________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮]
[૨૬૩ કરું, મેં ફલાણાની સેવા કરી, દાન કર્યું આમ માનનાર જ્ઞાતાપણાનો અનાદર કરનાર છે, તેથી મોટો અપરાધી છે અને ભાવકર્મરૂપ અજ્ઞાનનો કર્તા છે. જેનું જ્ઞાનમાત્રમાં રહેવું છે તે જ્ઞાતા જ છે.
“ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” આ મહા પદમાં ઊંડું અવગાહો, મનન કરો, આ જ સાર છે; આ બે લીટીમાં જ્ઞાની તથા અજ્ઞાનીનું વલણ કહ્યું છે. હિત-અહિત જાણ્યા પછી હિતનું સેવન થઈ શકે. પોતાના સ્વરૂપની સાચી ઓળખ વિના સમ્યગ્દર્શન નથી અને સમ્યગ્દર્શન વિના ધર્મ નથી. ધર્મ શું, હું કોણ, હિત શું, અહિત શું, આ પુણ્ય-પાપ, રાગાદિ મલિનતા શું, રોગ શું અને નિરોગતા શું, એ સમજ્યા વિના તે કોનો ધર્મ કરશે? ભાન વિના અજ્ઞાન કરશે. સ્વરૂપ સમજ્યા વિના જે કંઈ માને છે તે વિપરીત છે, જે કંઈ જાણે છે તે જડને જાણે છે. પોતાને ક્યારેય પણ જાણતો નથી.
પ્રશ્ન :- પણ જ્યાં લગી સમ્યગ્દર્શન ન થાય ત્યાં લગી શુભક્રિયા, વ્રત, તપ, દાન વગેરે કરીએ તો શું વાંધો?
ઉત્તર :- દેહાદિની ક્રિયાનું કરવું કે ન કરવું તે કાંઈ આત્માને આધારે નથી. મેં ન કર્યું એમ અજ્ઞાની માને ત્યાં જ્ઞાન શું કરે, માટે પ્રથમ આત્માનું સ્વરૂપ તો સમજો. એ જ કાર્ય છે. જ્ઞાતાનું જ્ઞાન કાર્ય છે; મન, વાણી, દેહાદિ પરમાણુની ક્રિયા ચેતનને આધીન નથી, નાહક મિથ્યા અભિમાન થાય છે. છતાં શુભ તજીને પાપ કરો એમ કહેવું નથી; પણ એ વડે મને ગુણ થશે, ધર્મ થશે, એ મારું કર્તવ્ય છે, એ કરું તો ઠીક થાય એ બુદ્ધિ જ મહા મિથ્યાત્વનું પોષણ છે. તે મિથ્યા માન્યતાનો અભાવ કરવા માટે માન્યતા બદલાવવાની જરૂર છે. પ્રથમ શુભ કરું અને તેમાંથી પછી શુદ્ધ પ્રગટશે, તેમ માનવું તે સાચી દૃષ્ટિની અપેક્ષાએ અધર્મ છે, જ્ઞાતાપણાની વિરાધના છે. સમ્યગ્દષ્ટિને પણ એ કાર્ય થઈ જાય, પણ તેની સમજણમાં મોટો આંતરો છે. તેણે રાગનું કોઈ કાર્ય ઠીક માન્યું નથી. પોતે પવિત્ર જ્ઞાનપણે ટકી રહેવાના પ્રયત્નમાં છે. બીજું કાંઈ કરતો નથી. આત્માના ચૈતન્યસ્વભાવને પુણ્ય-પાપ ગૂમડાં છે, ઉપાધિ છે, પુણ્યપરિણામ તે મોહકર્મની સંતતિનું ફળ છે, તેને ગુણ કેમ મનાય? તે વિચારો. પોતાને દોષ-દુઃખરહિત આરોગ્યવંત થવું છે માટે ધર્માત્મા પૂર્ણ શુદ્ધસ્વરૂપને સંબોધે છે કે “આરૂષ્મ બોહિલાભ” (લોગસ્સ સ્તુતિ) બોહિત્રબોધિ=સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન-ચારિત્રની એકતા; લાભ = મારામાં શક્તિરૂપે એ આખું સિદ્ધત્વ છે, તેની મને પ્રાપ્તિ થાઓ.
“તીથ્થયરા મે પસીયંતુ” હે જિન વીતરાગ ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com