________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
[ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જે સ્વચ્છેદ ટાળીને નિર્દોષ વીતરાગ ભગવંતોના ભાવવચનનો આશય શું છે તેને સમજે, ઊંડાણથી વિચાર અને અંદરથી સાચો ન્યાય કાઢે કે સર્વજીવો શક્તિરૂપે દ્રવ્યસ્વભાવે માત્ર શુદ્ધ છે, પણ પોતાની વર્તમાન અવસ્થા પોતાની ભૂલના કારણે મલિન છે; તે મલિનતા અને ભૂલ રહિત તદ્દન શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જીવ યથાર્થ પુરુષાર્થથી કરી શકે છે. તે ન્યાયે એક વાત પણ યથાર્થપણે, શાસ્ત્રન્યાયને ઊંડાણથી અવગાહીને વિરોધ ટાળીને જો જીવ સમજે તો બધાય પ્રમાણિક પડખારૂપ ન્યાયની સંધિ તેને બેસતી આવશે.
ઘણા જીવોને સુખ અને સત્યની તાલાવેલી છતાં, નિત્ય સહજ આનંદસ્વરૂપનો અનુભવ નથી થતો તેનું કારણ કે તેમને સ્વરૂપની ભ્રાંતિ છે. તે લોકો વિચાર્યા વિના ગોખી જાય છે. કાયમ વાંચન ચાલુ રાખે, પણ તે શબ્દનો ભાવાર્થ શું છે તેની ખબર જેને ન પડે, છતાં હાંકયે રાખે અને પોતાના સ્વચ્છંદને ઠીક માને, તેને સ્વરૂપની ભ્રાંતિ ન ટળે. વળી તે સાધુવંદનાનો આશ્રય કરતો હોય, આનુપૂર્વી ગણતો હોય, “નમો અરિહંતાણં' વગેરે ગોખી નાખતો હોય, પણ વિચારે નહિ કે હું જેનું સ્મરણ કરું છું તેનું શું સ્વરૂપ છે? તેનાથી મને શું લાભ થાય છે? હું તે રાગમાં ટક્યો છું કે શું? આ તત્ત્વ શી રીતે પ્રગટ થઈ શકે છે? મને મારી અને પરની ઓળખાણ શી રીતે છે? અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરવાની કઈ કળા છે? હું જે કરી રહ્યો છું, માની રહ્યો છું તે સત્ય છે કે કેમ? તેનો વિચાર વિવેકપૂર્વક કરતાં તેને આવડે નહિ તો તે આગળ કેમ વધશે? ક્રિયાને પોતાની કરવા માગે છે તેનો નિત્ય અભ્યાસ હોવા છતાં તેનું વર્તમાનમાં કાંઈ ફળ આવતું નથી, તો તેનું પછી ફળ કેમ આવશે? એટલે લોકો વિચારતા નથી.
લોકો શ્રદ્ધાને ધર્મ કહે છે પણ શ્રદ્ધાસ્વરૂપ તો આત્મા છે અને તેનો પ્રત્યક્ષ વર્તમાનમાં પણ લાભ થઈ શકે છે. પ્રથમ બીજું કાંઈ કરીએ અને પછી આત્મજ્ઞાન ઊઘડે એમ નથી, માટે કહ્યું કે સત્ શાસ્ત્રો નિત્ય વિચારવાં, યથાર્થ ન્યાયથી અવગાડવાં, પણ કઈ શરતે કે - “કરી મતાંતર ત્યાજ' એટલે સ્વચ્છેદનો ત્યાગ કરીને, વિરોધ ટાળીને સમજવા માટે વિચારવાં. એવું ન હોવું જોઈએ કે તેનાથી હાનિ થાય કે સ્વચ્છેદ પોષાય. તત્ત્વનો અભ્યાસ અનાદિથી જીવને અજાણપણે છે. તેનો યથાર્થ નિર્ણય કરતાં વાર લાગે તેનો વાંધો નથી, પણ ખોટો નિર્ણય ન થઈ જાય તે વિચારવું અને જે સાચું છે તે સમજવું; પણ છ મહિના વિચાર કરીને ભેંસના શિંગડામાં માથું ઘાલનાર મૂર્ખ મનુષ્ય જેવું ન થવું જોઈએ.
આગળ કહ્યું કે અવિરોધ તત્ત્વનિરૂપક શાસ્ત્રને યથાર્થ સમજીને શાસ્ત્રમાં પ્રવેશ કરવો. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? તથા આજસુધી જે માન્યું છે તેનાથી જુદો પડી મધ્યસ્થપણે ન્યાયદૃષ્ટિથી વિચારે તો લાભ થાય, પણ કુળધર્મને સાર્થક કરવાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com