________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭]
[૨૫૫ કહેવું હતું કે કર્મ એની મેળે થયાં કરે છે કે પ્રકૃતિ કરે છે, ઈશ્વર કરે છે કે એ કર્મ કરવાનો જીવનો ધર્મ છે, પરંતુ તેની એક પણ વાત પ્રમાણ ન્યાયવાળી નથી. પોતાની ભૂલ પોતાથી થાય છે તેમ જો વિચારે, તો તે ભૂલ ટાળવાનો પ્રસંગ આવે. બીજા કોઈ કહે છે તેથી મને આમ થાય છે, એમ પરનિમિત્ત ઉપર ગુણ-દોષનું આરોપણ કરવું તે વ્યાજબી નથી. અને દૃષ્ટિ એટલે કે નિશ્ચય અને વ્યવહાર જેમ છે તેમ સમજો. જે વખતે જેની વાત હોય તેનું સ્થાપન થાય. જે શુષ્કજ્ઞાનમાં અટકયો હોય અને માનતો હોય કે હું સદાય શુદ્ધ, અસંગ છું, તો તેને જ્ઞાની કહે કે જો તારી વર્તમાન દશા શુદ્ધ હોય તો આ સંસાર કોનો? રાગ-દ્વેષનો કર્તા તું છે, માટે રાગાદિ છોડ. જીવના નિમિત્તથી જ કર્મ બંધાય છે. વર્તમાન અવસ્થામાં જે ભૂલ કરે છે તે ભૂલ ટળી શકે તેમ છે. જો ભૂલ કરવારૂપ ધર્મ જ હોય તો તે છોડી શકાય નહિ, પણ ક્રોધ પલટીને ક્ષમા થઈ શકે છે. જે પરવસ્તુમાં સુખબુદ્ધિ, ઈષ્ટ-અનિષ્ટપણું મનાયું છે. તેનો આશ્રય મનાયો છે તે પરવસ્તુ તારાથી જુદી છે, તેમાં કર્તુત્વબુદ્ધિ, મમત્વબુદ્ધિવાળી મિથ્યા માન્યતા છોડવા માગે તો છૂટી શકે છે અને રાગાદિ મમતારૂપ મોહ છૂટતાં તેનાં નિમિત્તો પણ છૂટી જવા યોગ્ય છે. આ બધાં કારણો વિચારતાં ભૂલ એ જીવનો ધર્મ નથી, એમ જ્ઞાન થાય છે, પણ જ્યાં લગી તે દોષ અને દુઃખરૂપબુદ્ધિ પકડી રાખે ત્યાં લગી દોષ પોતાનામાં રહે; પણ હું જ્ઞાન છું, નિર્દોષ છું એવું સળંગ નિર્દોષતાનું ભાન કરે તથા તેમાં સાવધાન રહે તો આપોઆપ તે દોષ અને દુઃખ ટળી જાય છે. જે ટળે છે, જે છોડી શકાય છે તે પોતાનો ગુણ ન હોય, જેમ કોઈ દુશ્મનને ભૂલથી મિત્ર માન્યો, તેનો સાથ કર્યો પણ જાણ્યું કે તેનો સાથ મને દુઃખરૂપ છે, પ્રથમ મેં તેનાથી હિત માન્યું હતું, પણ તેનાથી મને હિત નથી એમ જાણીને તેનો સાથ છોડી શકાય છે, તેમ જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો સંયોગ જીવ સાથે છે, પણ તેનો ધર્મ તેની સત્તામાં છે. જડની દરેક અવસ્થા જડ કર્મમાં છે અને ચેતનની અવસ્થા ચેતનમાં છે. એક આકાશક્ષેત્રે તો છએ પદાર્થો ભેળાં રહે છે, તે સૌ સદા તેના નિજ નિજ ધર્મપણે રહે છે. એકબીજા પોતાનો ધર્મ છોડીને પરપણે થઈ જતા નથી. જીવ અજ્ઞાનપણે પરનું કર્તાપણું માને છે પણ તેથી તે જીવનો ધર્મ થઈ જતો નથી. તે કર્તાપણું વ્યવહારથી જીવને કહ્યું છે. અજ્ઞાનથી રાગ-દ્વેષ, ક્રોધાદિનું કર્તાપણું જીવને કહ્યું છે તે સર્વથા ખોટું નથી, જીવને રાગાદિક તથા મમત્વબુદ્ધિવડે કર્મનો સંયોગ થાય છે અને તે સંયોગ થવાનું કારણ પરમાં સુખ માનવારૂપ મોહભાવ છે. તેને બરાબર ઓળખીને તેનો ત્યાગ (અભાવ) થઈ શકે છે, કારણનો અભાવ થતાં તે ઉપાધિરૂપ કાર્યનો પણ અભાવ થાય છે. કર્મો નિમિત્ત માત્ર છે, તેમાં જોડાણ ન કરે તો તેમાં કાંઈ એવી શક્તિ નથી કે તે ભૂલમાં કારણ બને. કર્મનું કર્તાપણું જીવની અજ્ઞાનતાથી છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે. એટલું સાથે સમજવું ઘટે છે કે જે જે ભ્રમ હોય તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપે હોય છે અને તેથી તે માન્યતાને ફેરવી શકાય છે. તે ભૂલ ટાળવા યોગ્ય છે; કહેવાનો હેતુ એ છે કે અજ્ઞાને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com