________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪૧]
[૪૨૯ અસાર, સ્વપ્નવત્ ક્ષણિક જગત જે જ્ઞાનીના જ્ઞાનમાં ઉદાસીનભાવે દેખાય, તે જ્ઞાનીની દશા છે; બાકી તો કથનમાત્ર જ્ઞાન ધારણા છે. ૧૪૦ હવે મોક્ષ કોણ પામે તે કહે છે :
સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જેહુ; પામે સ્થાનક પાંચમું, એનાં નહિં સંદેહ. ૧૪૧
આત્મા છે, નિત્ય છે, અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા અને હર્ષ-શોકનો ભોક્તા છે, અને સ્વભાવના ભાનમાં નિર્દોષ જ્ઞાનનો કર્તા અને શાંતિ, સુખ, સહજ આનંદનો ભોક્તા છે, મોક્ષ છે; એમ યથાર્થ ન્યાયથી એ પાંચે સ્થાનક વિચારીને જે છઠે વર્તે અર્થાત્ મોક્ષના ઉપાયમાં વર્તે તે પાંચમું સ્થાનક (મોક્ષ) પામે. અંતર વિચાર એ જ જ્ઞાનની ક્રિયા છે, એ અંતરનું સાધન છે. ઘણા ઠેકાણે ગૂઢ રીતિથી “વિચાર” શબ્દ શ્રીમદે જણાવ્યો છે, “કર વિચાર તો પામ,” “ઔષધ વિચાર ધ્યાન,” “અંતર વિચાર,“વિચારવા આત્માર્થીને,” “એમ વિચારી અંતરે,' “તે બોધે સુવિચારણા,” “જ્યાં પ્રગટે સુવિચારણા,” “ઊપજે તે સુવિચારણા,” “જાઓ વિચારી મર્મ, પૂછયા કરી વિચાર,” “વિચારતાં વિસ્તારથી સંશય રહે ન કાંઈ,” એ આદિ પ્રકારે વિચારદશા કહી છે. વિચાર એ અંતરની ક્રિયા છે. તે મન, વાણી, દેહની ક્રિયાથી પર છે. જે વિચારમાં રાગનો ભાગ જ્ઞાન વડે જુદો કરીને તત્ત્વમનન થાય, તે જ્ઞાનની ક્રિયા છે. અહીં સુવિચારદશાની વાત કહી છે; માટે જ્ઞાનીના એકેક વાક્ય ઉપર ખૂબ વિચાર કરવો.
તત્ત્વવિચાર વિના માર્ગ હાથ આવે તેમ નથી. વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા વડે પરીક્ષા કરવી. અનંતજ્ઞાનીઓએ કહ્યું અને કહે છે તો તેમનામાં રહ્યું પણ તારું સત્વ તારી પાસે છે માટે જાતે વિચાર કરવાનો છે, કોઈના આશીર્વાદથી કલ્યાણ થતું નથી. અનંત જ્ઞાની થઈ ગયા તેમને ઘણા જીવોનો ઉદ્ધાર થાય એવો વિકલ્પ આવતો હોવા છતાં કોઈ પરદ્રવ્યને પરિણાવવાનુંસમજાવવાનું તેમનામાં પણ સામર્થ્ય નથી. સામો જીવ તૈયાર થઈને પાત્રતા લાવે તો જ્ઞાની નિમિત્ત થાય. દરેક આત્મા સ્વતંત્ર છે, પરથી નિરાળો છે, માટે સ્વ અને પર વસ્તુને યથાર્થપણે જાણવી પડશે, તેની અનેક ન્યાયથી સિદ્ધિ (નિર્ણય-પ્રમાણ) કરવી પડશે. વસ્તુસ્વભાવ જેમ છે તેમ સમજ્યા વિના સાચાં નિમિત્ત મળે પણ શો ઉપકાર થાય? માટે પ્રથમ શાસ્ત્રવાંચન, મનન અને સત્સમાગમ વડે આત્માનો વિચાર કરવો. તેનો વિચાર નહિ કરે તે આત્મા નહિ પામે. જ્ઞાની પુરુષો કહી ગયા છે તે જ શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “કર વિચાર તો પામ.” શાસ્ત્રમાં જે આજ્ઞાસમકિત કહ્યું છે તે વ્યવહારવચન છે. આજ્ઞાપ્રધાન કરતાં પરીક્ષાપ્રધાન-નિર્ણયપ્રધાન ખાસ કામનો છે, માટે નિત્ય સત્સમાગમ અને તત્ત્વની ભાવના વધારવી અને વસ્તુતત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો. શ્રી સર્વજ્ઞ ભગવાન કહે છે કે આજ્ઞા એ ધર્મ છે, આજ્ઞા એ જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com