________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૨૯ પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત જેવો છે તેવો જ છે. એ ઉપયોગ લક્ષણ જેવું છે તેવું જ છે. તું પર્યાયને વિભાવથી જોવા માંડ્યો. હું કહું છું કે જ્ઞાનની પર્યાયને સ્વભાવથી જો. શું કહ્યું? કે જ્ઞાનની પર્યાયને એના ત્રિકાળી સ્વભાવથી જો. એ ત્રણેકાળ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પોતાના ત્રિકાળી સામાન્ય સ્વભાવને જાણવાનો-અનુભવવાનો છે.
બાળ-ગોપાળ સૌને સદાકાળ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ ફરતો નથી. નિગોદમાં હોય કે સાધક અવસ્થામાં હોય, કે પરમાત્માની અવસ્થામાં હોય, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ ફરતો જ નથી. એમ જ્ઞાનની પર્યાયને સ્વભાવને જો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાનથી ન જો પણ એ બધા ભાવો છે એ પર્યાયના વિભાવભાવો છે. વિશેષભાવો છે અને ઉપયોગ લક્ષણ છે એ સામાન્ય ભાવ છે. એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે.
એ પર્યાય સ્વભાવ પણ અનાદિ અનંત આત્માને જાણે જાણેને જાણે જ. એક સમય એવો ન હોય કે જે તેના ઉપયોગમાં, એના જ્ઞાનમાં, પર્યાયસ્વભાવમાં, આત્મા જણાય નહીં એવો એક સમય પણ ગયો નથી. વર્તમાનમાં છે નહીં, અને ભવિષ્યકાળમાં એક સમય એવો નહીં આવે કે જ્ઞાનની પર્યાયમાં આત્મા ન જણાય. સામાન્યના વિશેષોને ગૌણ કરી નાખ. જ્ઞાનની પર્યાય સામાન્ય છે, એના વિશેષો આઠ છે. અભ્યાસી તો બધા છે જ ને? એને ખ્યાલ તો આવે ને? બધા અભ્યાસી છે.
આહાહા ! અનાદિથી અનંત કાળ સુધી આ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે. અને એ જ્ઞાનમાં આત્મા જણાયા જ કરે છે. એને એ માનતો નથી એ તો એનું અજ્ઞાન છે. એ તો સંસાર છે. જ્ઞાન લક્ષણ પ્રગટ છે. શ્રદ્ધા પ્રગટ નથી, ચારિત્ર પ્રગટ નથી, સુખ પ્રગટ નથી અને આ જે જ્ઞાનની પર્યાય છે તે ક્ષયોપશમભાવે પણ નથી. એ પર્યાય તો પારિણામિકભાવે રહેલી છે. એ પર્યાયને કર્મનો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કાંઈ લાગુ પડતું નથી. સમજાણું કાંઈ ? મતિજ્ઞાનને મતિજ્ઞાનાવરણી કર્મ લાગે, શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાનાવરણી કર્મ લાગે, તેમ અવધિજ્ઞાનાવરણી, મન:પર્યયજ્ઞાનાવરણી, અને કેવળજ્ઞાનાવરણી નામનું એક કર્મ છે, તેનો અભાવ થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
તેમ આ ઉપયોગને કર્મના કોઈ ઉદય, ઉપશમ કે ક્ષયોપશમની અપેક્ષા નથી. અહાહા ! કર્મનો સંબંધ થાય અને કર્મનો સંબંધ છૂટે, એને અમે સ્વભાવજ્ઞાન કહેતા નથી. ( શ્રોતા-તો આ કારણ શુદ્ધ પર્યાય છે?) નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com