________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૫ ]
[ ૧૩૫ ભગવાનની સ્તુતિ કરી છે, તે પુણ્યની અપેક્ષાની વાત નથી. પણ આને તો ઊંડાણમાં પુણ્યની અને બાહ્ય માહાભ્યની મીઠાશ રહી છે; એવી મીઠાશ ન હોય તો આત્માની વાત-વીતરાગપણું જાણ્યા વિના ન રહે. તત્ત્વની વાતમાં અકષાયભાવની સ્થિરતાનું ટાણું હોય તે ટાણે જે પુણ્યાદિ ઠાઠની વાત મૂકે, તેમાં રસ લે, તેને અકષાય જ્ઞાતા વીતરાગનું માહાભ્ય નથી, પણ પુણ્યનુંરાગનું માહાભ્ય છે.
શાસ્ત્રમાં આવે છે કે પ્રતિક્રમણ એટલે વિભાવથી પાછા ફરવું-સ્વરૂપમાં સાવધાન રહેવું. હવે તે ટાણે પુણ્યની-રાગની વાત કરવા-કરાવવા ઘણા જીવો બેસે છે. બીજા ખામણામાં લોકો ખાસ તે વર્ણન બોલાવે છે અને તેના પુણ્યવૈભવમાં રસ લે છે. તેમાં પોતાની વંચના છે. શાસ્ત્રમાં પુણ્યની વાત આવે, સર્વાર્થસિદ્ધિના દેવના વૈભવની વાત આવે, ઇન્દ્રાદિ, ચક્રવર્તી અથવા તીર્થંકર ભગવાનનાં પુણ્યનું વર્ણન આવે, તેમાં પોતાને ભૂલીને જે રાગ વેદાય છે તે અજ્ઞાનભાવ છે; જૂના રસનો આદર છે; ઊંડાણમાં તેની મીઠાશ છે. એ રાગનાં અંશમાત્રનો પણ જ્યાં આદર છે ત્યાં અવિકારી આત્માનો અનાદર કરે છે.
પ્રશ્ન :- શુદ્ધભાવમાં નથી રહેવાતું માટે શુભભાવમાં શા માટે ન રહેવું?
ઉત્તર :- શુભભાવ રાખવો તે ઉપાદેય છે એમ માનવું તે અજ્ઞાન છે. શુભભાવ રાખવા જેવા છે, કર્તવ્ય છે તથા હમણાં શુભ રાખીને પછી ઠીક થઈ રહેશે, શુભભાવ વ્યવહારધર્મ છે, એમ શુભ પરિણામમાં રોકાવાની ઉપાદેયબુદ્ધિ થઈ ત્યાં અજ્ઞાન છે. માન્યતા શું જોઈએ તે સમજો. શુભભાવ થઈ જાય તે જુદી વાત છે, પણ તેને ઉપાદેય માનવો તથા કરવા જેવો છે એમ માનવું તે જુદી વાત છે. જેમ છે તેમ સમજીને જ્ઞાન કરવાનું છે. જ્ઞાની પુણ્યના ઠાઠ અને દુઃખના સંયોગના ઢગલા બેઉને સમ ગણે છે. “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.” આ અભિપ્રાય દેઢ બાંધ્યા વિના શુભયોગમાં પોતે મધ્યસ્થ નહિ રહી શકે શુભરાગ રાખવા જેવો છે, પુણ્યાદિ કરવા જેવાં છે. એ માન્યતા મિથ્યાશલ્ય છે. પુણ્ય તે હું નહિ, હું રાગરહિત છું, પૂર્ણ અસંગ છું-એમ અંતરંગ પુરુષાર્થથી એકવાર હા તો લાવો! તીર્થકર નામકર્મનાં પુણ્ય પણ મારે ન જોઈએ, એમ પરદ્રવ્ય, પરભાવની હેયબુદ્ધિનો સવિવેક તો લાવો! પરથી જુદાપણું અને આત્માનો આદર તે શું કાંઈ વાતો હશે? પોતાની વર્તમાન દશા કયા ભાવમાં વર્તે છે, તથા કઈ જાતના ભાવ છે; એના ભાન વિના, પોતે જડની જાત-પુણ્યની મીઠાશ વેદે છે અને માને છે કે હું દેવ-ગુરુ-ધર્મનો આદર કરું છું; તે તો પોતાની વંચના છે. તેને સર્વજ્ઞ પ્રભુએ અનંતાનુબંધી કષાયનાં પરિણામ કહ્યાં છે.
અનંતકાળમાં જે નથી કર્યું તે સમજણનું કાર્ય કેવું હશે? તે સમજવામાં ઘણો વિવેક જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com