________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રાગાદિક ઉપાધિ જણાય છે તે હું નથી, મારો સ્વભાવ નથી, તેણે મિથ્યા માન્યતારૂપ ભૂલ પુરુષાર્થ સહિત ટાળી છે, તેથી તે કહે છે કે હું પૂર્ણ શુદ્ધ છું. આ અભિપ્રાય અને વર્તમાન પુરુષાર્થ કરવો બાકી છે એમ બેઉ દૃષ્ટિને જેમ છે તેમ સમજે તો મોક્ષમાર્ગ છે.
જો આમા સદા અસંગ જ હોય અગર કર્મ એની મેળે થતાં જ હોય તો પોતાને પુરુષાર્થ કરવાનો રહેતો નથી, પણ ચંચળતા-અસ્થિરતા તો દેખાય છે, છતાં ન માને તો તેને ઊંધો પુરુષાર્થ તો હોય છે. સંસારી જીવોને બે પ્રકારનો પુરુષાર્થ હોય છે, કાં તો ઊંધો અને કાં તો સવળો. આત્મા પોતે જ્ઞાનપણે છે, તેથી જ્ઞાનમાં ભૂલપણું કે અભૂલપણું કરી શકે છે. તે ભૂલે ત્યારે દ્રવ્યકર્મનો ઉદય વગેરે નિમિત્ત છે. તે ભૂલનું નિમિત્ત પામી નવીન કર્મ આવે છે; એટલે નિમિત્તપણે, વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું કહેવાય છે; પણ નિશ્ચયથી ( ખરેખર) તો આત્મા જડની અવસ્થાનો કર્તા નથી. અજ્ઞાની જીવ પોતાને નિમિત્તકર્તા માને છે કે તે બતાવવા વ્યવહારથી (ઘીનો ઘડો એ દૃષ્ટાંતે) કર્મનો કર્તા જીવને કહેવામાં આવે છે. ભૂલવાળી અવસ્થાનો તે આત્મા કર્તા ખરો પણ જડ રજકણોની અવસ્થાનો કર્તા કોઈ આત્મા નથી; કારણ કે પરમાણુ પણ સત્ દ્રવ્ય છે, તે પણ નિત્ય વસ્તુ છે. તે જડની અવસ્થાનું દરેક ક્ષણે હોવાપણું તેનાથી છે. જો તેની અવસ્થાનો કર્તા નિશ્ચયથી (ખરેખર) જીવ છે, એમ કહીએ તો જડવસ્તુપણાનો અભાવ આવે. જડ વસ્તુ છે અને તેની તે તે વખતની અવસ્થા થવારૂપે તેની ત્રિકાળ શક્તિ નિત્ય છે; છતાં જો એમ માનીએ કે તેનો કર્તા જીવ છે, તો એ નિયમનો ભંગ થાય છે. જેનામાં જે શક્તિ ન હોય તે બીજું કોઈ આપી શકે નહિ. અને જો તેનામાં શક્તિ હોય તો જીવે જડને શું આપ્યું? શું કર્યું? માટે આત્મા પોતે નિશ્ચયથી (ખરેખર) જડ વસ્તુનો કર્તા નથી. માત્ર જીવની અશુદ્ધ અવસ્થા કર્મ થવામાં નિમિત્ત છે. તે અશુદ્ધતા જીવમાં છે. જડને હલાવવામાં તો મારો હાથ નથી જ, એમ પરદ્રવ્યમાં મારું કર્તાપણું નથી જ એમ માનવાથી સમ્યજ્ઞાની અને સ્વતંત્ર થવાય છે, પણ લોકોને બહારથી સ્થૂળ પદાર્થની દૃષ્ટિ છે, તેથી આ બધું શું છે તે સમજાતું નથી. સ્વાધીન તત્ત્વનું મનન કર્યા વિના, રુચિ વિના કેમ સમજાય? જડ અને આત્મા જુદા છે. તે ત્રિકાળ જુદા છે અને સૌ સૌમાં સ્વાધીન છે; છતાં માન્યતારૂપે પરનું કર્તાપણું, પરાધીનતાપણું મનાયું છે. દરેક દ્રવ્યની ક્ષણક્ષણવર્તી અવસ્થા સદાય તેના વડે થાય છે. જો જડમાં સ્વાધીનપણે પરિણમવાની શક્તિ ન હોય અને જીવ તેનો કર્તા થાય અને મન, વાણી, દેહની ક્રિયા કરી શકતો હોય તો જેમ ઈશ્વર કર્તા છે એમ માનવાથી જીવનો અભાવ આવતો હતો, તેમ જીવને કર્મનો કર્તા માનવાથી જડ વસ્તુનો અભાવ ઠરે; કારણ કે એવો નિયમ છે કે “જે હોય તે થાય, ન હોય તે નવું ન થાય. તેથી જે શક્તિ જડમાં ન હોય તે નવી ન થાય. છતાં જીવને જડકર્મનો પરમાર્થે કર્તા માનીએ તો જડ વસ્તુ અવસ્તુ ઠરે, માટે જડની અવસ્થાનો કર્તા જીવ નથી, જીવના વિકારીભાવનું તેમાં નિમિત્તપણું છે એ સત્ય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com