________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪: જ્ઞાનગોષ્ઠી.
(૩૩૬). પ્રશ્ન:- મોક્ષનું કારણ સમભાવ છે એ સમભાવ કરીએ તો મોક્ષ થાય ને?
ઉત્તર:- સમભાવ એટલે વીતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. સમભાવનું કારણ વીતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવો અને પરનો આશ્રય છોડવો. આ ટૂંકામાં ટૂંકું છે.
–આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૩૩૭) પ્રશ્ન- ત્યાગ તે જૈનધર્મ છે કે નથી ?
ઉત્તર:- સમ્યગ્દર્શન પૂર્વકનો જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે તેટલે અંશે કષાયોનો ત્યાગ થાય છે તેને ધર્મ કહેવાય છે. સમ્યગ્દર્શનાદિ અસ્તિરૂપ ધર્મ છે અને ત્યાં મિથ્યાત્વ અને કષાયનો ત્યાગ તે નાસ્તિરૂપ ધર્મ છે પણ સમ્યગ્દર્શન વિનાના ત્યાગથી ધર્મ નથી. જો મંદકપાય હોય તો પુણ્ય થાય.
-આત્મધર્મ અંક ૫૧, પોષ ૨૪૭૪, પૃષ્ઠ ૪૪
(૩૩૮) પ્રશ્ન- આત્માને કેમ ખમાવવો?
ઉત્તર- અનંતગુણમય-જ્ઞાનાનંદમય આત્માનું સ્વરૂપ ઓળખવું. આત્મામાં કોઈ વિભાવ નથી. આત્મા તો ક્ષમાનો સાગર, શાંતિનો સાગર છે. અનંત કાળથી અનંત ભાવો થયા, ગમે એટલા નિગોદના ભવો થયા છતાં આત્મા તો ક્ષમાનો ભંડાર છે એને ઓળખવો એ જ સાચી ક્ષમા છે.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૮
(૩૩૯) પ્રશ્ન- અહિંસાને પરમ ધર્મ કહ્યો છે તેનો અર્થ શું?
ઉત્તર- રાગથી લાભ માનવો એ તો ચૈતન્યપ્રભુનો અનાદર છે. અહિંસાને ધર્મ કહ્યો છે તે અહિંસા એટલે રાગાદિની ઉત્પત્તિ ન થવી તે વીતરાગી અહિંસાધર્મ છે. પરની દયાનો ભાવ તે રાગ છે, એ રાગથી સ્વની હિંસા થાય છે. આહાહા ! આવી વાત પાત્ર વિના કોને બેસે ? –આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૦-૩૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com