________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને વેષ, તેનો શુભ રાગ તથા મનના સંબંધનો શુભ વિકલ્પ તેમાં આત્મધર્મ નથી. કષાયની તીવ્રતા ટાળીને શુભ રાગવડે અકષાયદૃષ્ટિની માત્ર ધારણા કરે અથવા મંદ કષાયરૂપ વ્રતના શુભ વિકલ્પ કરે તે પણ બાહ્ય વેષ છે. તેનાથી આત્માને ધર્મ થશે એમ માનવું તે અજ્ઞાન છે. રાગદ્વેષરહિત નિર્મળ જ્ઞાનસ્વરૂપની પૂર્ણ દશાનું લક્ષ તથા તેની શ્રદ્ધા ઉપર જેની અવિરોધ મીટ છે, માત્ર એક અક્રિય જ્ઞાતાબિંબ અરાગી, પૂર્ણ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, બીજાનો જ્ઞાનથી નકાર છે, તેને અનંત જ્ઞાનીઓએ સમ્યજ્ઞાન એટલે આત્મધર્મ કહ્યો છે. એવા ધર્માત્માને કદાચિત્ જ્ઞાનનો ઉઘાડ અધિક ન હોય, ગતાગતિ કે ગુણસ્થાનના ભેદ યાદ ન હોય, છતાં ઉપર કહ્યું તે ભાવશ્રુત સહિતનું સમ્યકારિત્ર અંશે પણ હોય જ. એમ ન માનવું કે આટલી ક્રિયાથી જ, આટલા પુસ્તકશાસ્ત્રાદિ જાણ્યા પછી જ આત્મજ્ઞાન થાય. આત્મધર્મ શુભવિકલ્પથી પર છે; છતાં સમજાય તેને સરલ છે, સહજ છે. ઢોરમાં અને નારકીમાં પણ આત્મજ્ઞાન થાય છે. મનુષ્યભવમાં સત્પુરુષ અને સનો આદર કર્યો હોય પણ વચ્ચે વિરાધના કરી હોય, તો તેના ફળમાં ઢોર થાય, માછલું થાય
ત્યાં જાતિસ્મરણ જ્ઞાન કે અવધિજ્ઞાન થતાં આત્મજ્ઞાન થઈ જાય. તેને નવતત્ત્વના નામની ખબર નથી, પણ એટલું જાણે છે કે આ ભાવ હિતકારી, અવિકારી છે, કલુષતા-અસ્થિરતાથી જુદી જાતનો છે. શાન્ત-અનાકુળ મારું સ્વરૂપ છે, અને એ સિવાયના બધા ભાવ પર છે, એમ સંક્ષેપમાં ભેદજ્ઞાનનો વિવેક વર્તે છે; પણ આ વાત ઊંડા ઉતર્યા વિના ઘણાને અઘરી પડે તેવી છે. આગળ હવે તો બધુંય સમજાય. તિર્યંચને પણ એક જ્ઞાનમય અકષાયભાવ ઉપર એવી મીટ રહે છે કે આ શાન્તિ જ મારું સ્વરૂપ છે, બીજું નહિ; એમાં સંવર, નિર્જરા આદિ નવ તત્ત્વનો સાર સમાઈ જાય છે, ગોખવા પડતા નથી; પણ તેથી એમ નથી કહેવું કે શાસ્ત્રો ન જાણવાં. જેઓ સૂત્રસિદ્ધાંતના શબ્દોના જાણપણામાં જ આત્મજ્ઞાન માને છે અને તે સંબંધી રાગરૂપ વિચારણામાં ધર્મ માની તેનો આગ્રહ, મતભેદ અને પોતાનું સાચું, એમ ખોટાની પકડને સાચી માની, સાચું સમજવાની ના પાડે છે તેવા મતાગ્રહીઓ સત્નો અનાદર કરે છે. તે ઉપર કાકા-ભત્રીજાનું એક દૃષ્ટાંત છે કે “હકડો બુરો ન છડું” પારકું ખેતર જોઈને બેઉ વાદે ચડયા. ભત્રીજો કહે કે આમાં ૨૪ કળશી જાર પાકશે. કાકો કહે કે ૨૫ કળશી. બેઉને થઈ તાણીતાણ. ભત્રીજો જોરદાર હતો તે કાકાની છાતી ઉપર ચડી બેઠો, કાકાનું ગળું દાળ્યું અને કહ્યું કે મારું માન, અને કહે કે ૨૪ કળશી. કાકો કહે કે ૨૫ કળશીમાં એક બુરું ઓછું નહિ કહું. એમ પારકું જાણપણું જે શાસ્ત્રજ્ઞાન તેના શબ્દોમાં રાગવડે વિવાદે ચડી ગયા કે આ મારું સાચું, પણ ન્યાયની તથા અંતરંગ પરિણમનની ખબર નથી. શાસ્ત્રમાં જે ન્યાય છે તેનો સાર આત્મજ્ઞાન છે. રાગ-દ્વેષ ટાળવાની વાત હતી તેને બદલે કષાયમાં વર્તે છે, જાણપણાનું અભિમાન કરે છે, અને ખોટાનો આગ્રહ રાખે છે. તેઓને જ્ઞાનના ભૂલ્યા મતાર્થી કહ્યા છે. ૨૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com