________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે. આત્મજ્ઞાન હોય અથવા આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ હોય તો અંતરંગ ત્યાગ, વૈરાગ્યાદિનું સફળ૫ણું છે. કષાયાદિ મમતા તથા દેહાદિની આસક્તિના ત્યાગ વિના, માત્ર દેહાદિની ક્રિયા તપશ્ચર્યા, ઉપવાસ વગેરે ક્રિયાથી તો પુણ્ય પણ નથી. રાગ, દ્વેષ, માન, માયા, લોભ, તૃષ્ણાનો ઘટાડો, સાચું સમજવાની તીવ્ર જિજ્ઞાસા, સરલપણું એ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્ત થાય છે.
જગતમાં બે પ્રકારના ઉન્માદી જીવો છેઃ (૧) ભૂત વ્યંતરાદિથી પકડાયેલા અને (૨) મોહનીય કર્મમાં પ્રેરાયેલા. મોહભાવમાં ઘેલા થયેલા ધર્મના નામે ક્રિયાકાંડ ખૂબ કરે. કાયકલેશ, વ્રત, તપ, બ્રહ્મચર્ય વગેરે જડની ક્રિયાનું અભિમાન કરે પણ તે આંધળી દોડ છે–ગાંડપણ છે. બાહ્ય સાધનથી જ્ઞાન થતું નથી તેથી તે ઊંધો પુરુષાર્થ છે. ભૂત પ્રેતના કારણે ગાંડપણનો યોગ તે પ્રકૃતિના નિમિત્તની ઉપાધિ છે. તે પુણ્યના ઉદયે ટળી જાય છે, પણ જે મોહભાવમાં મસ્ત, દારૂ પીધેલા જેવા છે તેને આત્મા કેવો છે? કેવડો છે? શું કરી શકે છે તેનું ભાન નથી; તે અશાંતિથી દુઃખી છે. તે પોતાના આત્માની અનંતી આશાતના ભાવહિંસા કરી રહ્યા છે. આ મોહભાવનો ત્યાગ થવો બહુ મુશ્કેલ છે. દેહાદિ જડની ક્રિયા મારી કરી થાય છે, પુણ્ય મારાં છે, પુણ્યાદિથી ધર્મ થાય છે વગેરે અનેક પ્રકારની ઊંધી માન્યતા હોય છે. તેવા બાહ્ય દેષ્ટિ મોહી જીવોનો ઉન્માદ મટવો દુર્લભ છે, કારણ કે તેની ઊંધી માન્યતાને કોઈપણ પરાણે છોડાવી શકે તેમ નથી. ભૂતાવિષ્ટપણું તો કોઈ મંત્રાદિથી કે પુણ્યના યોગથી ટળે છે પણ આ મોહથી ગાંડો થયેલો જીવ ઊંધો પડ્યો પણ સ્વાધીન છે; કેમકે તેને કોઈ પરાણે સમજાવી ન શકે. જેને પરમાર્થે હિતઅહિતની પરીક્ષા નથી, કષાય તથા અકષાય, જ્ઞાન તથા અજ્ઞાનનો વિવેક નથી એવા મોહી જીવોને કોઈ પણ સમર્થ જ્ઞાની સમજાવી શકે નહિ. એટલે ભગવાને કહેલ છે કે અજ્ઞાન જેવું કોઈ મહા પાપ નથી. મોહનીયથી ગાંડા થયેલ જીવોનું વદન મહા આકરું છે. અનંત દુઃખનું કારણ છે, એમ ક્રિયાકાંડમાં રાચતા જીવોને કહ્યું કે અજ્ઞાનવશ બાહ્ય ક્રિયાકાંડથી ધર્મ તો નથી પણ જો રાગ, વૈષ, મમતા, આસક્તિ, ક્રોધ, માન, માયા, લોભ ઘટાડ્યા નથી તો તેને આ ક્રિયાકાંડ નિમિત્તે પુણ્ય પણ નથી, વૃથા કાયાકલેશ કરે છે.
અહીં શુષ્કજ્ઞાનીને કહ્યું કે તારે આત્માની પવિત્ર દશા જોઈએ છે છતાં રાગ, દ્વેષ, મોહનો તો ઘટાડો કરતો નથી; તૃષ્ણા, મમતા ઘટાડયા વિના માત્ર વાતો કરનારા છો, સાચા ન્યાયને સમજ્યા નથી, આત્મજ્ઞાનના નામે વાતોથી, મનના વિકલ્પથી સંતોષ માનીને સ્વચ્છેદમાં અટક્યા છો તેથી ભવસાગરમાં ડૂબશો. જેને સાચું હિત કરવું છે તેણે શરૂઆતમાં જ મુમુક્ષુતા પ્રાપ્ત કરવી જોઈએ, સ્વચ્છેદ તથા માનાદિનો ત્યાગ કરી સાચા અભિપ્રાય અર્થે કષાય પાતળા પાડવા જોઈએ. નિંદા, સ્તુતિ, શાતા, અશાતાદિ દરેક પ્રસંગમાં સમભાવ જાળવવાનો પુરુષાર્થ જોઈએ. આ પ્રથમ યોગ્યતા વિના સાચા સુખની ગંધ પણ નથી. કારણ નથી તો કાર્ય ક્યાંથી પ્રગટે? પાત્રતા વિના પ્રભુતા પ્રગટે નહિ. વર્તમાન પાત્રતા દેખાતી નથી તો આત્મજ્ઞાન કયાંથી પ્રગટે? તે કાંઈક આત્મામાં વિચારો, અંશે પણ પવિત્રતા લાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com