________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પવિત્ર ઈશ્વર ઉપર જગત આખાની કારવાઈનો આરોપ નાખતાં ઈશ્વરપણામાં વિરોધ આવશે. ઈશ્વરને વીતરાગ, નિરૂપાધિક કહેવો અને વળી દયા કરનાર, ઇચ્છાવાળો, ફળદેવાવાળો કહેવો તે વિરોધરૂપ છે. કરોડો માને છે તે ઉપર ન જુઓ. ફલાણો બહુ બુદ્ધિવાળો છે માટે તેનું સાચું છે એમ નહિ.
સંસારમાં આત્મજ્ઞાન થયા પછી રાગ-દ્વેષનો સર્વથા અભાવ કરીને જે ઈશ્વર થાય તેનામાં રાગ કે ઇચ્છાપણું કેમ સંભવે? મધ્યસ્થપણે વિચારો તો બધુંય સમજાય તેમ છે. જે અલ્પ પુરુષાર્થ વડે અલ્પ રાગ પણ થવા ન દે, તે પૂર્ણ પરમાત્મદશા પૂર્ણ પુરુષાર્થ થયે થોડો ઘણો પણ રાગ કેમ થવા દે? તે વિચારો, રાગ વિનાના અને અસ્થિરતા વિનાના ઈશ્વરને જગતની ઉપાધિવાળો માનવો તે તો સંસારમાં દેહધારી જ્ઞાની કરતાં પણ ઘણી હીનતા કહેવાય. લોકોને તત્ત્વની પરીક્ષા વિના બહારથી મનાઈ ગયું છે કે જગતમાં મોટા થાય તે બીજાનું ભલું કેમ ન કરે? જો લોકોને સુખી ન રાખે તો એવો પરમાત્મા અમારે જોઈતો નથી. એક ભાઈ કહેતા હતા કે ઈશ્વર તો અમે એને કહીએ કે બધાને જે જોઈએ તે સુખ આપે. પછી તેને કહ્યું હતું કે આ માન્યતા જે કોઈ રાખે તે ત્રણકાળમાં સુખી ન થાય. પોતાને સાચું તત્ત્વ સમજાયું નથી, તેથી પોતે ઈશ્વરને પણ રાગ-ઇચ્છાવાળો માને છે. એમ જગતમાં લોકોએ આવી કે આના જેવી બીજી માન્યતા વડે “ઈશ્વર' નામની જગતકર્તા, નિયંતા, વ્યવસ્થાપક વ્યક્તિ છે એવી કલ્પના ઊભી કરેલ છે.
અહીં શિષ્ય પોતાના શુદ્ધ આત્મા પરત્વે જ ન્યાય સમજવા માગે છે કે જો આવો ઈશ્વર હોય તો શું વિરોધ આવે? એમ કહી તેનો ન્યાય સમજવા માગે છે; પણ ખરી રીતે તો સ્વાધીન આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું હોઈ શકે તે વાતને નક્કી કરવા માગે છે; એટલે કે વાસ્તવિક ન્યાયથી નિર્દોષપણું, પૂર્ણ સ્વાધીન ઈશ્વરતત્ત્વ નક્કી કરવા માગે છે. બધા આત્મા શક્તિસ્વરૂપે પરમાત્મા છે તેની શ્રદ્ધા અને તે જાતના પુરુષાર્થ વડે પૂર્ણ પરમાત્મા થઈ શકે છે. માટે ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ કેવું હોવું જોઈએ તેનો ન્યાય સમજાવે છે. ઈશ્વરને કંઈ કરવાપણું ઠરાવીએ તો જે મુક્ત જીવો છે તેના કરતાં પણ આ જગતની વ્યવસ્થા કરનાર ઈશ્વરનું હીનત્વ થયું, એથી તો ઈશ્વરપણાનો ઉચ્છેદ કરવા જેવું થયું. જગતના લોકો બીજું માને તેથી બીજું ન થાય. આ લોકોત્તર માર્ગની એટલે કે અપૂર્વ આત્મતત્ત્વની યથાર્થ પ્રતીતિ થવી મહા દુર્લભ છે. વસ્તુસ્થિતિ સમજો. ફરીને આવો વખત નહિ મળે. આત્માની યથાર્થ વાત જ્યાંત્યાં સાંભળવા મળતી નથી. અનંત ભવમાં જે ન સમજાયું તે અપૂર્વ તત્ત્વ સમજવાનાં અપૂર્વ ટાણાં છે. મનુષ્યપણું અનંતવાર પામ્યા છતાં આ વાત કેમ ન સમજાણી? એ ઉપરથી વિચારો કે જે અનંત કાળમાં ન સમજાયું તે સમજણ કંઈક મોંઘી હશે. જેનું વિસ્મરણ અનાદિ કાળથી ચાલ્યું આવે છે તેનો પરિચય કરવામાં થોડો કાળ ગાળવો પડે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com