________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તે રૂપ માન્યતા અને તે જાતના સ્વાધીન પુરુષાર્થનું અંશે પણ કારણ પોતાના વિષે લાવવું પડશે આમાં કાંઈ મન, વાણી, દેહનો પુરુષાર્થ નથી કે ઈશ્વર કંઈ કરી દે તેમ નથી. જે ઘણા ઘણા પ્રકારે બીજું માને છે, આત્મામાં પુણ્ય-પાપમય વિકારી કાર્યની ખતવણી કરે છે તે દોડીને દુર્ગતિમાં જાય છે. કોઈ બહારથી પુણ્યાદિના જોગથી પોતાની દૃષ્ટિવડે અનુકૂળ ભાળતો હોય, અને માનતો હોય કે અમે બીજાની દયા પાળીએ છીએ; બ્રહ્મચર્ય; સત્ય વગેરે લૌકિક નીતિ પાળીએ છીએ; પણ જે આત્મસ્વરૂપના અભાનવડે બીજાથી સારું માની રહ્યો છે તે પોતાના સ્વભાવનો ઘાત કરી રહ્યો છે. પરમાર્થે પુણ્યભાવ પણ ઉપાધિ છે, બંધભાવ છે. લોકો બાહ્ય દૃષ્ટિના ઊંધા બળવડે મોહભાવની મસ્તીના થનગનાટમાં એમ માને છે કે આત્મા આવો પુણ્યવાળો છે, તેને જ્ઞાની કહે છે કે ભાઈ રે! ઊભો રહે, કંઈક વિચાર! તું જેનાથી ગુણ માને છે તે તો બંધભાવ છે, વિકારીઔપાધિક ભાવ છે.
પ્રશ્ન :- તો શું આત્મજ્ઞાન થાય તેણે પુણ્ય, દાનાદિ શુભકાર્ય ન કરવાં?
ઉત્તર :- કોઈએ દેહાદિનાં કે પરજીવનાં કાર્ય કર્યા જ નથી, માત્ર તે સંબંધી અભિમાન જ કર્યું છે. જ્ઞાનીને રાગ થઈ જાય છે, પણ તેઓ અહંપણું કરતા નથી. જ્ઞાની ગૃહસ્થ હોય ત્યાં લગી તેવો શુભરાગ થઈ જાય, છતાં તેને તે કર્તવ્ય માનતા નથી.
આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે, તે જ્ઞાનમાં ટકીને જ્ઞાતાપણે જ્ઞાનને જાણ્યા જ કરે છે તેનું નિત્ય કાર્ય છે. પોતે સ્વાધીન સ્વરૂપ છે, જગતનો સાક્ષી છે. જેવા કેવળજ્ઞાની પરમાત્મા જગતના સાક્ષી છે તેવા જ સર્વ જીવાત્મા પોતાના મોક્ષસ્વભાવમાં સ્વાધીનપણે સ્થિત થવાની શક્તિ ધરાવે છે. કોઈ જીવ બીજાને સુધારી કે બગાડી શકતો નથી. પણ માત્ર જાણે છે; સાક્ષીને ઘાલમેલ કરવાની ન હોય.
લોકો સંસારની ઉપાધિનો ઘણો ઘણો વિચાર કરે છે, પણ પોતાનું સ્વાધીન તત્ત્વ શું છે, તેનો વિચાર કરતા નથી. જેણે ઈશ્વર બીજાને ફળ આપનારો, જગતની વ્યવસ્થા રાખવાવાળો કે ઉપાધિવાળો માન્યો છે તેણે પોતાનું સ્વરૂપ પરાધીન ઉપાધિવાળું અને રાગવાળું માન્યું છે. કારણ કે જે જીવ ઈશ્વર-પરમાત્મા થાય, તેણે તે તે ઉપાધિવાળાં કાર્ય કરવા જોઈએ. જો ઈશ્વર કર્મના ફળને આપે એમ ગણીએ તો ત્યાં શુદ્ધતા એટલે ઈશ્વરનું ઐશ્વર્ય જ રહેતું નથી. જગતના જીવો પુણ્ય-પાપ કરે તેને ફળ દેવા આદિ ઉપાધિમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે; અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. કદી એમ માની લઈએ કે ઈશ્વર એક જ છે, તે બધું કરે છે, વિચાર કરીએ તો તેમાં પણ દોષ આવે છે. મુક્ત જીવો બધા વીતરાગ છે. પરભાવ આદિના કર્તા નથી. તે પરભાવ આદિના કર્તા થાય તો તેને સંસારની અને રાગીપણાની પ્રાપ્તિ થાય. તેમજ ઈશ્વર પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવ આદિના કર્તાપણાના દોષનો પ્રસંગ આવે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com