________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩]
[૩૨૯ તો જ રાગ-દ્વેષ રહિત આત્મા સમજી શકાય તેમ છે. સાચું સમજ્યા પછી અંતરંગમાં ક્યાંય સમજણમાં ભૂલ ન થાય.
અહીં તો શિષ્યને મૂંઝવણ થાય છે અને તે સમજવાનો કામી છે, પણ લોકોની બુદ્ધિ ઘણી સ્થળ છે. જડ અને ચેતનના ગુણ તથા ધર્મની વહેંચણી કરવામાં સ્થૂળબુદ્ધિ અને બાહ્યદૃષ્ટિ કાર્યકારી નથી. કોઈ ઉપર-ઉપરથી દેહની ક્રિયાને જ દેખે છે, અને કોઈ શાસ્ત્રો ઉપર-ઉપરથી વાંચે છે. લોકો ઇતિહાસ, વાર્તા, નોવેલોની માફક શાસ્ત્રો વાંચી જાય છે, અને પછી સર્વજ્ઞ વીતરાગનાં વચનો ઉપર પોતાનો મત આપે કે આનું આમ જ હોવું જોઈએ, કારણ કે અમારી માન્યતાથી આમ બેસે છે ન્યાય શું તેની તો કાંઈ ખબર પડે નહિ અને પોતાને જ્ઞાની માને, પણ તેથી તો તે સ્વયં પોતાનું અહિત કરે છે માટે જ્ઞાની કહે છે કે તત્વને યથાર્થ સત્સમાગમે સમજો. ફરી ટાણાં મળવાં મુશ્કેલ છે. મનુષ્યભવ હારી જવા જેવું ન થાય, તે માટે આ જ ક્ષણે તત્ત્વની વિચારણા કરો. સમજણની ભૂલ પોતાથી જ ટળે છે. શ્રીમદ્ પ્રથમ ગાથામાં કહે છે કે “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” પોતે અનંત શક્તિવાળો છે, છતાં પોતાની સ્વાધીન શક્તિને ભૂલ્યો છે. જ્ઞાનનું વીર્ય પર માટે અકર્તા છે. જીવ જ્ઞાનમાત્ર છે અને સુખસ્વરૂપ છે તેનું ભૂલવું અનાદિથી થયું છે, કારણ કે પરમાં અનાદિથી સુખબુદ્ધિ છે. જીવને પોતામાં સુખ દેખાતું નથી, તેથી પુણ્યની મીઠાસ પેસી ગઈ છે, આ પરાધીન મનોદશા છોડવી લોકોને ગમતી નથી. પુણ્ય થઈ જાય તે જુદી વાત છે, પણ તે ઠીક માનવું, કરવા જેવું છે એમ માનવું તે અજ્ઞાન છે. આત્મા અબંધતત્ત્વ છે, તેમાં પુણ્યબંધથી ગુણ માનવો તે મિથ્યાત્વ છે. લોકો ધર્મને બહાને જડની ઓથ લે છે અને કહે છે કે, શાસ્ત્રમાં સમકિતીનાં પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહ્યું છે. એમ કહીને પુણ્યની મીઠાશ વેદે છે; એટલે વિકારની મીઠાશ વેદે છે. ચેતનસ્વભાવથી વિપરીત બંધભાવ જે પુણ્ય છે તેને ઈચ્છે છે, પુણ્યથી મને લાભ થશે એવી પુણ્યમાં જેને સુખબુદ્ધિ છે તેને સ્વાધીનતા જોઈતી નથી, પણ પરાધીનતા રચે છે. તેઓને જ્ઞાની પુરુષોએ પુગલના ભિખારી કહ્યા છે, કારણ કે શંકાના ગોળની જેમ તેનું લક્ષ અને મીઠાશ તેમાં જ રહે છે. લોકોને સાચી વસ્તુસ્થિતિનો વિચાર નથી, અને કહે છે કે હાય-હાય ! અમારાં પુણ્ય ચાલ્યાં જશે, પુણ્ય વિના ધર્મ કેમ થાય ? પણ ન્યાયથી સ્પષ્ટ છે કે પુણ્યપરિણામ તે શુભરાગ છે, તે મોહકર્મનો વિકાર છે. વિકાર રાખે ભગવાન અવિકારી આત્મા કેમ પ્રગટે? ગુણ ક્યાંથી થાય? બંધભાવે અબંધભાવ ક્યાંથી થાય? પુણ્ય તો જ્ઞાનીને પણ થઈ જાય છે, પણ તેનાથી ગુણ માનતા નથી. ધર્માત્માના હાથે જેવાં પુણ્યકાર્ય થાય, તેવાં અજ્ઞાનીના હાથે ન થાય. જિનપૂજા, વંદન, ભક્તિ વગેરે થાય છે, અને શુભરાગના કારણે પુણ્ય બંધાય છે; છતાં પુણ્યની ઈચ્છા ધર્માત્માને નથી. ધર્માત્મા અશુભ પરિણામ ટાળીને મંદકષાયનો પુરુષાર્થ કરે છે, તે અકષાયી શુદ્ધતાની દૃષ્ટિના લક્ષે જ પુરુષાર્થ કરે છે. તેને વચ્ચે શુભ પરિણામ આવે છે, પણ તેનો તે સ્વામી થતો નથી. તે જાણે છે કે મંદકષાયના પરિણામની જે વૃત્તિ આવે છે, તેમાં રાગ ટાળ્યો તેટલો ગુણ છે અને રાગ રહ્યો તેનો નકાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com