________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૫] હુતા; આપના અનુભવમુદ્રિત અપૂર્વ અર્થો ટંકણખાર જેવા-શુદ્ધ સુવર્ણ જેવા, જડ-ચેતનના ફડચા કરનારા, શુભ ને શુદ્ધનો સ્પષ્ટ વિભાગ કરનારા, મોક્ષભાવને જ પોષનારા, સમ્યક્ અને ન્યાયયુક્ત છે. આપના શબ્દ શબ્દ વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે; અમે વાક્ય વાક્ય વીતરાગદેવની વિરાધના કરતા હતા, અમારું એક વાક્ય પણ સાચું નહોતું. શાસ્ત્રમાં જ્ઞાન નથી, જ્ઞાનપર્યાયમાં જ્ઞાન છે-એ વાતનો અમને હવે સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રોએ ગાયેલું જે સદ્ગુરુનું માહાભ્ય તે હવે અમને સમજાય છે. શાસ્ત્રોનાં તાળાં ઉઘાડવાની ચાવી વીતરાગદેવે સદ્ગુરુને સોંપી છે. સદગુરુનો ઉપદેશ પામ્યા વિના શાસ્ત્રોનો ઉકેલ થવો અત્યંત અત્યંત કઠિન
પરમ કૃપાળુ ગુરુદેવનું જ્ઞાન જેવું અગાધ ને ગંભીર છે તેવી જ તેમની વ્યાખ્યાનશૈલી ચમત્કૃતિભરેલી છે. તેઓશ્રી કહેવાની વાતને એવી સ્પષ્ટતાથી, વિવિધતાથી, અનેક સાદા દાખલાઓ આપીને, શાસ્ત્રીય શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરીને સમજાવે છે કે સામાન્ય મનુષ્યને પણ તે સહેલાઈથી સમજાય છે. અત્યંત ગહન વિષયને પણ અત્યંત સુગમ રીતે પ્રતિપાદિત કરવાની ગુરુદેવમાં વિશિષ્ટ શક્તિ છે. વળી મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી રસમય છે કે જેમ સર્પ મોરલી પાછળ મુગ્ધ બને છે તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે. સમય
ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન પણ રહેતું નથી. સ્પષ્ટ અને રસમય હોવા ઉપરાંત મહારાજશ્રીનું પ્રવચન શ્રોતાઓમાં અધ્યાત્મનો પ્રેમ ઉત્પન્ન કરે છે. મહારાજશ્રી પ્રવચન કરતાં અધ્યાત્મમાં એવા તન્મય થઈ જાય છે, પરમાત્મદશા પ્રત્યેની એવી ભક્તિ તેમના મુખ પર દેખાય છે કે શ્રોતાઓને તેની અસર થયા વિના રહેતી નથી. આધ્યાત્મની જીવંત મૂર્તિ ગુરુદેવના દેહના અણુએ અણુમાંથી જાણે અધ્યાત્મરસ નીતરે છે. એ અધ્યાત્મમૂર્તિની મુખમુદ્રા નેત્રો, વાણી, હૃદય બધાં એકતાર થઈ અધ્યાત્મની રેલછેલ કરે છે અને મુમુક્ષુઓનાં હૃદયો એ અધ્યાત્મરસથી ભિંજાઈ જાય છે.
ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લ્હાવો છે. તેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અન્ય વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનમાં રસ પડતો નથી. તેમનું વ્યાખ્યાન સાંભળનારને એટલું તો સ્પષ્ટ લાગે છે કે “આ પુરુષ કોઈ જુદી જાતનો છે, જગતથી એ કંઈક જુદું કહે છે, અપૂર્વ કહે છે. એના કથન પાછળ કોઈ અજબ દઢતા ને જોર છે. આવું ક્યાંય સાંભળ્યું નથી.' મહારાજશ્રીના વ્યાખ્યાનમાંથી અનેક જીવો પોતપોતાની પાત્રતા અનુસાર લાભ મેળવી જાય છે. કેટલાકને સત્ પ્રત્યે રુચિ જાગે છે, કોઈ કોઈને સત્સમજણના અંકુર ફૂટે છે. અને કોઈ વિરલ જીવોની તો દશા જ પલટાઈ જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com