________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા ]
[૧૨૩ જેણે ધર્મ કરવો છે તેણે સૌ પ્રથમ તો કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુની શ્રદ્ધા છોડવી જોઈએ. રાગ વૈષવાળા દેવો, પરિગ્રહધારી આત્મજ્ઞાન રહિત કુજ્ઞાની ગુરુ તથા ખોટા શાસ્ત્રોની મહિમા અને ભક્તિ છોડવી જોઈએ તથા હિંસા, જૂઠું, ચોરી, શિકાર, પરસ્ત્રીસેવન, વેશ્યા, જુગાર આ સાત પ્રકારના વ્યસનનો પણ ત્યાગ કરવો જોઈએ. અન્યાય કાર્યો પ્રત્યે ગ્લાનિ હોવી જોઈએ. આ રીતે કુદેવાદિની શ્રદ્ધા વગેરેનો ત્યાગ કરી વીતરાગ પરમદેવ, નિગ્રંથગુરુ તથા અનેકાંત વસ્તુને બતાવનારા શાસ્ત્રોની શ્રદ્ધા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, મનન કરવું જોઈએ. સત્ દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા કરે અને આત્માની ઓળખાણ કરે ત્યારે અનંતાનુબંધી કર્મ તથા મિથ્યાત્વનો નાશ થાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ થાય. સ્વરૂપને ઓળખી તેમાં સ્થિરતા થવી તે સમ્મચારિત્ર છે.
સમ્યગ્દર્શન થતાં પરભાવ, મિથ્યાત્વ, અનંતાનુબંધી આદિનો નાશ થઈ સ્વરૂપની દષ્ટિજ્ઞાન ને રમણતા-સ્વરૂપમાં લીનતારૂપ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. આ રીતે સમ્યગ્દર્શન થતાં ગ્રહણ ને ત્યાગ બને થઈ જાય છે. નિત્યાનંદ સ્વભાવી નિજ આત્માનું ધ્યાન કરતાં નિમિત્તના લક્ષે થતાં પુણ્ય-પાપના અનિત્ય ભાવોનો નાશ થઈ જાય છે.
“હમ પરદેશી પંખી સાધુ આ રે દેશ કે નાહિજી,
આતમ અનુભવ કરીને અમે, ઉડી જાશું સિદ્ધ-સ્વદેશજી.” વિકલ્પનો દેશ તે અમારો નહિ, પુણ્ય-પાપના ભાવો આત્માના દેશમાં નથી. ભગવાન આત્મા તો અનંત આનંદનો દેશ છે, એ અમારો સ્વદેશ છે. તેમાં અમે જઈશું. જુઓ! આ યોગીન્દ્રદેવ વન-જંગલમાં સિંહ-વાઘની ત્રાડોનું લક્ષ પણ છોડીને, નિજદેશમાં જઈને આ વાત લખે છે. અહો ! તારા સ્વરૂપમાં અનંતા સિદ્ધ ભગવાન બિરાજે છે. અનંતી સિદ્ધપર્યાયનો તું પિંડ છો. આવો નિજ ભગવાન જેના અનુભવમાં આવ્યો તેને મુનિરાજ કહે છે કે હવે તારે શું બાકી રહ્યું? અનુભવ થતાં બધું જ મળી ગયું. સ્વદેશનો સ્વામી થઈ ગયો. પુણ્ય-પાપના ભાવને પોતાના માનનારો તો પરદેશી છે.
એક પોતાના પરમપરિણામિકભાવરૂપ જીવત્વસ્વરૂપ કારણપ્રભુમાં એકત્વ કરી અનુભવ કરવો તે સદાને માટે આનંદ-અમૃતનું પાન કરાવનારો મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ પ્રગટ થયાં પછી બહારમાં ગમે તેવાં ઉપસર્ગો આવે, ઘાણીમાં પીલાય તે સમયે પણ અંતરમાં મુનિરાજ અતીન્દ્રિય આનંદમાં રમતા હોય છે. કોઈ વૈરી દેવ સાધુને લવણસમુદ્રમાં નાખે ત્યાં મુનિરાજ શ્રેણી માંડી કેવળજ્ઞાન લઈ સિદ્ધદશાને પ્રાપ્ત થઈ જાય છે. માટે કહે છે કે એકવાર ચૈતન્યરત્નાકર ઉપર દૃષ્ટિ કરીને અનુભવ કરે તો તને શું ફળ નહિ મળે? અલ્પકાળમાં સિદ્ધ થઈને મુક્તિને પામીશ.
હવે આગળ ૬૪મી ગાથામાં મુનિરાજ કહેશે કે લોકાલોકને પ્રકાશનારા એવા નિજ આત્માને જે અનુભવે છે તેને કેવળજ્ઞાન લેવાની તૈયારી થઈ ગઈ છે. એવા ધર્મી આત્માઓ ધન્ય-ધન્ય છે. અમે મુનિઓ પણ એવા મોક્ષમાર્ગી સાધકોને ધન્ય ધન્ય કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com