________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦]
[૭૧ મતિની નિર્મળતાની જેમ જેમ ઓછાશ તેમ તેમ ભવની શંકા વધતી જાય છે. જેનામાં ભવરહિત થવાની પાત્રતા નથી તેને શંકા થયા કરે છે અને મોહના ઉદયમાં જોડાય છે. સ્વરૂપમાં જે નિઃસંદેહ છે, તેને એકાદ-બે ભવમાં હું મોક્ષ પામવાનો છું એવી પ્રત્યક્ષ સાક્ષી પોતાના અનુભવથી વર્તમાનમાં થઈ શકે છે.
અહીં સદ્ગુરુનાં જે જે લક્ષણો કહ્યાં તે વડે સદ્ગુરુને ઓળખી શકવાની પોતાની પાત્રતા જોઈશે. સર્વજ્ઞ-વીતરાગ શું કહે છે તેના ન્યાયની સમજણ વિના કોઈ બાહ્યદૃષ્ટિવાળા કહે છે કે આ પંચમકાળ છે, અત્યારે ધર્મનું પરિણામ (ફળ) ન દેખાય, કારણ કે જૈનશાસ્ત્રમાં વર્તમાન કાળમાં મોક્ષદશા ન થાય એમ કહ્યું છે. આત્મજ્ઞાન ન હોય, માટે આપણે હમણાં આત્મજ્ઞાન ન મેળવવું પણ વ્રત, તપ, ભક્તિ, બ્રહ્મચર્ય વગેરે પુણ્યક્રિયા કરીએ તેનું ફળ બીજા ભવમાં મળશે. આ ભવે કરીએ તો પરભવે પામીએ, એમ ખોટા માર્ગ વડે સાચાની આશા રાખે છે.
સરાણિયો (હથિયારને ધાર કાઢનાર) હથિયાર ઘસે અને કાટ ઉખડી ઉજ્જવળતા થાય તે સામું જુએ છે, મારી ભીંસના પ્રમાણમાં તે ઉળું થાય છે એમ તે જાણે છે અને દેખે છે. તેણે તે જાતની કળા પ્રાપ્ત કરી છે. જેમ લોઢાનાં હથિયાર સજનાર જે કાર્ય થાય તે તુરત જાણે છે તેમ અંતરની સાચા જ્ઞાનની કળા વર્તમાનમાં પ્રાપ્ત કરી, તેનું ફળ પ્રત્યક્ષ તુરત જાણી શકાય છે. છતાં તું શંકા કરે છે કે આ કાળે મોક્ષ ન હોય, માટે આત્મજ્ઞાન પણ ન હોય, તો એ વાત જૂઠી છે. આ ક્ષેત્રે જન્મેલાનો આ કાળે મોક્ષ નથી પણ એકાવતારીપણાનો, સમ્યગ્દર્શનનો, જ્ઞાનીપણાનો નિષેધ નથી. એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહિ.
આશંકા :- આત્મજ્ઞાન વિના ત્યાગ-વૈરાગ્યના ઉત્કૃષ્ટપણાથી એકાવતારીપણું કહ્યું હશે ? અથવા આત્માનુભવ વિના કષાયની મંદતા, દયા, બ્રહ્મચર્ય, વ્રત, શીલ, ત્યાગ, વૈરાગ્ય આદિ ઘણા પુરુષાર્થ વડે ઘણી સરળતા, સમતા, વગેરે રાખે તેવા જીવને એકાવતારીપણું કહ્યું હોય તો? આવી શંકાવાળો પોતાના ગજે ભગવાનનું માપ કરે છે કે આત્મજ્ઞાન વિના પણ મંદ કષાયથી મોક્ષ થઈ જતો હોય તો?
ઉત્તર :- આત્માના ભાવ વિનાના ત્યાગ-વૈરાગ્ય પરમાર્થ કહેવાય નહિ. તેવી ક્રિયાથી એકાવતારીપણું થાય નહિ, એક ભવ પણ ઓછો થાય નહિ.
રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, શુભ-અશુભ, આદિ મલિન પરિણામ મારાં નથી, હું ત્રિકાળ તેનાથી જુદો છું, એનું વર્તમાનમાં પ્રત્યક્ષ ભાન-અનુભવ કર્યા વિના આત્મજ્ઞાનનો અંશ પણ ન જાગે. ક્રોધ, માન, માયા, લોભનો અંશ પણ મારો છે એમ માનવું તે દૃષ્ટિ ઊંધી છે. કુજ્ઞાનનું વીર્ય સવળા પુરુષાર્થમાં કામ કરતું નથી, કારણ કે પુરુષાર્થ ઊંધો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com