________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬] અહો! આવું અલૌકિક પવિત્ર અંતર્પરિણમન-કેવળજ્ઞાનનો અંશ, અને આવો પ્રભાવનાઉદય-તીર્થકરવનો અંશ, એ બેનો સુયોગ આ કળિકાળમાં જોઈને રોમાંચ થાય છે. મુમુક્ષુઓનાં મહાપુણ્ય હજુ તપે છે.
અહો ! એ પરમ પ્રભાવક અધ્યાત્મમૂર્તિની વાણીની તો શી વાત, તેનાં દર્શન પણ મહાપુણ્યના થોક ઉછળે ત્યારે પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મયોગીની સમીપમાં સંસારનાં આધિવ્યાધિ-ઉપાધિ ફરકી શકતાં નથી. સંસારતત પ્રાણીઓ ત્યાં પરમ વિશ્રાંતિ પામે છે અને સંસારના દુ:ખો માત્ર કલ્પનાથી જ ઊભાં કરેલાં તેમને ભાસવા માંડે છે. જે વૃત્તિઓ મહા પ્રયત્ન પણ દબાતી નથી તે ગુરુદેવના સાન્નિધ્યમાં વિના પ્રયત્ન શમી જાય છે એ ઘણા ઘણા મુમુક્ષુઓનો અનુભવ છે. આત્માનું નિવૃત્તિમય સ્વરૂપ, મોક્ષનું સુખ વગેરે ભાવોની જે શ્રદ્ધા અનેક દલીલોથી થતી નથી તે ગુરુદેવના દર્શન માત્રથી થઈ જાય છે. ગુરુદેવનાં જ્ઞાન ને ચારિત્ર મુમુક્ષુ પર મહા કલ્યાણકારી અસર કરે છે. ખરેખર કાઠિયાવાડને આંગણે શીતળ છાંયવાળું, વાંછિત ફળ દેનાર કલ્પવૃક્ષ ફળ્યું છે. કાઠિયાવાડનાં મહાભાગ્ય ખીલ્યાં છે.
હવે, સોનગઢમાં પરિવર્તન કર્યા પછીના, મહારાજશ્રીના જીવનવૃત્તાંત સાથે સંબંધ રાખતા કેટલાક પ્રસંગો કાળાનુક્રમે સંક્ષેપમાં જોઈ જઈએ:
સોનગઢથી બાર માઈલ દૂર આવેલા શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રા કરવાની ઘણા વખતથી મહારાજશ્રીની ભાવના હતી. તે સં. ૧૯૯૫ ના પોષ વદ તેરશે પૂર્ણ થઈ. લગભગ ૨૦૦ ભક્તો સહિત મહારાજશ્રીએ તે તીર્થરાજની યાત્રા અતિ ઉત્સાહ ને ભક્તિપૂર્વક કરી.
રાજકોટના શ્રાવકોના બહુ આગ્રહને લીધે સં. ૧૯૯૫ માં મહારાજશ્રીનું રાજકોટ પધારવું થયું. ત્યાં દશેક માસની સ્થિતિ દરમ્યાન મહારાજશ્રીએ સમયસાર, આત્મસિદ્ધિ અને પદ્મનંદિપંચવિંશતિ પર અપૂર્વ પ્રવચનો કર્યા. ગુરુદેવના આગળ વધેલા જ્ઞાનપર્યાયોમાંથી નીકળેલા જડ-ચેતનની વહેંચણીના, નિશ્ચય-વ્યવહારની સંધિના તેમ જ બીજા અનેક અપૂર્વ ન્યાયો સાંભળી રાજકોટના હજારો લોકો પાવન થયા અને અનેક સુપાત્ર જીવોએ પાત્રતા અનુસાર આત્મલાભ મેળવ્યો. દશ માસ સુધી “આનંદકુંજ' માં (મહારાજશ્રી ઊતર્યા હતા તે સ્થાનમાં) નિશદિન આધ્યાત્મિક આનંદનું વાતાવરણ ગુંજી રહ્યું.
- રાજકોટથી પાછા ફરતા મહારાજશ્રી ગિરિરાજ ગિરનાર તીર્થની યાત્રા કરવા પધાર્યા અને એ પવિત્ર નેમગિરિ ઉપર લગભગ ૩૦૦ ભક્તો સાથે ત્રણ દિવસ રહ્યા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com