________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૭]
[૨૦૫ એક વસ્તુ બીજી વસ્તુનું કારણ થાય નહિ. મોક્ષદશા થાય છતાં એક આત્મા બીજા આત્મામાં કે જડ તત્ત્વમાં ભળી જાય નહિ જડ અને ચેતન-બન્ને દ્રવ્ય ત્રિકાળ, ભિન્ન ભિન્ન રહે છે. કોઈ કાળે જેમાં જાણવાનો ગુણ નથી તે જડ અને જેનો સદાય જાણવાનો સ્વભાવ છે તે ચૈતન્ય એવો બેઉનો કેવળ જુદો સ્વભાવ છે. લોકો મુખથી કહે છે કે દેહથી આત્મા જુદો છે, પણ વસ્તુનો
સ્વભાવ જેમ છે તેમ બરાબર સમજે તો આત્મસ્વરૂપનો નિર્ણય થાય. દેહાદિની મમતા છોડ્યા વિના અને પરમાર્થનો પ્રેમ થયા વિના પદાર્થનો નિર્ણય થતો નથી. તત્ત્વજ્ઞાન લોકોને અઘરું પડે છે, તેથી પોતાના સ્વચ્છેદે જેમ ઠીક લાગે તેમ માને છે, પરનો આશ્રય લઈને સંતોષ માને, એટલે કાં તો ઈશ્વર કર્તા માને, કાં તો જડ અને જીવનું એકપણું માને, કાં તો રાગ-દ્વેષ અને સંકલ્પ-વિકલ્પને પોતાનું સ્વરૂપ માને; એમ પોતાને ઇષ્ટ લાગે તેમ માને; પણ જ્યાં લગી જાત મહેનતથી અતીન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ યથાર્થ વિધિવડે ન કરે; ત્યાં લગી રખડવાનો દોષ અને દુઃખ ટળે નહિ. સાચું જાણે તો ભ્રમણા રહે નહિ. આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ છે એવો એકવાર ચોક્કસ યથાર્થપણે નિર્ણય થાય તો એક ક્ષણના પુરુષાર્થથી અનંત ભવનાં જન્મ-મરણનો છેડો દેખાય, નિઃસંદેહ ખાતરી થાય. અંદરથી પોતાને સાક્ષી આવે કે મારે હવે ભવભ્રમણ નથી; જ્યાં
ત્યાં પૂછવા જવું પડે નહિ, સત્નો યથાર્થ નિર્ણય કરે તો માર્ગ મળે અને સાધ્યની ઓળખાણ થતાં તે રસ્તે ચાલવા માંડે. ભાવનગર કેવું છે, કેમ પહોંચાય, તે જાણ્યા વિના અંધપણે ચાલે તો જરૂર હેરાન થાય. બહારનું તો જ્યાં ત્યાં પૂછયે ઠેકાણું મળે, પણ આ તો લોકોત્તર માર્ગ, અતીન્દ્રિય સ્વરૂપ તેને જાણવાની વિધિ અનેરી છે. તેનો નિર્ણય પોતાની તૈયારીથી થઈ શકે છે પણ બાહ્ય સાધનથી આત્મા ઊઘડતો નથી. વસ્તુસ્વભાવ જાણ્યા વિના, બીજા વિપરીત સાધન જે દેહ, મન, અને વાણીને ગમે તેમ કેળવે પણ તે બધાં સાધન નિષ્ફળ છે. બીજું કરે તો બીજું થાય. જડભાવનો કર્તા થઈ પુણ્યપરિણામ કરે તો જડભાવથી જડ ફાટે. માટે અપૂર્વ તત્ત્વની ખોજ કરો અને જાગો. આ કાળે પણ એક કે બે દેહ કરી આત્મા કર્મઉપાધિથી સર્વથા મુક્ત થઈને પોતાના સ્વાધીન મોક્ષસ્વરૂપને પુરુષાર્થથી અવશ્ય પામી શકે છે. વર્તમાનકાળે તેની સાક્ષી, પ્રતીતિ અને અનુભવ થઈ શકે છે માટે પ્રથમ જડ-ચેતનની જુદાઈ જાણવા માટે વસ્તુસ્વભાવ જેમ છે તેમ પોતાના નિર્ણયથી જાણો. જડ અને ચેતન એ ત્રણે કાળમાં દ્વિભાવપણું છોડી એકપણું પામે નહિ.
પ્રશ્ન :- મોક્ષમાં જીવ કેવી રીતે રહે છે?
ઉત્તર :- બધા આત્મા સદાય જુદા છે, કારણ કે એકને રોગ થાય તો બીજાને થતો નથી, તેમ જ એક મોક્ષમાં જાય ત્યારે બીજા જતા નથી. રૂપીઆનું વજન અને કિંમત બધા રૂપીઆમાં સમાનપણે છે, પણ સંખ્યાપણે બધા જુદા જુદા છે, એક તે બીજો નથી; તેમ મોક્ષમાં જાય ત્યાં પણ એક થાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com