________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા-કર્મ ૧૭૯ (૫૫૩) પ્રશ્ન- જીવ અજીવના કાર્યો ભલે ન કરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમ કરી શકે છે ને?
ઉત્તર:- જીવ પોતાના પરિણામ પણ ગમે તેમ ન કરી શકે પણ જે પરિણામ ક્રમસર જે થવાના છે તે જ થાય છે, આડા અવળા ગમે તેમ કરી શકે નહિ. જગતમાં બધું વ્યવસ્થિત ક્રમસર થાય છે, ક્યાંય ફેરફાર થઈ શકતો નથી. ઉતાવળો માણસ ફેરફાર કરવાનું માને ભલે પણ ફેરફાર કાંઈ થઈ શકતો નથી. એનો સાર એ છે કે ભાઈ ! તું ધ્રુવ સ્વભાવ ઉપર દષ્ટિ દે. -આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮
(૫૫૪) પ્રશ્ન-શું પર્યાયનું કારણ સ્વદ્રવ્ય પણ નથી?
ઉત્તરઃ- પરદ્રવ્યથી તો પોતાની પર્યાય થતી નથી પણ પોતાના દ્રવ્યથી પર્યાય થઈ તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો પર્યાય પર્યાયની યોગ્યતાથી સ્વકાળે થાય છે એ નિશ્ચય છે. સમ્યગ્દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્વકર્મનો નાશ થયો તેમ તો છે જ નહીં, પણ સમ્યગ્દર્શનનો ઉત્પાદ થયો માટે મિથ્યાત્વભાવનો વ્યય થયો તેમ પણ નથી. સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદ સ્વતંત્ર થયો છે, મિથ્યાત્વભાવની પર્યાયનો વ્યય પણ સ્વતંત્ર થયો છે. કેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો તે કેવળજ્ઞાનાવરણીનો અભાવ થયો માટે તો નહિ, પણ પોતાના દ્રવ્યના કારણે કેવળજ્ઞાન પર્યાયનો ઉત્પાદ થયો તેમ પણ નથી. પર્યાયનો પર્યાયના પક્કરકથી સ્વતંત્ર ઉત્પાદ થયો છે. અહીં તો પર્યાયનો દાતા દ્રવ્ય નથી તેમ કહેવું છે. દ્રવ્ય ઉપર લક્ષ ગયું છે તે પર્યાયના સામર્થ્યથી દ્રવ્ય ઉપર જાય છે, દ્રવ્યના કારણથી નહિ. સમ્યગ્દર્શનની પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે એ પર્યાયનું સામર્થ્ય છે. આ બાર અંગનું દોહન છે. ખરેખર તો પર્યાય પર્યાયના સ્વકાળથી, જન્મક્ષણથી પર્યાય થવાની હોય તે જ થાય છે, દ્રવ્યથી પર્યાય થાય છે તેમ કહેવું એ પણ વ્યવહાર છે. ઉત્પાદ પર્યાયને દ્રવ્ય કારણ નથી અને વ્યય પણ કારણ નથી. તે ઉત્પાદ પર્યાયનો નિશ્ચય છે. સમ્યગ્દર્શન પર્યાય દ્રવ્યના આશ્રયથી થાય છે તેમ કહેવું તે અપેક્ષિત કથન છે. સમ્યગ્દર્શન પર્યાય થાય છે તે તેનો જન્મક્ષણ છે, પણ તે પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર છે. તેથી દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તેમ કહેવાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન પર્યાયને પરથી ભિન્ન પડવાનો-ભેદજ્ઞાન પર્યાય થવાનો સ્વકાળ છે, જન્મક્ષણ છે. ત્યારે જ તે પર્યાય થાય છે પણ એ થાય કોને? કે જેનું લક્ષ દ્રવ્યસ્વભાવ ઉપર હોય તેને જ થાય છે. [ પર્યાયમાં ઊભા ઊભા પર્યાય સામું જોનારને પર્યાયના સ્વકાળનું સાચું જ્ઞાન થતું નથી.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com