ઉપર જ જોર આપવાનું છે.
આત્મા વસ્તુપણે જોતાં પરમાત્મા હોવા છતાં તેની પર્યાયમાં રાગાદિ ભાવો થાય છે; તેનું પ્રગટ વેદન હોવાથી તે ભાવોમાં જીવને પોતાનું અસ્તિત્વ ભાસે છે. પરંતુ તેની પાછળ છૂપાયેલું પોતાનું પરમેશ્વરતત્ત્વ જીવને કદિ વેદનમાં આવ્યું નથી. શ્રીગુરુની કૃપાથી જીવને પોતાના પરમેશ્વરપણાની વાત સાંભળવા મળવા છતાં, ઉપલકપણે હી પાડવા છતાં, ઊંડાણથી પોતાના મહાન અસ્તિત્વનો જીવને વિશ્વાસ આવતો નથી. તેથી ૪૫-૪૫ વર્ષ સુધી કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીએ નિશ્ચયનયના વિષયભૂત મૂળ તત્ત્વનો અર્થાત્ આત્માના પરમાત્મપણાનો જ આપણને ઉપદેશ આપ્યો છે.
- પૂજ્ય ગુરુદેવશ્રી હંમેશા ફરમાવતા હતા કે જીવે અનાદિકાળના પરિભ્રમણમાં બધું જ કર્યું છે પરંતુ આ દૃષ્ટિનો વિષય જ ઊંડાણથી સમજવો રહી ગયો છે. તેઓ શ્રી ફરમાવતાં હતા કે જીવને વ્યવહારનો પક્ષ અનાદિકાળથી ચાલ્યો આવે છે. શાસ્ત્રમાં પણ વ્યવહારનયની વાતો ઠેર ઠેર ઘણી કરવામાં આવી છે. જ્ઞાનીઓના ઉપદેશમાં પણ વ્યવહારનયાશ્રિત કથનો ઘણા આવે છે; એક નિશ્ચયનો ઉપદેશ જ ખૂબ વિરલ છે. તેથી અનાદિનો વ્યવહારનો પક્ષ તોડવા તેના નિષેધક નિશ્ચયનયનો પક્ષ દઢ કરવો જોઇએ. વ્યવહારનયાશ્રિત વાતો જાણવી અનિવાર્ય હોવા છતાં પણ તેના ઉપર વજન જરાય આપવા જેવું નથી. નિશ્ચયનયના વિષયને પકડવા તેની ઊંડી ગડમથલ જગાવીને તેનું રહસ્ય સમજવામાં સર્વ પુરુષાર્થ લગાવવો જોઇએ – એમ પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતાં હતા.
વળી, ગુરુદેવશ્રી સાથોસાથ એમ પણ ફરમાવતાં હતા કે આ નિશ્ચયનયની - અધ્યાત્મની વાત કાચા પારા જેવી છે. પાત્ર થયા વિના ગ્રહણ કરવા જતાં જીવ નિશ્ચયને ગ્રહણ કરવાને બદલે નિશ્ચયાભાસી થઈ જાય છે. નિશ્ચયને ગ્રહણ કરવાની ભાવનાવાળા પાત્ર જિજ્ઞાસુને ભવનો અંતરથી ત્રાસ ત્રાસ થઈ ગયો હોય, કષાયો શાંત થઇ ગયા હોય, દેવ-શાસ્ત્ર-ગુરુની અંતરથી ભક્તિ જાગી હોય, આત્મા વિના ક્યાંય ચેન પડતું ન હોય તે જીવ નિશ્ચયનયનું યથાર્થ ગ્રહણ કરી લ્ય છે.
પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી પણ વારંવાર ફરમાવે છે કે મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોય, આત્માની તીવ્ર લગની લાગી હોય, સંસારથી ખૂબ થાકી ગયો હોય, દેવ-શાસ્ત્ર-ગુરુ જ તેને જગતમાં સર્વોત્કૃષ્ટ લાગતાં હોય, ગમે તે પ્રસંગમાં પણ તેના પરિણામો મર્યાદામાં હોય તેના પરિણામ મર્યાદા બહાર ન જાય એવા પાત્ર જિજ્ઞાસુઓ આત્માને પ્રાપ્ત કરી શકે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com