________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ દર્શનનો ઉદ્યમ કરજે. એકેક ક્ષણ અત્યંત કિંમતી છે. ઊંચા મણિરત્ન કરતાંય મનુષ્યપણું મોંઘું છે અને તેમાંય આ સમ્યગ્દર્શનરત્નની પ્રાપ્તિ મહા દુર્લભ છે. અનંતવાર મનુષ્ય થયો ને સ્વર્ગમાંય ગયો પણ સમ્યગ્દર્શન ન પામ્યો. આમ જાણીને હવે તું નકામો કાળ ગુમાવ્યા વગર સમ્યગ્દર્શન પ્રગટ કર. તું ઉધમ કર ત્યાં તારી કાળલબ્ધિ પણ આવી જ ગયેલી છે. પુરુષાર્થથી કાળલબ્ધિ જુદી નથી. માટે હે ભાઈ ! આ અવસરમાં આત્માને સમજીને તેની શ્રદ્ધા કર! બીજા નકામા કાર્યોમાં સમય ન ગુમાવ.
પરનાં કામ તારાં નથી ને પરચીજ તારા કામની નથી. આનંદકંદ આત્મા જ તારો છે, તેને જ કામમાં લે, શ્રદ્ધા-જ્ઞાનમાં લે. પરચીજ કે પુણ્ય-પાપ તારા હિતના કામમાં નહીં આવે; તારો જ્ઞાનાનંદસ્વભાવ શ્રદ્ધામાં લે, તે જ તને મોક્ષને માટે કામમાં આવશે. સમયસારમાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. જેમ માતા પારણું ઝુલાવે ને હાલરડું ગાય કે “મારો દીકરો ડાહ્યો.' તેમ જિનવાણી માતા કહે છે કે હે જીવ! તું ભગવાન છો... તું ડાહ્યો એટલે શાણો સમજદાર છો. માટે હવે મોહ છોડીને તું જાગ... ચેત... ને તારા આત્મસ્વભાવને દેખ. આત્માના સ્વભાવનું સમ્યગ્દર્શન તે મોક્ષનું દાતા છે. સમ્યગ્દર્શન થયું એટલે મોક્ષ જરૂર થવાનો. તારા ગુણનાં ગાણાં ગાઈને સંતો તને જગાડે છે. ને સમ્યગ્દર્શન પમાડે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com