________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) વિવિધ
(૬૪૦) પ્રશ્ન- સ્ત્રી પુત્રાદિને ધૂતારાની ટોળી માનતા ઘરમાં ઝગડો થાય એવું છે.
ઉત્તર- પરદ્રવ્યને પોતાના માનવા એ જ અંદરમાં મિથ્યાત્વનો મોટો ઝગડો થાય છે, જેનાથી ચાર ગતિના દુઃખ ભોગવી રહ્યો છે. કુટુમ્બીજનો સ્વાર્થના સગા છે, એ તો હકીકત છે. પોતાના સ્વાર્થના પોષણ માટે પ્રેમ કરે છે એમ અંદરમાં સમજીને અંદરથી મમત્વ છોડવાનું છે. આ તો અનાદિના ઝગડા છોડવાની વીતરાગની વાત છે. ભાઈ ! ૨૬ મી જાન્યુઆરીને લોકો સ્વરાજ્ય દિન કહે છે, પરદ્રવ્યમાંથી સુખ લેવાની વાંછારૂપ દીનતા છોડી સ્વદ્રવ્યમાં સંતોષ માનવો એ ખરું સ્વરાજ્ય છે. તે અવિનાશી
સ્વરાજ્યને ભોગવનાર સમ્યગ્દષ્ટિ ધર્માત્મા છે તે સાચો રાજા–બાદશાહુ છે. બહારના રાજ્યનો ભોગવટો કરનાર રાજા-બાદશાહુ તો પરમાંથી સુખ લેવાની આકુળતાની જ્વાળાને ભોગવે છે, આત્મશાંતિને ભોગતો નથી.
–આત્મધર્મ અંક ૪/૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪
(૬૪૧). પ્રશ્ન:- વાદિરાજ મુનિરાજને સ્તુતિ કરતાં કોઢ મટી ગયો, માનતુંગાચાર્યને સ્તુતિ કરતાં જેલના તાળા તૂટી ગયા, સીતાજીને બ્રહ્મચર્યના કારણે અગ્નિનું જળ થઈ ગયું તેમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર- પૂર્વના પુણ્યના યોગથી વાદિરાજમુનિને રોગ મટી ગયો અને માનતુંગાચાર્યને તાળા તૂટી ગયા અને સીતાજીને અગ્નિનું જળ થઈ ગયું હતું પણ તેનો આરોપ વર્તમાન પ્રભુભક્તિ અને બ્રહ્મચર્ય આદિ ઉપર કરવામાં આવે એવી પ્રથમાનુયોગની કથન પદ્ધતિ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તેનો ખુલાસો ઘણો કર્યો છે.
-આત્મધર્મ અંક ૪૩૫, જાન્યુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com