________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦: જ્ઞાનગોષ્ઠી xxx” (૫. ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી.)
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૬
(૨૨૨). પ્રશ્ન- ધ્રુવસ્વભાવની સાથે નિર્મળ પર્યાય અભેદ કરી દષ્ટિનો વિષય માનવાથી શું આપત્તિ થાય?
ઉત્તર ધ્રુવ દ્રવ્યસ્વભાવ સાથે નિર્મળ પર્યાય ભેળવવાથી દષ્ટિનો વિષય થાય છે એમ માનનાર, વ્યવહારથી નિશ્ચય થવાનું માનનારની જેવા જ, મિથ્યાદષ્ટિ છે; એનું જોર પર્યાય ઉપર છે ધ્રુવસ્વભાવ ઉપર નથી.
સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય સાથે ઉત્પાદરૂપ નિર્મળ પર્યાયને ભેગી લેવાથી તે નિશ્ચયનયનો વિષય ન રહેતાં પ્રમાણનો વિષય થઈ જાય છે, અને પ્રમાણ પોતે સદ્ભુત વ્યવહારનો વિષય છે. નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ દ્રવ્ય છે, પ્રમાણની જેમ ઉભય-અંશગ્રાહી નથી. જો પર્યાયને દ્રવ્ય સાથે ભેળવવામાં આવે તો તે, નિશ્ચયનયનો વિષય ત્રિકાળી સામાન્ય છે તે રહેતો નથી, પણ પ્રમાણનો વિષય થઈ જતો હોવાથી, દષ્ટિમાં ભૂલ છે, વિપરીતતા છે.
અનિત્ય તે નિત્યને જાણે છે; પર્યાય તે દ્રવ્યને જાણે છે, પર્યાયરૂપ વ્યવહાર છે તે નિશ્ચયરૂપ ધ્રુવદ્રવ્યને જાણે છે; ભેદ છે તે અભેદ દ્રવ્યને જાણે છે; પર્યાય તે જાણનાર એટલે કે વિષયી છે ને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે (જાણનાર પર્યાયનો) વિષય છે. જો દ્રવ્યની સાથે નિર્મળ પર્યાયને ભેળવીને નિશ્ચયનયનો વિષય કહેવામાં આવે તો વિષય કરનાર પર્યાય તો કોઈ જુદી રહી નહી. જો પર્યાયને વિષય કરનાર તરીકે દ્રવ્યથી જુદી લેવામાં આવે તો જ વિષય-વિષયી બે ભાવ સિદ્ધ થઈ શકે છે, પરંતુ અન્યથા માનવાથી મહા વિપરીતતા થાય છે.
શ્રુતજ્ઞાનની પર્યાય તે પ્રમાણજ્ઞાન છે. પ્રમાણજ્ઞાન પોતે પર્યાય હોવાથી વ્યવહાર છે. વીતરાગી પર્યાય પોતે વ્યવહાર છે; પરંતુ તેણે ત્રિકાળી દ્રવ્યરૂપ નિશ્ચયનો આશ્રય લીધો હોવાથી તે નિર્મળ પર્યાયને નિશ્ચયનય કહ્યો છે, પણ તે પર્યાય હોવાથી છે તો વ્યવહાર.
શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી, પર્યાયનું લક્ષ છોડી, ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરે ત્યારે વીતરાગતા પ્રગટે છે; જો ત્રિકાળી દ્રવ્યરૂપ ધ્યેયમાં પર્યાયને ભેગી લે તો, એ વાત રહેતી નથી.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૭/૨૮
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com