________________
કળશ-૧૮૫
૫૪૯
છે ? જેના ચિત્તનું ચરિત્ર – આત્માનો અભિપ્રાય. ચિત્તનો અર્થ મન લેવો. ચિત્ત એટલે જ્ઞાન. જેનો જ્ઞાનનો – આત્માનો અભિપ્રાય છે એ શરીર, ભોગ અને સંસારથી અંદરથી વિરક્ત થઈ, આનંદ સ્વરૂપમાં રક્ત થઈ, અનુભવ કરો. તને આનંદ આવશે, સંસારથી તારી મુક્તિ થશે, તને બંધનમાંથી છૂટી) અબંધભાવ પ્રગટ થશે. સમજાણું કાંઈ ? આહા..હા..! આ અભિપ્રાયનું જોર થયું, ભાઈ !
જેના જ્ઞાનમાં અભિપ્રાય ચિત્તનું ચરિત્ર (છે). અંદર જે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા (છે) તેનો અભિપ્રાય ચારિત્ર – રમણતા એવો છે કે, પૂર્ણ સ્વરૂપ મારી ચીજ છે તેનો અનુભવ કરવો એ એનો અભિપ્રાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આ કાલે ચાલ્યું હતું. આ તો થોડું ફરીથી લીધું. ઈની ઈ વાત કંઈ આવે નહિ. બીજી વાર વાંચીએ તો બીજું આવે, ત્રીજી વાર વાંચીએ તો ત્રીજું આવે. અંદર તો ભંડાર ભર્યા છે ! આહા..હા...!
- ભગવાન ! તું ચેતનનેત્ર છો ને ! આ નેત્ર તો જડ છે, ધૂળ છે. અંદર ચૈતન્ય પ્રકાશનું નેત્ર છે. ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર ભર્યું છે. તે જેના જ્ઞાનમાં, પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપનું સેવન કરવાનો અભિપ્રાય છે એ મોક્ષાર્થી છે, એ પોતાનો અનુભવ કરો. પરનો અનુભવ છોડો. આહા..હા....!
પ્રશ્ન :- મોક્ષાર્થીનો ધંધો શું ?
સમાધાન :- ધંધો-ફંધો પાપ છે. આ ડૉક્ટરનો ધંધો પાપ છે. આ સર્જન છે, સર્જન ! શેના સર્જન છે ? ઓપરેશન કરનાર છે. ઓપરેશનમાં પણ ભાવ તો એ છે ને કે, પૈસા મળશે. (એ) પાપ છે. કેટલાક ડોક્ટર તો એવા હોય, “રાજકોટમાં મોટી હોસ્પીટલ હોય. ને ? તો બે મહિના, ત્રણ મહિના ઓનરરી કરે. ઓનરરી - મફત. હેત તો એ છે કે, અહીંયાં બરાબર પ્રસિદ્ધિ થઈ જાય પછી આપણી દુકાન બરાબર ચાલે. ભાઈ ! એ બધું ચાલે છે ને ? બે, ત્રણ, ચાર મહિના ઓનરરી કરે. ડોક્ટર મફત જાય, પણ હેતુ શું ? ચાર, છ મહિના હોસ્પીટલમાં કામ કરે તો પ્રસિદ્ધ થઈ જાય. પ્રસિદ્ધ હોઈએ તો પછી આપણી દુકાન ચાલે. એ બધું પાપ છે. આહા..હા..!
અહીંયાં પાપની વાત તો એક કોર દૂર રહો, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ઈશ્વર સ્વરૂપ ભગવાનનું સ્મરણ કરવું) એ બધો રાગ છે. કેમકે ભગવાન તો જ્ઞાન અને આનંદ છે. એમાં વૃત્તિ ઉઠે છે, વિકલ્પ ઉઠે છે એ તો રાગ છે. એ ભગવાન આત્મા વસ્તુનું સ્વરૂપ જે છે, જેનો અભિપ્રાય ઉદાત્ત છે. એનું ચરિત્ર – અભિપ્રાય અંદરમાં રમવું એ અભિપ્રાય છે. આહા...હા...! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! સાધારણ માણસ તો દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો ને આ ગિરનારની જાત્રા કરો, એ બધો રાગ છે. એ કોઈ ધર્મ નથી. ધર્મ તો અંદરમાં પુણ્ય અને પાપના રાગથી ભિન્ન કરીને પોતાના સ્વરૂપનો અનુભવ – સેવન કરવું તેનું નામ પરમાત્મા ધર્મ કહે છે. આહા..હા...! માનો ન માનો, માર્ગ તો આ છે.