________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૧]
એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ;
પામે નહીં પરમાર્થને, અનઅધિકારીમાં જ. ૩૧ પૂર્વે મતાર્થી-માનાર્થીના લક્ષણ કહ્યાં. તે પોતાનું માન અને મત સાચવવામાં જ રોકાઈ જાય, અને આત્માર્થ ચૂકી જાય. કદી રાગ ઘટાડવાનો ખૂબ પુણ્યપરિણામ કરે, પણ એથી વાસ્તવિક અરાગીપણું આવતું નથી; એવું તો ઘણીવાર કર્યું.
અપેક્ષાથી વાત આવે કે આત્મા તો શુદ્ધ જ છે, જ્ઞાતા છે, પણ એ દશાનો અપૂર્વ પુરુષાર્થ જોઈએ; તે પૂર્ણ પવિત્ર દશાનું અંશે ભાન થયું હોય તો વર્તમાન દશા બદલાઈ જાય. પણ શુષ્કજ્ઞાની તથા ક્રિયાજડવાળાની વૃત્તિ વિષય-કષાયાદિમાં રોકાઈ જાય છે. દેહની સગવડતામાંજાળવણીમાં ખામી આવે તો તેમાં મૂંઝાઈ જાય છે. શુષ્કજ્ઞાની પ્રત્યે તે કહે છે કે ભાઈ રે! તું કહેતો હતો ને કે હું જ્ઞાતા છું અને નાશવંત દેહ જડ છે, અનંત પરમાણુનો પિંડ છે; પણ તારી તેના ઉપરની મમતા કેમ ઘટતી નથી? દેહ અને દેહાદિની સગવડતા માટે આત્માને જતો કરે છે. ક્રિયાજડ પ્રત્યે કહે છે, ભાઈ રે! મહા દુર્લભ મનુષ્યદેહનો યોગ તો પુણ્યના કારણે થયો, ત્યારે દેહમાં રહેલા ચૈતન્યભગવાનને ભૂલીને એટલે પોતાને ભૂલીને, લોકઆબરૂ માટે અથવા ધર્મના નામે સંપ્રદાયના ખોટા આગ્રહ માટે અને મુખ્યપણે પોતાના માન માટે આખો આત્માર્થ ચૂકી જાય છે, પોતે જ પોતાનો અપરાધ કરે છે, તેમાં જડ પ્રકૃતિનો દોષ નથી.
આત્મભગવાન પવિત્ર છે, અનંત શાશ્વત સુખ પોતામાં જ છે, છતાં બાહ્યમાં ઝાવાં નાખવા અને પરાધીનતા ગોતવી એ તો અનાદિકાળથી ઉપાધિ રાખવાનો જ પરિચય છે, એટલે દેહની મમતાના કારણે આત્મગુણનું પ્રગટવું થતું નથી. આત્મા પોતાની સાચી સમજણથી સમકિત પામે છે, પ્રગટ કરી શકે છે. સાતમી નરકમાં પણ ભેદવિજ્ઞાનવડ આત્માની પવિત્ર દશા-સમ્યકત્વ જે આત્મા પ્રગટ કરે છે તે અનંતી વેદના ઉપર જોતો નથી. શરીરમાં ભયંકર ૧૬ જાતના રોગ, અનેક પ્રકારે અનંતી પ્રતિકૂળતા હોવા છતાં સમકિત પ્રગટ કરનાર જીવ તે ઉપર નજર નથી કરતો. અનંતી ક્ષુધા-તૃષા છે, છતાં તેમાં તેને ક્ષોભ નથી, પણ તે આત્માની નિરાકુળ શાંત દશામાં જ્ઞાનપણે જ્ઞાતા જ રહે છે. ચક્રવર્તી રાજા હોય, જેની સોળ હજાર દેવી સેવા કરે છે, સુંદર સ્ત્રી આદિનો યોગ છે, છતાં તે તેના તરફ જોતો નથી. પરમ વૈરાગ્યવંત ઉપશમરસમાં પોતાનું મહા સુખ પોતાના અંતરંગ તત્ત્વમાં દેખે છે; એટલે પર સંયોગની સગવડતા-અગવડતાથી આત્માને કાંઈ લાભ-હાનિ નથી; અનંતી અગવડતા હોય કે સગવડતા હોય, તેમાં જે ચૈતન્ય સલવાતો નથી, તે એક ભવે પણ મોક્ષે જાય; પણ જેને પોતાનું ભાન નથી, તે પરવસ્તુમાં મોહ હોવાના કારણે, રાગાદિ પુણ્ય-પાપની મીઠાશને લીધે, સ્વયં સંસારચક્રમાં સલવાય છે, અને તેમાં સુખ માને છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com