________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) કારણશુદ્ધપર્યાય
(૫૯૫) પ્રશ્ન- આપ કારણશુદ્ધપર્યાયનો ઘણોઘણો મહિમા કરો છો, પરંતુ અમારે તે શું ઉપયોગી ?
ઉત્તર- તે વર્તમાન કારણરૂપ છે, તેથી જેને વર્તમાન કાર્ય (-સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ કાર્ય ) પ્રગટ કરવું હોય તેને તે ઉપયોગી છે, કેમ કે તે કારણનો આશ્રય કરતાં કાર્ય પ્રગટી જાય છે. દ્રવ્યથી તે કારણશુદ્ધપર્યાય કાંઈ જુદી નથી. દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું પૂરેપૂરું વર્તમાનમાં વર્તી રહ્યું છે. અરે જીવ! તું જ્યારે જો ત્યારે વર્તમાન કારણપણે પૂરું દ્રવ્ય તારી પાસે જ છે... તે તું જ છે. માત્ર તારા નયનની આળસે તે તારા કારણને જોયું નથી તેથી જ તારું કાર્ય અટકયું છે-હવે તો અંતરમાં નજર કરીને આ કારણને દેખ...આ કારણનો સ્વીકાર કરીને તેનો આશ્રય કરતાં તારું નિર્મળકાર્ય થઈ જશે. દ્રવ્ય-ગુણનો વર્તમાન વર્તતો સ્વ-આકાર તે કારણશુદ્ધપર્યાય છે, બીજા કારણોનો આશ્રય છોડીને, આ સ્વ-આકાર કારણના સ્વીકારથી જ સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે.
-આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૬
(૫૯૬) પ્રશ્ન:- કારણ શુદ્ધપર્યાયમાં “પર્યાય” શબ્દ આવે છે એવી સ્થિતિમાં તે પર્યાયદષ્ટિનો વિષય થઈ જાય છે?
ઉત્તર:- ના, “પર્યાય” શબ્દ આવે છે તેથી એમ ન સમજવું કે તે પર્યાયદષ્ટિનો વિષય છે. તે પર્યાય દ્રવ્ય સાથે સદા તન્મયપણે વર્તતી થકી દ્રવ્યદૃષ્ટિના વિષયમાં સમાય છે. ત્રિકાળી આખા દ્રવ્યનો એક વર્તમાન ભેદ હોવાથી તેને માટે “પર્યાય' શબ્દ વાપર્યો છે....ને વર્તમાનકાર્ય (મોક્ષમાર્ગ) કરવા માટે તેનું વર્તમાન કારણ બતાવ્યું છે. આ કારણ ઉપર જેની દષ્ટિનું જોર છે તેને સમ્યગ્દર્શનાદિ કાર્ય થાય છે.
-આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com