________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] વસ્તુની વર્તમાન અવસ્થા જેવા ભાવે છે તેવી રીતે જાણે, માને અને પ્રસંગોપાત જણાવે; પણ જાણવું તેમાં વૈષ ન હોય. ધર્માત્મા ઉપદેશક હોય તે સામાન્યપણે સામાના અવગુણ પણ જણાવે છતાં સામા જીવ ઉપર અથવા કોઈ પદાર્થ ઉપર ઇષ્ટ-અનિષ્ટપણું, મમતા ન કરે. જ્ઞાની બધું જાણે અને વિવેક કરે તેથી ઇષ્ટ-અનિષ્ટપણું આવતું નથી; ઝેર અને અમૃતનો વિવેક-જુદાઈ બરાબર જાણે અને કહે.
આત્માનો સ્વભાવ જાણવું-દેખવું છે. જાણવું તેમાં દોષ નથી. જ્ઞાની શેયપદાર્થ અને તેની અવસ્થાને જેમ છે તેમ યથાર્થ જાણે પણ નરકના જીવને સિદ્ધદશાવાળો ન માને. જ્ઞાનમાં જે જે પદાર્થો જણાય છે તેમાં કોઈ પણ પદાર્થ દેખીને, તેની અવસ્થા દેખીને એકમેકપણું-રાગપણું ન કરે. મમતા, રાગ દ્વેષવાળી બુદ્ધિ ન કરે. અજ્ઞાની પરપદાર્થમાં રાગ, દ્વેષ, મમતા કરે. ઘણા કહે છે કે આત્માનું અનંતજ્ઞાન ઊઘડી જાય એટલે જગતમાં ભેદ ન જુએ, બધાને સિદ્ધ સમાન જુએ. કારણમાં કહે છે કે જો ભેદ જુએ તો તેની દૃષ્ટિમાં દૈતપણું આવે છે. એવા જીવોનું જ્ઞાન હજી દોષવાળું છે. જ્ઞાનીની દૃષ્ટિમાં ગુણ-દોષ વગેરે ન દેખાય એવી માન્યતા અમુક વર્ગની છે, પણ તે વાત જૂઠી છે.
રાગાદિ દોષ આત્માનો ધર્મ નથી, પણ કોઈ જીવને ઊંધી માન્યતા વડે રાગ, દ્વેષ, અજ્ઞાનમય દશા હોય છે. જ્ઞાની તેને તેવી જાણે.
જ્ઞાની, જીવ-અજીવાદિ દ્રવ્યની જેવી અવસ્થા હોય તેવી જ દેખે; દેખવામાં દોષ નથી. પૂર્ણ જ્ઞાનની સહજ સ્વરૂપસ્થિતિમાં સમસ્ત વિશ્વ સહજપણે ઝળકે છે. (જેમ નિર્મળ અરીસામાં સહેજે ઈચ્છા વિના સામે જેવો પદાર્થ હોય તેવો દેખાય છે.)
પૂર્ણ વીતરાગ થયા પછી તો પૂર્ણપણે સમદર્શિતા, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ જ્ઞાન પ્રગટ વર્તે છે. છઠે ગુણસ્થાનકે જે મુનિદશા વર્તતી હોય છે, તે સાધકદશા છે. જેમ કેવળજ્ઞાની પરમાત્મા એકસાથે જગતના સમસ્ત પદાર્થોને પ્રત્યક્ષ જાણે-દેખે છે, તેમ આ છદ્મસ્થ જ્ઞાની મુનિને જ્ઞાનનો ઉઘાડ ઓછો હોવાછતાં પરોક્ષપણે જેટલા પદાર્થોને જાણે-દેખે છે તે સર્વજ્ઞ પરમાત્મા જેવી રીતે જાણે-દેખે છે તેવી જ રીતે જાણે-દેખે છે. નિશ્ચયથી પોતાના જ્ઞાનના પર્યાયને જ જાણે-દેખે છે.
આ ૧૦ મી ગાથામાં પાંચ ગુણ સમજાવ્યા છે :
(૧) આત્મજ્ઞાન ( હેય-ઉપાદેયની સ્પષ્ટતા સહિત અનંત ગુણ-પર્યાયથી અભેદ નિજાત્માનું જ્ઞાન.) ,
(૨) સમદર્શિતા ( ઈચ્છારહિતપણું ), (૩) “વિચરે ઉદય પ્રયોગ' (સાધકમાર્ગ),
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com