________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
૪૦૬ ]
જેને સાચો પુરુષાર્થ કરવો નથી પણ માત્ર નિશ્ચયના કથનને ધારી રાખવું છે તેને કલ્યાણ થતું નથી, માટે પ્રથમ જ હું શુદ્ધ છું એ લક્ષે વૈરાગ્ય સહિત વિષય-કષાયનો ઘટાડો કરવો. દેહની આસક્તિ ઘટાડીને સત્શાસ્ત્રનું વાંચન, શ્રવણ, મનન અને સત્તમાગમ કરવો. ક્રોધાદિ કષાય તથા દેહાદિની મમતાનો કાંઈ ઘટાડો ન કરે, તો આખો આત્મા ૫૨થી જુદો તૃષ્ણા-રાગરહિત છે એની શ્રદ્ધા, રુચિ કેમ થશે ? કોઈએ શ્રીમદ્ ઉ૫૨ લખેલું કેઃ- હું ૫૨માત્મા છું. તેનો જવાબ આપ્યો કેઃ- સર્વ જીવનું ૫૨માત્મપણું છે એમાં સંશય નથી, તો પછી તમે પોતાને ૫૨માત્મસ્વરૂપ માનો તો તે વાત અસત્ય નથી; પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ ત્યાં સુધી મુમુક્ષુજિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે અને તે રસ્તે યથાર્થ ૫૨માત્મપણું પ્રગટે છે.
જે અંતરમાં કષાય હોય તેને ઓળખે નહિ, પ્રમાદમાં સંતોષ માને, અને પોતાને જ્ઞાની માને તે સ્વયં અપરાધી છે. અનંત વાર નહિ પ્રગટેલું એવું અપૂર્વ આત્મભાન થયે, પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા, વિવેક અને પુરુષાર્થ સાથે રહે છે. અંતરંગમાં અકષાય સુખસ્વભાવ અનુભવવામાં રાગદ્વેષ કષાયનો અંશ પણ નહિ પાલવે. ધર્માત્માને પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ પ્રગટ થયો છે, તેથી કષાયની વૃત્તિને બરાબર ઓળખી લે છે, અને તેને ટાળે છે. આત્માનું જ્ઞાન થયું તેમાં વિવેક હોય જ. અંદ૨માં ચૈતન્યની શાંત અવિકારી દશા પ્રગટી તેને રાગ-દ્વેષ કે વિષય-કષાયમાં રુચિ કેમ હોય ? માટે સ્વચ્છંદીને કહે છે કે જો તને સાચી શ્રદ્ધા હોય તો પુરુષાર્થ થયા વિના રહે નહિ. સત્ની શ્રદ્ધા થતાં હિત-અતિનો વિવેક સાથે જ હોય, તેથી સંસારનો રાગ ટાળીને પવિત્ર દેવ, ગુરુ, ધર્મ, સદેવ તથા સત્ સમાગમનું બહુમાન, વિનય, ભક્તિ, આદર પણ થવા જ જોઈએ. સાધનનો આદર તેમાં પોતાનું બહુમાન છે, જેને સત્નો પ્રેમ છે તેને સંસા૨નો પ્રેમ હોતો નથી; તેને સાચાં નિમિત્ત ઉપર સહેજે પ્રેમ રહે જ. અહો! સત્સમાગમનો મહિમા ! એમ ભક્તિ ઉભરાવીને દેવ, ગુરુ, ધર્મ, સત્શાસ્ત્રો વગેરે સાચા નિમિત્તોનું બહુમાન કરે છે, અને વિવેકથી જેમ છે તેમ જાણે છે. પણ જે સિદ્ધ સમાન આત્મા છે, એમ કથનમાત્ર માને છે પણ એ જાતનો પુરુષાર્થ કરતો નથી તેને વીતરાગની ભક્તિમાં પ્રેમ આવતો નથી. દાન, પ્રભાવના આદિમાં આરંભનો દોષ લાગે એમ જે કહે છે તે સાધકભાવ ઓળખી શકતો નથી. તેને દેહાધ્યાસ વર્તે છે, તેથી તેને આત્માની પ્રતીત નથી. સત્ સ્વરૂપની જેને ઓળખ છે તેને સત્ સાધનનો નિષેધ હોય નહિ, પણ બહુમાન હોય. ગૃહસ્થ ધર્માત્મા હોય તે દેવ-ગુરુવંદન, પૂજા, ભક્તિ વગેરે સાચા અભિપ્રાય સહિત મહિમા લાવી કરે છે, પણ જે જીવો નિશ્ચયાભાસી છે તેને સત્ સાધનની રુચિ નહિ થાય. દેવ-ગુરુ કાંઈ આપી દે તેમ નથી, તે તો ૫૨ છે, એ બધાં સાધનો બાળજીવો માટે છે, આપણે તેનું પ્રયોજન નથી, એમ સત્સમાગમ, ગુરુભક્તિ આદિ સાચાં સાધનની ઉપેક્ષા કરવાથી પુરુષાર્થહીન અને પ્રમાદી થઈ ઘણા જીવો સ્વચ્છંદે પાપમાં પ્રવર્તે છે. માટે તેમ ન થવું જોઈએ.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com