________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨: જ્ઞાનગોષ્ઠી ગમે તેટલી થાય તેનું સેવન કરે અને જ્ઞાનીનો ભોગ નિર્જરા કહ્યો છે તો અમારે ભોગના ભાવ વિષય-વાસનાના ભાવથી નિર્જરા છે તેમ માને તે સ્વછંદ છે. ગમે તેટલો વિકાર થાય તો પણ મારે શું? એમ માને તે સ્વછંદ છે. ખરો મુમુક્ષુ એમ સ્વછંદતા સેવતો નથી. પર્યાયમાં વિકાર થાય તે પોતાનો અપરાધ સમજે છે. જ્ઞાનમાં બરાબર જાણે છે. પાપમાં બેદરકાર રહેતો નથી. મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોય છે, વૈરાગ્ય હોય છે.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૩
(૬૪૭). પ્રશ્ન- એક બાજુ દેહને ભગવાન આત્માનું દેવાલય કહેવાય ને બીજી બાજુ દેહને મૃતક કલેવર કહેવાય, તો ખરું શું?
ઉત્તર- દેહ તો મૃતક કલેવર જ છે. એ સાચું જ છે પણ ભગવાન આત્માનો મહિમા બતાવતા, દેહમાં દેવાલયનો ઉપચાર કરીને પણ દેવનો મહિમા કરવામાં આવે છે.
–આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
(૬૪૮) પ્રશ્ન:- દ્રવ્યપરમાણું ને ભાવપરમાણુના ધ્યાનથી કેવળજ્ઞાન થવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તો અન્ય શાસ્ત્રમાં શુદ્ધાત્માનું ધ્યાન કરવાથી કેવળજ્ઞાન થવાનું કહ્યું છે?
ઉત્તર- દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુનું ધ્યાન કરવા કહ્યું છે તે પુદ્ગલ પરમાણુનું કથન નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપની સૂક્ષ્મતાને દ્રવ્યપરમાણુ કહ્યું છે ને સ્વસંવેદન પરિણામ તે ઇન્દ્રિય-મનને ગમ્ય ન હોવાથી સૂક્ષ્મ છે, તેને ભાવપરમાણુ કહ્યું છે. આ દ્રવ્યપરમાણુના, ભાવપરમાણુના ધ્યાનથી કેવળજ્ઞાન થવાનું કહ્યું છે.
-આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૩૦
(૬૪૯) પ્રશ્ન- જડમાં અનુભૂતિ હોય?
ઉત્તર- જડમાં પણ અનુભૂતિ હોય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ પરિણમવું તેને જડમાં અનુભૂતિ કહે છે. -આત્મધર્મ અંક ૩૯૬, ઓકટોમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૧૭
(૬૫૦) પ્રશ્ન:- આ સાંભળેલું યાદ રહેતું નથી તેનું શું કરવું?
ઉત્તર:- કોઈએ સરખાઈની આકરી ગાળ દીધી હોય તે યાદ રહે છે ને! તો ગુણ યાદ કેમ ન રહે! પણ પોતાની ખરી દરકાર નથી તેથી યાદ રહેતું નથી. દરકાર હોય તો યાદ રહે જ..
-આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ 30
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com