________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા “ઉપાદાનનો ભાવ લઈ એ જે તજે નિમિત્ત,
પામે તે સિદ્ધત્વને, ન રહે સંસારમાં સ્થિત.” નિમિત્તનો વિકલ્પ તૂટી જાય અને સ્વભાવમાં-નિર્વિકલ્પ દશામાં સ્થિર થઈ જાય ત્યાં શુભ વિકલ્પનો પણ અવકાશ નથી. ૧૩૬
[ તા. ૨૯-૧૧-૩૯] જે જ્ઞાનની માત્ર વાતો કરે છે તે જ્ઞાનીના ( પોતાના) દ્રોહી છે એમ કહે છે :
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ:
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ ઉપાદાનનું માત્ર નામ લઈ જે દેવ, ગુરુ, ધર્મનો વિનય છોડી પુરુષાર્થરહિત થઈ સ્વચ્છેદમાં વર્તે છે, તે બંધપણું પામીને ભ્રાંતિમાં વર્યા કરે છે. તે શાંતિ નહિ પામે, તેમ સત્સાધન પણ નહિ પામે.
મુખથી નિશ્ચયનાં વાક્યો કહે કે-આત્મા અવસ્થાએ પણ અસંગ મુક્ત, શુદ્ધ જ છે, અને અંતરથી પોતાને મોહ છૂટયો નથી, પરપદાર્થમાં સુખબુદ્ધિ રહે છે, શુભાશુભ ભાવ, વિષય-કષાય, રાગાદિને પોતાના માને છે તેને અંતરમાં ભ્રમણા ટળી નથી, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે. પુરુષાર્થહીન થઈને સાચા માર્ગથી પ્રતિકૂળ રહીને પોતાને જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. એટલે કે નિશ્ચયથી પોતાનો જ મહા અપરાધ કરે છે. પોતામાં કેટલું સામર્થ્ય છે તેનું ભાન નહિ હોવાથી જ્ઞાનીનો દ્રોહ કરે છે-જ્ઞાનીનો દ્રોહ એટલે પોતાના જ આત્માનો અનંતો દ્રોહ તે કરે છે.
જેને આત્મજ્ઞાનદશા વર્તે છે તેને કોઈનો દ્રોહ આવતો નથી. કેવળ મોક્ષાભિલાષા વર્તે છે. શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ તેને જોઈતું નથી. ઇન્દ્ર, ચક્રી આદિ પુણ્યપદ તેને નથી જોઈતાં, આ જ ક્ષણે મુક્ત થઈ જાઉં એવી ભાવના ભાવે છે; અને ગુરુનો વિનય, સત્પરુષની ભક્તિ તથા જિનઆજ્ઞામાં પુરુષાર્થસહિત વર્તે છે. પણ જેને સાચા નિમિત્તમાં હોંશ નથી તે એમ કહે છે કે અમે અમારા ઉપાદાનથી બધું કરી લઈશું. અંતરમાં સ્થિરતા થયા વિના (નિર્વિકલ્પ વીતરાગ થયા વિના) જે સાચા દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, વિનય, સ્વાધ્યાય વગેરેનો અનાદર કરે છે તે પાપી પ્રાણી છે, સ્વયં અપરાધી છે, જિનશાસનનો વૈરી છે. શ્રીમદે બધી રીતે જેમ છે તેમ વર્તમાન જીવોની મનોદશા જોઈને, સ્વચ્છેદે અને પ્રતિબંધ ટાળવાના અમોઘ ઉપાય, જે શાસ્ત્રમાં ગૂઢ ગંભીરપણે હતા, તેને સહેલી રીતે ગુજરાતી ગાથામાં મૂક્યા છે તેથી ઘણો ઘણો ઉપકાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com