________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૨૮૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] શુદ્ધ ચૈતન્યરૂપ ગણીએ અને વળી ઈશ્વર ખાસ પ્રકારનો સત્તાવાન માનીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને ઈશ્વરમાં જુદાઈ જોઈએ, પણ તેમ હોઈ શકે નહિ. ફળ આપવાનું કાર્ય તો રાગનું કાર્ય છે અને ઈશ્વર રાગવાળો હોય તો તે ઈશ્વર ન કહેવાય ઈશ્વરને શુદ્ધ ગણીએ અને કર્મનો ફળદાતા ગણીએ તો મુક્ત સ્વરૂપ એવા દરેક જીવથી પણ તે કાર્ય થવું જોઈએ. ઈશ્વર રાગ અને ઇચ્છા રહિત છે. છતાં તે કાર્ય કરી શકે એમ માનનારે પોતાના આત્માને સ્વાધીન માન્યો નથી. અહીં એમ કહેવામાં આવે છે કે પરનું કાર્ય સંસારી જીવ કરે તો તેને બંધવાળો કહેવાય, અને મુક્ત જીવથી પણ પરનું કાર્ય થાય એમ કહો તો તેને સંસારી માન્યો. સંસારનાં કાર્યો ઈશ્વર કરે તો તે ઉપાધિવાળો થયો, ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવરૂપ નિર્મળ આત્મા, તેની ઓળખ થયા વિના પોતાના સ્વરૂપને અન્યથા માનવાપણું જ રહે છે.
જે જડ કર્મનાં કાર્ય છે તે ઈશ્વર કરે એમ ઠરાવનાર પોતે જ અજ્ઞાન દષ્ટિવાળો છે. પાપની ભીડ ટાળવાની વિનંતી ઈશ્વર ઉપર જે નાખે છે તે આકાશના પુષ્પની આશા રાખે છે. ઈશ્વર છે પણ તેનું સ્વરૂપ શું છે તે સમજો. ભગવાન પરમાત્મા તો નિર્મળ જ્ઞાનાનંદ, શુદ્ધ, અસંગ છે, તેને ઉપાધિવાળો માનવો તે ઈશ્વરપણામાં સંસારીપણાનું આરોપણ છે. જીવ પોતે ભૂલ કરે તેથી પાપના ઉદયે બહારની અગવડતા ઊભી થાય. તે ટાળવા ઈશ્વર આવે તે વાત કેમ બને? પોતે સમતા રાખે અને પુણ્યનો ઉદય થતાં તે અગવડતા ટળે, પણ ઈશ્વરે ભીડ ભાંગી એમ માનવું તે અજ્ઞાન છે. લોકો પૂર્ણ સ્વરૂપને-ઈશ્વરને પોતાના ગજે કહ્યું છે. ઈશ્વરને ફળદાતા જે માને છે તેણે પોતાને પરાધીન માન્યો છે. તે માન્યતાવાળો જીવ સ્વાધીનતાનો પુરુષાર્થ કેમ કરી શકે ? લોકો કહે છે કે જગતકર્તા ઈશ્વરને જૈનધર્મવાળા માનતા નથી, પણ જે શુદ્ધ હોય તેને ઈશ્વર માનવા કે ઉપાધિવાળાને ઈશ્વર માનવા? ઘણા લોકો ઈશ્વરને કર્તા અને ફળદાતા માને છે તેથી શું સાચું નહોય તે સાચું થઈ જતું હશે? ન્યાયથી જે ઘટે તે સાચું માનવું. ઘણા લોકો અમુક પ્રકારે માને છે તેથી મારે તેને સાચું માનવું તે ન્યાય નથી, પોતાને પૂર્ણ નિરૂપાધિક મુક્ત થવું છે, પણ છે તેવું યથાર્થ માનવું નથી, તો તેનાથી સ્વાધીનતાનો પુરુષાર્થ પણ કેમ થઈ શકે? જો ઈશ્વરને સંસારી કાર્યોનો કર્તા ઠરાવો એટલે કે ઈચ્છાદિવાળો અશુદ્ધ ઠરાવો તો ત્યાં વીતરાગતા તથા સર્વજ્ઞતાનો ગુણ સંભવે નહિ. દેહધારી સર્વજ્ઞ ભગવાનને જગત નિયંતા ઈશ્વર માનીએ, તો પછી કર્મફળદાતારૂપ વિશેષ સ્વભાવ ઈશ્વરમાં કયા ગુણોને લીધે માનવા યોગ્ય છે? અહીં એટલો સ્વીકાર તો થાય છે કે દેહ રહિત ઈશ્વર તો સર્વ ઉપાધિના સંયોગથી રહિત છે અને તે પરનું કંઈ કરી શકે નહિ. પણ એ પ્રશ્ન રહે છે કે દેહધારી-અવતારી પુરુષ સર્વજ્ઞ ઈશ્વર હોય તો? દેહધારી સર્વજ્ઞને વાણી, મન, ઇન્દ્રિય વગેરે છે તેથી તે જગતને આજ્ઞા કરીને વ્યવસ્થા સૂચવતા હોય તો તે પણ અશકય છે, કેમ કે ફળ આપવાનું કામ રાગરહિતને હોય નહિ. વળી તે દેહધારીપણાથી મુક્ત થયા પછી એટલે દેહ રહિત થયે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com