________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮]
કોણ કોની સમતા કરે, સેવે, પૂજે કોણ, કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈને કોણ? કોણ કોની મૈત્રી કરે, કોની સાથે કલેશ;
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ.૪૦. જ્ઞાનીને દરેક જગ્યાએ આત્મા જ દેખાય છે. આ શરીરાદિ તો જડ છે ને રાગાદિ તો વિકાર-દોષ છે, તે કાંઈ આત્મા નથી. આત્માના જાણનારને તો દરેક જગ્યાએ આત્મા જ ભાસે છે એમ આ ગાથામાં કહે છે.
ભગવાન આત્મા..આનંદ સ્વરૂપી જ હું આત્મા છું. એમ જેને ભાસ્યું તેને હવે શું કરવું રહ્યું? હવે કોણ સમાધિ કરે ?–કમ કે જ્યાં આત્માને જાણ્યો છે ત્યાં તેમાં સ્થિર થયો જ છે. હું જ પોતે પરમાત્મસ્વરૂપનો ધરનાર છું એમ જ્યાં ભાસ્યું ત્યાં હવે તે કોની પૂજા કરે? એ તો પોતાની પૂજા કરે છે. એ તો શુભાશુભ હોય ત્યારે ભગવાનની પૂજા કરે પણ હવે જ્યાં આત્મા જ શુભભાવથી ભિન્ન ચેતન્યસ્વરૂપે ભાસ્યો ને તેમાં ઠર્યો ત્યાં પોતે જ પોતાનું બહુમાન કરે છે. માટે હવે તેને બીજાનું પૂજન કરવાનું રહ્યું નહિ. પોતે જ આત્મા સત્ ચિદાનંદ છે એમ ભાસતાં જ્યાં ભાવ પ્રગટયાં ત્યાં હવે કોની સાથે સ્પર્શ-અસ્પર્શ કરે? જેણે પોતાને જાણો તેને હવે સ્પર્શ-અસ્પર્શ કાંઈ રહેતું નથી.
પોતાને જ્ઞાનવાન જાણ્યો ત્યાં બીજાના આત્માને પણ જ્ઞાનવાન ભગવાન આત્મા જાણે છે. ત્યાં તે કોને ઠગે? કોની સાથે માયાચાર કરે! બધાને ભગવાન ભાળે ત્યાં કોની સાથે માયાચાર કરે? એમ કહે છે. આત્માને જાણતો ન હતો ત્યાં સુધી માયાચાર કર્યો પણ હવે કોની સાથે માયાચાર કરે? કેમ કે તે આત્માનું સ્વરૂપ જ નથી.
કોની સાથે શત્રુ-મિત્રપણું કરે? બધા પરમાત્મા છે. બધા પરમાત્મા છે તો હવે કોની સાથે મૈત્રી કરવી? કોનું ભજન કરવું? આમ જાણનાર પોતે તો અતીન્દ્રિય આનંદના મણકા ફેરવે છે એને તો જ્ઞાન ને આનંદના મણકા પર્યાયમાં ફરે છે. તો હવે એ બીજા કોની માળા ફેરવે ? અને જ્યાં પોતાને શાંત સ્વભાવી જાણ્યો ત્યાં પરના આત્માને પણ એ કલેશ રહિત શાંતસ્વભાવી જ જાણે છે ત્યાં કોની સાથે કલેશ કરી શત્રુ-મિત્રતા કરે ?
અહા ! એને તો જ્યાં જુઓ ત્યાં ભગવાન આત્મા જ દેખાય છે, જણાય છે. પણ બધા મળીને એક આત્મા છે એમ જણાય છે એવું નથી. પરંતુ પોતાના આત્માને જેવો રાગાદિ રહિત જોવે છે તેવો જ બીજાના આત્માને જોવે છે. અહા! પહેલાં જીવઅજીવનો ભેદ કરવાનું કહ્યું, પછી કેવળજ્ઞાનસ્વભાવી આત્મા કહ્યો અને હવે પોતાના જેવો જ બધાના આત્માને જાણે છે એમ કહ્યું. જ્ઞાની જેવી દષ્ટિએ પોતાને જોવે છે તેવી જ દષ્ટિએ બીજાના આત્માને જોવે છે. બીજાના આત્માને પણ તે શરીર-રાગાદિથી રહિત જાણે છે. અરે! પરમાણુ આદિને જુએ છે તોપણ ત્યાં જ્ઞાન ભાસે છે કે હું તો જાણનાર છું. રાગાદિને જોતાં પણ જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે, માટે જ્યાં હોય ત્યાં આત્મા જ જણાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com