________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦] મોટાં ગામોમાં મહારાજશ્રીનું વ્યાખ્યાન પ્રાયઃ ઉપાશ્રયમાં નહિ પણ કોઈ વિશાળ જગ્યામાં રાખવું પડતું. દિવસે દિવસે તેમની ખ્યાતિ વધતી જ ગઈ. વ્યાખ્યાનમાં હજારો માણસો આવતાં, આસપાસનાં ગામોમાંથી પણ માણસો આવતાં. આગળ જગા મળે એ હેતુથી સેંકડો લોકો કલાકદોઢદોઢ કલાક વહેલા આવીને બેસી જતાં. કોઈક જિજ્ઞાસુઓ વ્યાખ્યાનોની ટૂંકી નોંધ કરી લેતા. જે ગામમાં મહારાજશ્રી પધારે તે ગામમાં શ્રાવકોના ઘરે ઘરે ધર્મની ચર્ચા ચાલતી અને સર્વત્ર ધર્મનું જ વાતાવરણ જામી રહેતું. શેરીઓમાં શ્રાવકોનાં ટોળાં ધર્મની વાતો કરતાં નજરે પડતાં, બપોરે ને સાંજ ઉપાશ્રયના રસ્તે જનસમુદાયની ભારે અવર-જવર રહ્યા કરતી. ઉપાશ્રયમાં લગભગ આખો દિવસ તત્ત્વજ્ઞાન ચર્ચાની શીતળ લહરીઓ છૂટતી. કેટલાક મુમુક્ષુઓનું તો વેપાર ધંધામાં ચિત્ત ચોટતું નહિ ને મહારાજશ્રીની શીતળ છાંયમાં ઘણોખરો વખત ગાળતા. એ રીતે ગામોગામ અનેક સુપાત્ર જીવોના હૃદયમાં મહારાજશ્રીએ સન્ની રુચિનાં બીજ રોપ્યાં. મહારાજશ્રીના વિયોગમાં પણ તે મુમુક્ષુઓ મહારાજશ્રીના બોધ વિચારતા; ભવભ્રમણ કેમ ટળે, સમ્યકત્વ કેમ પ્રાપ્ત થાય તેની ઝંખના કરતા, કોઈ વાર ભેગાં મળીને તત્ત્વચર્ચા કરતા, મહારાજશ્રીએ કહેલાં પુસ્તકો વાંચતા-વિચારતા.
સ્થાનકવાસી સાધુઓમાં મહારાજશ્રીનું સ્થાન અજોડ હતું. “કાનજી મહારાજ શું કહે છે'એ જાણવા સાધુ-સાધ્વીઓ ઉત્સુક રહેતાં, કેટલાક સાધુ-સાધ્વીઓ મહારાજશ્રીનાં વ્યાખ્યાનની નોંધ મુમુક્ષુ ભાઈબેનો પાસેથી મેળવી વાંચી લેતાં.
મહારાજશ્રીએ ઘણાં વર્ષો સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી આત્મધર્મનો ખૂબ પ્રચાર કર્યો અને સાધુ તથા શ્રાવકોને વિચારતા કરી મૂકયા.
મહારાજશ્રી સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહ્યા. પરંતુ અંતરંગ આત્મામાં વાસ્તવિક વસ્તુસ્વભાવ અને વાસ્તવિક નિગ્રંથમાર્ગ ઘણા વખતથી સત્ય લાગતો હોવાથી તેઓશ્રીએ યોગ્ય સમયે સૌરાષ્ટ્રના સોનગઢ નામના નાના ગામમાં ત્યાંના એક ગૃહસ્થના ખાલી મકાનમાં સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ ૧૩ ને મંગળવારને દિને “પરિવર્તન કર્યું સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન જે મુહપતિ તેનો ત્યાગ કર્યો. સંપ્રદાય ત્યાગનારાઓને કેવી કેવી અનેક મહા વિપત્તિઓ પડે છે, બાળ જીવો તરફથી અજ્ઞાનને લીધે તેમના પર કેવી અઘટિત નિંદાની ઝડીઓ વરસે છે, તેનો તેમને સંપૂર્ણ ખ્યાલ હતો પણ તે નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. સંપ્રદાયના હજારો શ્રાવકોના હૃદયમાં મહારાજશ્રી અગ્રસ્થાને બિરાજતા હતા તેથી ઘણા શ્રાવકોએ મહારાજશ્રીને પરિવર્તન નહિ કરવા અનેક પ્રકારે પ્રેમભાવે વિનવ્યા હતા. પરંતુ જેના રોમેરોમમાં વીતરાગપ્રણીત યથાર્થ સન્માર્ગ પ્રત્યે ભક્તિ ઊછળતી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com