________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૭]
[ ૨૧૫ થાય છતાં તેને ઉત્પત્તિવાળો માનવો તે મિથ્યા વાત છે. પોતાથી જ સ્વાધીન સ્વભાવે જે વસ્તુ હોય તેનો નાશ હોય નહિ. છે તેનો નાશ કેમ થાય? આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેનો નાશ થઈને પરમાણુઓમાં ભળી જાય નહિ. આત્મા ન હોય તો તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી. જે વસ્તુ ન હોય તે નવીન કેમ ઊપજે? છે તે સત છે, છે તે ત્રિકાળ છે તેથી ગયે કાળે તે ન હતું એમ નહિ. સસલાને શીંગ કોઈએ દીઠાં નથી; આકાશને પુષ્પ કોઈએ જોયું નથી, માટે જે નથી તે ત્રણે કાળ નથી, જે છે તે ત્રિકાળ છે. હોય તે ત્રિકાળ રહે. અવસ્થાંતર (બદલવું) થાય પણ સપણે નિત્ય ટકી રહે.
શરૂઆતમાં કહેલ છ બોલની યથાર્થ વિચારણા વિના આત્માના સાચા સ્વરૂપની પ્રતીતિ થઈ શકે નહિ. માટે ખૂબ મનન કરવાની જરૂર છે. આચાર્યોએ પ્રથમ કહ્યું છે કે આ છ બોલ સમ્યગ્દર્શનનું કારણ છે માટે તેનું મનન કરવું જોઈએ. રુચિ વિના, દઢ નિર્ણય વિના આગળ કેમ વધી શકાય? પક્ષીને ઊડવું હોય તો પાંખમાં શક્તિ છે પણ નીચેની કઠણ ભૂમિકા હોય તો જ ઊડી શકે. તેમ આત્માની સહજ સ્વાભાવિકતા પોતામાં છે પણ કઠણ ભૂમિરૂપી નિત્યતાનો દઢ નિર્ણય થયા વિના સ્થિરતાનો પુરુષાર્થ કેમ થઈ શકે ? પ્રથમ યથાર્થ ન્યાયથી વિચારણા થવી જોઈએ; લોકોને મૌન થઈને બેસવું ગમે છે, બીજાં વિચારવું ગમે છે પણ તત્ત્વની યથાર્થ વિચારણામાં બહુ મુશ્કેલી માને છે, કેમ કે તેમાં પ્રેમ નથી પણ સંસારમાં પ્રેમ છે.
ઘણાને વાતો સાંભળવી ગમે છે પણ પોતાનું તત્વ કેમ છે તેની સૂક્ષ્મ વિચારણા કરવી ગમતી નથી. જે ન થઈ શકે તે કરવાના મનોરથ સેવે છે, અને જે સાચું હિત છે તે ન કરે, એવી લોકોની ઘણા ભાગે વર્તમાન મનોવૃત્તિ છે. આત્મા ચૈતન્યમૂર્તિ છે. તેની સાથે આઠ કર્મનાં રજકણ છે. તે કર્મનું ફળ આ નોકર્મ-સ્થૂળ દેહ છે. પૂર્વના પ્રારબ્ધયોગે દેહાદિ પિંડની રચના થાય છે, આયુષ્ય પૂર્ણ થતાં જીવ તે દેહ છોડીને બીજો દેહ ધારણ કરવા માતાના ઉદરમાં અથવા કોઈ પ્રકારની યોનિમાં (ઉત્પત્તિસ્થાનમાં) આવે ત્યારે તેની સાથે આવેલું જે સૂક્ષ્મ કાર્મણ શરીર છે તેમાંથી, આયુષ્યકર્મ અને નામકર્મના કારણે બીજાં અનેક પરમાણુઓના સંબંધથી પ્રથમ નાનો દેહ હોય છે, તે દેહનો વિકાસ થતાં મોટો સ્થૂળ દેહ થઈ જાય છે. દેહ સાથે જીવને મમતાના કારણે બંધાવું પડયું છે તો પણ તેમાં ભળીને એક થયો નથી. જો ભળીને એકરૂપ થયો હોય તો ફરી ઉપજી શકે નહિ. પરસંયોગથી જીવ અનુત્પન્ન છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ભળવા યોગ્ય નથી. યથાર્થ વિચારથી આત્માનું એ પ્રકારે નિત્યપણું યોગ્ય લાગશે. ૬૬. હવે ન્યાય આપે છે કે :
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માય; પૂર્વજન્મસંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com