________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૧૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૩] આત્મામાં અંતરંગ દેહભાવ, મમતા વર્તે છે અને કહે કે અમને સમ્યગ્દર્શન છે, તે માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે, પોતાના આત્માનો ઘાત કરે છે, તેને નિશ્ચયનું ભાન નથી. માટે પ્રથમ તો સર્વજ્ઞવીતરાગ કથિત તત્ત્વજ્ઞાનમાં ઓતપ્રોત થઈ તત્ત્વ નિર્ણય કરવો, તે સહિત રાગ-દ્વેષ અને દેહાદિ વિષયોમાં આસક્તિનો ઘટાડો કરવો. બહારના સંયોગમાં ઘટાડાની વાત નથી; રાગ-દ્વેષનો ઘટાડો એટલે મમતાનો ત્યાગ અને અંતરવૈરાગ્ય જોઈએ; સાચી જિજ્ઞાસા (મુમુક્ષુતા) ઉત્પન્ન થવી જોઈએ.
કોઈ શાસ્ત્રના શબ્દો ગોખી રાખે કે-આત્મા આવો છે, વગરે મનમાં ધારી રાખે અને માને કે હું જ્ઞાની છું પણ તેથી કાંઈ પરમાર્થે જ્ઞાનીપણું આવતું નથી. ગ્રામોફોનની રેકર્ડ પણ આત્માની વાતો બોલી જાય તેમ આ પણ બોલી જાય, તેથી ચેતનને ગુણ શું? ચેતન પદાર્થ આત્મા પરથી ત્રણકાળ નિરાળો છે, જડના રજકણો સદાય જડમાં છે. આત્મા જડથી અને જગતથી સદાય નિરાળો છે, એ અભિપ્રાય સાચા પુરુષાર્થ સહિત લાવ. એવી ઓળખાણ નહિ અને નિશ્ચય માત્ર પોકારે તે નિશ્ચય સારભૂત નથી. જેણે અનંત કાળના ભવનો ભય જાણ્યો છે તેને તો અંતરમાં ગાઢ રુચિથી એકલો ચેતન ઘોળાયા કરે, માટે વાતો નહિ પુરુષાર્થ લાવ. અંદરથી ચૈતન્યનો માલ કાઢ, અને હું અબંધ છું, શુદ્ધ છું એવી યથાર્થ સાક્ષી લાવ. આ ચાર ગાથામાં ઘણું મનન કરવા જેવું છે. પરમાર્થતત્વ પોતાથી સમજાય તેમ છે. નિશ્ચય અને વ્યવહાર બેઉ જેમ છે તેમ યથાસ્થાને સમજે તો જ દૃષ્ટિ સાચી છે, આમાં કંઈ કોઈના ગચ્છમત-પક્ષના વિરોધની વાત આવી નથી પણ સન્માર્ગના હકારની વાત આવી છે. બાહ્યની ક્રિયા તેને યોગ્ય ભૂમિકા પ્રમાણ થયા કરે છે, તેને આત્મા કરે નહિ. સંપ્રદાયમાં તથા સમજવાળો મોટો વર્ગ માને છે તેનાથી આ બીજાં કહીએ છીએ. જેને સમજવું હોય તે સાચું સમજે. આ નગ્ન સત્ય કોણ સાંભળે? કોને કહેવું? પરમાર્થ માર્ગની ત્રણેકાળે દુર્લભતા છે. જેને પરમાર્થ પામવાની ઝંખના છે તે જ અપૂર્વ ન્યાયના ભણકારા સાંભળે. હજી વર્તમાનમાં પણ ધર્મકાળ છે, જિનશાસન ત્રિકાળી જયવંત છે. વીતરાગ શાસન જે છે તે અલૌકિક છે. વેશવાડાની કલ્પના એ પરમાર્થને સાધક નથી. અંદરથી (આત્મામાંથી) ન્યાયનો સહજ ભણકાર આવે છે કે જે આત્મતત્ત્વ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે તે આમ જ છે. હું આત્મા પૂર્ણ જ્ઞાન-આનંદનો ઘન છું, એવો ભાવભાસન સહિત નિઃસંદેહ નિર્ણય સ્વયં આવે તે જ શ્રદ્ધાની દેઢતા છે, તેમાં કોઈને પૂછવા જવું નહિ પડે. આત્માનો માર્ગ, સાધક (સાધન), સાધ્ય બધુંય આત્મામાં છે. શુભરાગ, પુણ્ય-પાપ તથા દેહાદિની ક્રિયામાં તથા કોઈ વેશ-વાડામાં જ્ઞાનગુણનો અંશ નથી. આ ત્રણેકાળે સિદ્ધ થયેલી વાત છે. વર્તમાનમાં સ્વચ્છેદ અને પ્રતિબંધનું જોર ઘણું હોવાથી આ નગ્નસત્ય કેમ બેસે? જે અનંતકાળની અજાણી વાત છે તેની યથાર્થતા ત્યારે સમજાય, કે જ્યારે સનું બહુમાન આવે, સત્નો વિનય આવે, બધું પોતામાંથી જાગૃત થઈ આવે તો યથાર્થતા સમજાય. વાણીમાં બધું કહી શકાય નહિ, પણ જે કહીએ છીએ તે પ્રમાણ છે, એમ સમજો. હજી કાળ સારો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com