________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર]
[ ૧૮૯ * પ્રભુ ! જે ભાવ તારા સ્વરૂપમાં નથી તેને તું તારા કરવાની હોંશ કરે છે, તો તારે એવી હોંશું કરીને કયાં જવું છે? તેનું ફળ શું છે તેની તને ખબર છે? દેહ તો છૂટશે જ, આત્માનો નાશ તો કદી થતો નથી, તો આ દેહ છોડીને કયાં જશે? જેણે રાગને પુણ્યની ક્રિયા સેવી છે, તેનાથી લાભ માનવારૂપ મિથ્યાત્વનું સેવન કર્યું છે, તે ભવિષ્યમાં પણ મિથ્યાત્વમાં રહેશે. મિથ્યાત્વના ગર્ભમાં નરકના ને નિગોદના અનંતા ભવો કરવાની તાકાત છે. ત્યાં જ અનંતકાળ રહેશે. ભિન્ન આત્માનું સમ્યગ્દર્શન થતાં અનાદિ ભવસંતતિનો છેદ થઈ જાય છે, કેમ કે અનંત જ્ઞાન ને અનંત આનંદ જેના ફળમાં પ્રગટ થાય છે એવું કારણ તેણે પ્રાપ્ત કર્યું છે. અંદર અભેદ જ્ઞાયક આત્માનો પૂર્ણ આશ્રય કરતાં આત્મા ગુણરૂપ અનંત પાંખડીથી ખીલી નીકળે છે. ૮૨૦.
* અંતરમાં દષ્ટિ લગાવવી એ જ આત્માનો ખોરાક છે. શ્રદ્ધા-જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવો એ જ આત્માનો ખોરાક છે. ૮૨૧.
* અનુભવપ્રકાશમાં કહ્યું છે. પ્રભુ! તારી શુદ્ધતાની તો શી વાત? તારી શુદ્ધતા તો બડી, પણ તારી અશુદ્ધતાયે બડી ! કેવળીની સમીપે ગયો તોપણ તે તારી ઊંધાઈ છોડી નહિ! ત્રણલોકના નાથ તીર્થંકર પ્રભુ પાસે ગયો, સમવસરણમાં પ્રભુની વાણી અનંતવાર સાંભળી, જ્યાં તીર્થંકરનો કદી વિરહ હોય નહિ એવા મહાવિદેહક્ષેત્રમાં અનંતવાર તારો જન્મ થયો, સમવસરણમાં ભગવાનની મણિરત્નના દિપકોથી આરતી ઉતારી તથા હીરાના થાળમાં કલ્પવૃક્ષનાં ફળોથી પૂજા કરી, પણ પ્રભુ ! એ તો શુભરાગ છે, સંસાર છે, એ જ્ઞાયકભાવ નથી. ૮૨૨.
* વિકારની કિંમત છૂટી જાય અને સ્વભાવની કિંમત વધી જાય એટલે વિકાર મંદ થઈ જાય, પાંગળો થઈ જાય. વિકારની કેડ તૂટી ગઈ. વિકારની રુચિ ગઈ અને સ્વભાવની કિંમત આવી પછી અસ્થિરતાનો રાગ રહે છે. સ્થિરતા થયે તે પણ છૂટી જાય છે. ૮૨૩.
* જેવો ભગવાનનો સ્વભાવ છે એવો જ મારો સ્વભાવ છે. પણ અહો ! એને ભરોંસાની સરાણે ચડાવવો, શ્રદ્ધામાં લેવો, એના અસ્તિત્વમાં આ હું છું એમ પ્રતીતિ કરવી ! અહો ! એ નિર્વિકલ્પ દષ્ટિ વિના થાય જ નહિ. ૮૨૪.
* ભાઈ ! તું એકદમ નવરો પદાર્થ છો, ખાલીખમ છો. વિકાર અને પુણ્યપાપથી ખાલીખમ છો. જ્ઞાન અને આનંદથી તો ભરપુર છો. તું વિકાર કરે તો પર્યાયમાં દેખાય છે, વસ્તુમાં તો વિકાર છે જ ક્યાં? ૮૨૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com