________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પરમાણુ પુદ્ગલ પણ સ્વતંત્ર જડ પદાર્થ છે, તેથી જીવ ચૈતન્યનું ત્રિકાળ જુદાપણું છે; એમ બેઉ દ્રવ્યનું જુદાપણું-તભાવ છે તે કદી એકભાવ થાય નહિ. પ૭.
૪૮ મી ગાથામાં કહ્યું હતું કે આત્મા જ નથી તો મોક્ષ કયાંથી હોય? તેનો છેલ્લો જવાબ કહે છે કે :
આત્માની શંકા કરે, આત્મા પોતે આ૫;
શંકાનો કરનાર તે, અચરજ એહુ અમાપ. ૫૮. વિચાર કરીને સમજવાને નવરા થાય, વિચારપૂર્વક પ્રશ્ન કરે તો સમજાય ને? તત્ત્વ શું છે, વસ્તુસ્વભાવની પ્રતીતિ કેમ થાય, તેની રીતે સમજવા માગે તો સમજાય. જાણવા માટે પ્રશ્ન કેમ કરવા તે માટે પણ વિચાર-મનન જોઈએ. પોતાની તૈયારી વિના કોઈ મફત આપી શકે તેમ નથી. પાત્રતા વિના વસ્તુ નાખશો શેમાં? માટે પ્રથમ વિચારદશા કેળવવી જોઈએ. ખરેખર જુઓ તો પોતે જ સાધન અને પોતાની પૂર્ણ શુદ્ધતા તે સાધ્યદશા છે, એટલે પરમાર્થે આત્મા પોતે સાધ્ય છે, તેમાં પ્રવેશ કરે તો વિચાર, મનન, સત્સમાગમ અભ્યાસ અને શ્રવણ એને સાધન કહેવાય છે.
પ્રથમ આ સમજણ કરવાની છે. સમજવા માટે વિચાર-મંથન કરે અને અંતરની શંકા કરે કે “એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય” અને સમજવાને ધીરો થાય, તો તેને સમજાવનાર નિમિત્ત ઉપકારી થાય. તૈયારી પોતાની જોઈએ. અહીં કહે છે કે જાણનારો પોતે સળંગ ઊભો છે. તેને શંકા પડે છે કે હું છું કે નહિ? જેમ ઓરડામાં કોઈને જોવા મોકલ્યો અને કહ્યું કે તે ઓરડામાં કોણ કોણ છે તે જોઈ આવો. આવીને તે જવાબ આપે છે કે ત્યાં કોઈ નથી. શેઠે ફરીથી કહ્યું કે મારે કોઈનું કામ છે, ત્યારે નોકરે ફરીને જવાબ આપ્યો કે ત્યાં કોઈ નથી. કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? પોતે શંકા કરે અને શંકાનો કરનાર તેને જ ભાળતો નથી એ નવાઈની વાત છે. એક ગુરુએ શિષ્યને કહ્યું કે, કોઈ ન ભાળે તેમ આ રૂપિઆની થેલી છે તેને દાટજે. શિષ્ય ગયો અને દાટી આવ્યો, આવીને ગુરુને કહે છે કે મેં કોઈ ન ભાળે તેમ તે વસ્તુ દાટી છે. ગુરુ કહે કોઈને તેની ખબર નથી ને? ઉત્તર- ના. ગુરુ કહે-તને ભૂલીને દાટવાનું મેં કયારે કહ્યું હતું? એમ આત્મા દરેક ક્ષણે સાક્ષીપણે હયાત છે, છતાં તે પોતે નથી એમ માનવું તે કેટલી નવાઈનીઅચરજની વાત છે. આત્મા છે તેમ ઘણા જીવો માનતા હોય છે પણ તે કેવો છે, કેવો નથી તેની કાંઈ પ્રતીતિ તેમને નથી. તેઓ કહે છે કે આપણે તો અજ્ઞાની છીએ, આપણને કાંઈ આવડે નહિ. મોં-માથે હાથ ન આવે. પણ ભાઈ રે! એ વાત નક્કી કરી તેની ખબર કોને પડે? પરનો નિર્ણય પોતે કરે અને કહે કે આત્માનો નિર્ણય થઈ શકતો નથી, પણ મધ્યસ્થપણે, ધીરજથી ઊંડી વિચારણા કરે તો પોતાને આત્મા જણાય તેમ છે. પોતે તો જાગતો અનંતજ્ઞાની છે. તે સ્વભાવને ઉઘાડી શકે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com